100 વર્ષની ઉંમરે એકપણ રોગ કે બીમારીથી દૂર રહેલાં હીરાબાનું સ્વાસ્થ્યનું શું હતું રહસ્ય, પ્રહલાદ મોદીએ જણાવી હતી આ વાત | What was the secret of health of Hiraba, who was free from any disease or illness even at the age of 100, Prahlad Modi told this
- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- What Was The Secret Of Health Of Hiraba, Who Was Free From Any Disease Or Illness Even At The Age Of 100, Prahlad Modi Told This
મહેસાણા20 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ 100 વર્ષની ઉમરે આજે મોડી રાત્રે યુ.એન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હીરાબાના અવસાનને લઈ સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. મંગળવારે મોડી રાત્રે તેમની તબિયત લથડી હતી. જોકે, આ પહેલાં તેઓ એકપણ રોગ કે બીમારીથી દૂર હતા. 100 વર્ષની ઉંમરે પણ એકપણ રોગ કે બીમારીથી દૂર રહેલા હીરાબાનું સ્વાસ્થ્ય કોઈપણ યુવાનને શરમાવે એવું હતું. 18મી જૂનના રોજ તેઓએ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના પુત્ર પ્રહલાદભાઇ મોદીએ દિવ્ય ભાસ્કરને હીરાબાના આ સ્વાસ્થ્યનું રહસ્ય જાણ્યું હતું.
હીરાબા સાદું જીવન હતા.
100 વર્ષ સુધી હીરાબાએ એકપણ પ્રકારની દવા નહોતી લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ 18મી જૂને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હીરાબાનો કઠોર પરિશ્રમ તેમજ સારા અને હકારાત્મક વિચારોને કારણે જ તેઓ આ ઉંમરે પણ અત્યંત સ્વસ્થ છે. તેઓ આજે એકપણ પ્રકારની દવા લેતા નથી. હીરાબાએ અમને સાચું બોલવું, નીડર બનવું અને ખોટા સામે પ્રતિભાવ આપતા શીખવ્યું છે.’
હીરાબાએ બહારનો ખોરાક ક્યારેય પણ ગ્રહણ નહોતો કર્યો
પ્રહલાદ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આજના જમાનામાં મોટી ઉંમરના લોકો પણ પાણીપૂરીની લારી પર ઊભા રહીને પાણીપૂરી ખાતા હોય છે, પણ મને યાદ છે ત્યાં સુધી મારાં માતૃશ્રી ચણા ખાય, પરંતુ બહારનું કોઈ પણ પ્રકારનું ભોજન લેતાં નથી. કોઈ નાસ્તો કરતાં નહોતાં. ‘અવિરત પરિશ્રમ’ એ તેમના મુદ્રાલેખ જેવું છે. વડનગરમાં એક જ કૂવાના પાણીની દાળ ચડતી હતી. આ કૂવો અમરકોટ દરવાજા પાસે અમથેર માતાના મંદિરની પાછળના ભાગમાં એક ઠાકોરનું ખેતર હતું, ત્યાં આવેલો હતો, જેને પાધેડીનો કૂવો કહેતા હતા. મારાં માતૃશ્રી ત્યાંથી દિવસમાં ઓછામાં ઓછી બે વખત પાણીને હેલ ભરીને લાવતાં હતાં, જેમાં 15 ફૂટનો ઢાળ પણ ચડતાં હતાં.’
પ્રહલાદ મોદીએ હીરાબાનું સિક્રેટ જણાવ્યું હતું.
હીરાબા પોતાનાં અંગત અને જરૂરી કામ જાતે જ કરતા
તેમણે વાત કરતાં આગળ જણાવ્યું હતું કે, ‘સતત પરિશ્રમી અને સાદું જીવન જીવવાને કારણે તેમની તંદુરસ્તી આજે અમારા કરતાં પણ સારી છે. તેઓ સાદગીભર્યું જીવન જીવે છે. કોઈ ફેશન અમે અમારા ઘરમાં જોઈ નથી. આજકાલ પ્રથા થઈ ગઈ છે બ્યૂટિપાર્લરની, પણ મને ખબર નથી કે અમારા ઘરમાં આવું કોઈ નાટક થયું હોય. તેમના સાદગીભર્યા જીવનની અસર અમારા જીવનમાં પણ આવી છે. અમે બધા ભાઈઓ પણ સાદગીભર્યું જીવન જીવીએ છીએ. અમે પણ પરિશ્રમ કરીને જ અમારો જીવનનિર્વાહ ચલાવીએ છીએ. હાલમાં પણ તેઓ પોતાનાં અંગત અને જરૂરી કામ જાતે જ કરે છે…’ નોંધ: હીરાબાની આ વાતો તેમના પુત્ર પ્રહલાદભાઇ મોદીએ 18મી જૂને દિવ્ય ભાસ્કરને જણાવી હતી…
Post a Comment