અમદાવાદના 65 ફ્લાયઓવર અને અન્ડરબ્રિજ પાણીથી ધોઈને ચોખ્ખા કરાયા

[og_img]

  • દર મહિને શહેરના તમામ બ્રિજ એકવાર પાણીથી સાફ કરવા કમિશનરની સૂચના
  • પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝૂંબેશના ભાગરૂપે 235 એકમોને નોટિસ ફટકારાઇ
  • રૂ.70,550નો દંડ વસૂલ કરાયો, 6.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના તમામ ફ્લાયઓવર તથા અન્ડરબ્રિજની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને શહેરના કુલ 65 ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજને પાણીથી ધોઈને સફાઈ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર થેન્નારસનની સૂચનાને અનુસરીને દેશી ભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી અને ટીમ દ્વારા તમામ બ્રિજની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે અને દર મહિને એકવાર તમામ બ્રિજ પાણીથી ધોઈને ચોખ્ખા ચણાક કરવામાં આવશે. મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ગંદકી અને ન્યુસન્સ અટકાવવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝૂંબેશના ભાગરૂપે શહેરના તમામ ઝોનમાં 235 એકમોને નોટિસ ફટકારીને રૂ. 70,550નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે અને 6.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે.

મ્યુનિ. દ્વારા નાગરિકો અને વાહનચાલકોની સરળતા માટે જુદા જુદા વિસ્તારોમાં અન્ડરબ્રિજ અને ફ્લાયઓવર બનાવાયા છે. આ તમામ બ્રિજની નિયમિત સફાઈ કરવામાં આવતી ન હોવાને કારણે બ્રિજની સાઈડમાં તથા અન્ય જગ્યાએ કચરો જામી જાય છે અને મોટાં વાહનોની અવર જવર અને પવનને કારણે ઓવરબ્રિજ પરથી કચરો ઉડીને નીચે પડવાને કારણે પસાર થતા વાહનચાલકો અને બ્રિજની નીચે બન્ને તરફ આવેલા રહેણાંક અને દુકાનો, ચાની લારી, પાનના ગલ્લા, તેમજ કોમર્શિયલ એકમોના સંચાલકો અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ બ્રિજની નીચેના રસ્તા પર કચરો અને ગંદકી જોવા મળે છે. કાલુપુર બ્રિજ, અજિત મિલ બ્રિજ, નારોલ બ્રિજ, મેમ્કો બિજ. ઈસ્કોન બ્રિજ, ચામુંડા બ્રિજ, પરિમલ બ્રિજ, ગુજરાત કોલેજ બ્રિજ, સહિત જુદા જુદા વિસ્તારોના બ્રિજની સફાઈ કરવામાં આવી છે.

AMC સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં દુકાનો, વાણિજ્ય એકમો, શાકમાર્કેટમાં ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી અને ગંદકી, ન્યુસન્સ ફેલાવવા બદલ 189 એકમોને નોટિસ ફટકારાઈ હતી અને રૂ. 56,850નો દંડ વસૂલ કરાયો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ હેઠળ 46 એકમોને નોટિસ આપીને રૂ. 13,700નો દંડ વસૂલ કરાયો છે. આમ, રૂ. 70,550નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.

Previous Post Next Post