પોરબંદરમાં પોલીસ વાન આગળ પશુ સામે આવતા PSIનું ઘટના સ્થળે મોત

[og_img]

  • પશુ પોલીસ વાન સામે આવતા ડીવાઈડર સાથે અથડાયું
  • ગાંધીનગર વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઇ પરત આવતા અકસ્માત
  • કુતિયાણા નજીક રોધડા ગામના પાટીયા પાસે બન્યો બનાવ

પોરબંદર પોલીસમાં ફરજ બજાવતા વાયરલેસ વિભાગના પીએસઆઈ ગાંધીનગર ખાતે સ્પર્ધામાં ભાગ લઇ પોરબંદર પરત ફરતા હતા. ત્યારે કુતિયાણા નજીક વહેલી સવારે તેમના પોલીસ વાહન આડે કોઇ પશુ ઉતરતા કાર ડીવાઇડર સાથે અથડાઇ હતી. જેમાં પીએસઆઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે વાન ચલાવી રહેલા કોન્સ્ટેબલને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા જેસીંગભાઈનો મોત

પોરબંદર પોલીસમાં વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જેસીંગભાઇ જેઠાભાઈ જોગદીયા (ઉ.વ.34) પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવેલ વકતૃત્વ સ્પર્ધામાં ગાંધીનગર ખાતે ભાગ લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે કુતિયાણા નજીક રોધડા ગામના પાટીયા પાસે અચાનક પશુ આડે ઉતરતા પોલીસ વાન વાહન ચલાવી રહેલા કોન્સ્ટેબલ કિશનભાઇ રમેશભાઇ મકવાણાએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ડીવાઇડર સાથે વાહન અથડાયું હતું. વહેલી સવારે ચારેક વાગ્યે બનેલા આ બનાવમાં પી.એસ.આઇ. જોગદીયા અને ચાલક કિશનભાઇને ઈજાઓ થતા બંનેને કુતિયાણા 108 દ્વારા પ્રાથમિક સારવાર આપીને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પી.એસ.આઇ. જોગદીયાનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અનુસુચિત જાતિના આગેવાનો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા. તેઓ જાફરાબાદ તાલુકાના છેલણા ગામના વતની હતા. અને તેઓને સંતાનમાં ત્રણ પુત્રીઓ હોવાનું જાણવા મળે છે.

‘મીશન પે બેક ટુ સોસાયટી’ના નામથી યુવકોને પોલીસ તાલીમ આપતા હતા

જેસીંગભાઇ શોષિત, વંચિત સમુદાયના વિદ્યાર્થીઓ માટે “મીશન પે બેક ટુ સોસાયટી’ના માઘ્યમથી પોલીસ વિભાગ, ફોરેસ્ટ, આર્મી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુને વધુ યુવાનો અને યુવતીઓ કઇ રીતે સફળતા મેળવી શકે તે અંગે નિઃશુલ્ક જાણકારી તથા ફીઝીકલ ટ્રેનીંગ આપતા હતા. ઉપરાંત સાયબર ક્રાઇમ સેમિનારના આયોજન કરીને હજારો વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયાના માઘ્યમથી તેમજ સાયબર ક્રાઇમમાં નહીં ફસાવવા માટે મહત્ત્વના સુચનો અને માર્ગદર્શન પણ આપ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી. તેમના અવસાનના પગલે પોલીસબેડામાં પણ શોકનો માહોલ જોવા મળે છે.

Previous Post Next Post