કચ્છ (ભુજ )13 મિનિટ પહેલા
- કૉપી લિંક

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલનું કાર્ય વર્ષોની જહેમત બાદ અંતે આ વર્ષે પરિપૂર્ણ કરવામાં આવ્યું છે, પરંતુ આજ વર્ષે કેનાલમાં 5થી 6 સ્થળે ગાબડાં પડ્યાની ઘટના સર્જાઈ ચૂકી છે. જેને લઈ કેનાલના કામમાં ગેરરીતિના આક્ષેપો વિવિધ માધ્યમો, રાજકીય પક્ષ દ્વારા સતત ઉઠતા રહ્યાં છે. જેની સાક્ષી પૂરતી ઘટના ફરી એક વખત આડેસર ગામેથી સામે આવી છે. જ્યાં આજ વહેલી પરોઢે અંદાજિત 15 ફૂટ લાંબુ ગાબડું પડ્યું છે. જેના કારણે અસંખ્ય લિટર પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યાં છે. તો અનેક ખેતરમાં પાણી પહોંચતા ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જોકે, ઘટનાની જાણ નર્મદા વિભાગને થતા તુરંત બે મશીનો દ્વારા સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ત્રણ દિવસમાં ત્રણ બાળકો પણ તણાયાં
ભચાઉ પાસેની નર્મદા કેનાલમાં ત્રણ દિવસથી ત્રણ બાળકોના તણાઈ જવાની દુઃખદ ઘટના બની છે, જ્યાં હજુ સુધી આ બાળકોના સબ મળી શક્યા નથી. કારણ કે સંપ હાઉસ પાસેના સાયફનમાં સતત પાણીના પ્રવાહથી તેમાં બાળકો ફસાયાની આશંકા છે, પરંતુ કેનાલમાં પાણી બંધ ના કરાતાં બાળકોના સબ મળી રહ્યા નથી. જ્યારે બીજી તરફ અનેક રજૂઆતો બાદ વાગડ વિસ્તારમાં કેનાલમાં પાણી શરૂ થયા છે. જ્યાં આડેસર પાસે ગાબડું પડતા મહામુલું પાણી વેડફાઈ રહ્યું છે.

આજ રાત્રિ સુધીમાં કેનાલના ગાબડામાં પુરણ કરી દેવાશે
અલબત્ત આડેસર ગામ પાસે પડેલા ગાબડા વિશે નર્મદા વિભાગના કાર્યપાલક ચૌધરી સાહેબો સંપર્ક કરતાં તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગાબડું આજે વહેલા 3.30 વાગ્યાના અરસામાં પડ્યું છે. જેના સમારકામ માટે બે મશીન લગાડવામાં આવ્યા છે અને આજ રાત્રિ સુધીમાં કેનાલના ગાબડામાં પુરણ કરી દેવામાં આવશે.