સુરત3 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સુરતમાં
ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સુરત સહિત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પોતાના અંકે કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં પણ ક્યાંક ગભરાટ જોવા મળી રહ્યો છે. જેને લઇ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અચાનક જ સુરતમાં આવી પહોંચ્યા હતા અને વિધાનસભા ઇલેક્શનને લઇ ભાજપ માટે કામ કરી રહેલા જુદા જુદા સંગઠનના હોદ્દેદારો સાથે ખાસ મોડી રાત્રીએ મિટિંગ બોલાવી હતી. જેમાં બુથ લેવલથી લઈ ચૂંટણીના મતદાન સુધી કઈ રીતની કામગીરી કરવી તેને લઈ વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સુરત પહોંચ્યા
ગુજરાત વિધાનસભાને લઇ આ વખતે સુરતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેની સીધી લડાઈ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને લઇ ભાજપ ઐતિહાસિક જીતના લક્ષ માટે પહોંચવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. સુરત સહિત જિલ્લાની 16 વિધાનસભા બેઠક પર પણ આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં આ વખતે ભાજપ ખેમામાં પણ ક્યાં ગભરાટ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, જે રીતે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અચાનક જ સુરત આવી પહોંચ્યા હતા અને સુરત સહિત જિલ્લાના જુદા જુદા સંગઠનના હોદ્દેદારો સાથે મિટિંગ બોલાવવાની ફરજ પડી હતી. સુરત ભાજપના કમલમ ખાતે જે પી નડ્ડાની અધ્યક્ષતામાં મોડી રાત્રીએ બેઠક બોલાવી હતી અને તમામને ચૂંટણીલક્ષી વિશેષ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

સંગઠનના તમામ હોદ્દેદારો સાથે મિટિંગ
ગુજરાત વિધાનસભા ઇલેક્શનના મતદાનને હવે દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકીય પાર્ટીઓને ચિંતાઓ પણ વધી રહી છે. પ્રથમ ચરણના 1 ડિસેમ્બરના મતદાનને હવે આઠ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સુરતની 16 બેઠકો મટે ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યું છે. એક તરફ અત્યારે ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અચાનક જ સુરત આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુરતની 16 બેઠક માટેની ચિંતા હોય તેમ તમામ સંગઠનના હોદ્દેદારોને તમામ કાર્ય પડતું મૂકીને મિટિંગમાં હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી હતી. જે અંતર્ગત સુરત જિલ્લાના નાનાથી લઈ મોટા સંગઠનના હોદ્દેદારો સુરત ભાજપ કાર્યાલય ખાતે મિટિંગમાં હાજર રહ્યા હતા. આ મિટિંગમાં ભાજપ દ્વારા બનાવવામાં આવેલા વિધાનસભા બેઠકના કન્વીનર, શહેર ભાજપ પ્રમુખ, સોશિયલ મીડિયા કન્વીનરો, સહિત સમગ્ર વોર્ડના બુથ લેવલના વોર્ડ પ્રમુખો અને હોદ્દેદારો સાથે ખાસ ચૂંટણી બેઠક યોજી હતી.

ગુજરાત સહિત મુંબઈના કન્વીનરો પણ બેઠકમાં હાજર
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સુરત ભાજપ કમલમ ખાતે હોદ્દેદારો સાથે મિટિંગ લીધી હતી તેમાં સુરત જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી ઇલેક્શનને લઈ સુરત આવેલા ભાજપના કન્વીનરોને પણ મિટિંગમાં બોલાવ્યા હતા. ગુજરાતના અન્ય શહેર જિલ્લાના અને મુંબઈ ખાતેના ભાજપના સુરતમાં આવેલા કન્વીનરોને પણ વિશેષ બેઠકમાં બોલાવ્યા હતા.

બુથ લેવલથી લઇ મતદાન દિવસ સુધીની આપી સૂચનાઓ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા દરેક સંગઠનના હોદ્દેદારોને નાનામાં નાની બાબતની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી જે રીતે સુરત સહિત સમગ્ર જિલ્લામાં સક્રિય થઈ છે તેને લઈ જે માહોલ સમગ્ર સુરતમાં બની રહ્યો છે. તેની સામે આ બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા કન્વીનરો પર જે પી નડ્ડા દ્વારા વિશેષ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે નાનામાં નાના સંગઠનના હોદ્દેદારો હોય કે મોટા હોદ્દેદારો હોય કે શહેર ભાજપના પ્રમુખ હોય તમામને આજથી લઈ મતદાન પ્રક્રિયા સુધીની જવાબદારી સોંપવામાં આવી હતી. તમામ સાથે બેઠક કરીને ઉમેદવારોના સોપાયેલા વિસ્તારના બુથ લેવલ થી લઈ મતદાન દિવસ સુધી પોલિંગ બુથ સુધી તમામને લાવવાની જવાબદારી અને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભાજપના ખેમામાં ગભરાટનો માહોલ
સુરત સહિત સમગ્ર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસની જ દર વખતે ટક્કર જોવા મળતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી મેદાને હોવાથી અને જે રીતે તે સક્રિય થઈ છે તેને લઈ ભારતીય જનતા પાર્ટીના ખેમામાં પણ ક્યાંક ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે અચાનક જ ભારતીય જનતા પાર્ટીના રાજકીય અધ્યક્ષ જે પી નડ્ડા સુરત આવી પહોંચ્યા અને તાબડતોબ તમામ સંગઠનોની જે રીતે મિટિંગ લીધી છે તેઓને જે પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે સાથે જે પ્રકારે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેને લઈ એ વાતને નકારી ન શકાય કે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં આ વખતે ગભરાટ જોવા મળી રહ્યો છે.