પીકઅપ વાનમાં ચાંદલાના પ્રસંગે જતા છાપરીના પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત

[og_img]

  • અમરેલીના લાપાળિયા પાસે ટાયર ફાટતા વાન પલટી જતાં ચિચિયારીઓ ગુંજી
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
  • બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં રાજકોટ ખસેડવામાં આવ્યા

સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના લોકો પીકઅપ વાનમાં બેસીને બાબરા સગાઈના પ્રસંગમાં જતા હતા ત્યારે અમરેલીના લાપાળિયા ગામ પાસે અચાનક ટાયર ફાટવાના કારણે વાન પલટી મારી જતા 15 લોકોને ઈજાઓ પહોચી છે. તેમાંથી બે ગંભીર હોવાથી રાજકોટ ખસેડાયા છે.

આ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ સાવરકુંડલા તાલુકાના વીજપડી પાસે આવેલા છાપરી ગામના પિવારના લોકો બાબરામાં સગાઈનો પ્રસંગ હોવાથી ત્યાં જતા હતા તે દરમિયાન તેમની બોલેરો પીકઅપ વાન નં. GJ 3 AV 8002 અમરેલીના લાપાળિયા ગામે પહોચ્યા બાદ અચાનક જ વાનનું ટાયર ફાટવાના કારણે વાન પલટી મારી ગઈ હતી અને તેમાં બેઠેલા 15 લોકોને સામાન્યથી માંડીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાના કારણે ઈજાગ્રસ્તોની ચીચીયારીઓ ગુંજી ઊઠી હતી. લોકો દ્વારા 108ને જાણ કરતા તેની મારફતે તમામને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ બાબરાના ધારાસભ્ય સહિતના આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. આ પૈકી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ અંગે અમરેલી તાલુકા પોલીસનો સંપર્ક સાધતા તેમણે આ ઘટનામાં ઈજાગ્રહસ્તોને રાજકોટ સારવાર માટે ખસેડાયા હોવાથી પોલીસ દ્વારા ત્યાં જઈને ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

Previous Post Next Post