સાબરકાંઠા (હિંમતનગર)7 મિનિટ પહેલા
વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો મતદારોને રિઝવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મંગળવારે પેઢમાલા ગામના ગ્રામજનોએ ગામના ગૌચરમાં ગ્રામજનોના હક્કને લઇ રજૂઆત કરવા છતા પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઇ પરિણામ તથા નિર્ણય ન લેવામાં આવતા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યુ છે. ગામના પ્રવેશદ્વાર તેમજ ગામમાં ઠેરઠેર ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે.

પેઢમાલાના ગ્રામજનો આકરા પાણીએ
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગૌચરમાં ગ્રામજનોના હક્ક અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. ગૌચરના સર્વે નંબર 634, 635ના 7/12માં જે હક્કો બતાવેલા છે, તે મુજબ તે પ્રકારના હક્કો આપવામાં ન આવતા પેઢમાલાના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે કેટલાક ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, પેઢમાલા ગામના ગૌચરની જમીન પર કેટલાક ભૂમાફિયાઓએ કબ્જો કરી લીધો છે.

ગામમાં ઠેરઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો
7/12માં આપેલા હક્કો જેવા કે અનામત ઝાડ, સાગ, સીસમ, ચંદન, સરકાર માલિકીના ગણવા તથા ગામ લોકોના ઢોર ગૌચરની જમીનમાં ચરાવવાના તથા માથાભેર સુકુ લાકડુ લાવવાના છતા ખેતી ઉપયોગી લાકડુ લાવવાના હક્ક કાયમ રાખેલ છે. જે 7/12ના ઉતારામાં પણ બતાવવામાં આવ્યા છે. તેમ છતા પેઢમાલાના ગ્રામજનોને આ હક્ક આપવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં રોષ સાથે નારાજગી જોવા મળી છે. ગ્રામજનો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કોઇપણ પક્ષના ઉમેદવારે ચૂંટણી પ્રચાર કરવા આવવુ નહીં તેવો નિર્ણય કર્યો છે. ગામના પ્રવેશદ્વારે અને ગામમાં ઠેરઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે વહીવટી તંત્ર શુ નિર્ણય લે છે તે જોવુ રહ્યુ.