Indian Army Navy and Air Force : ત્રણેય સેવાઓમાં દર વર્ષે સરેરાશ 60,000 જગ્યાઓ ખાલી હોય છે, જેમાંથી લગભગ 50,000 જગ્યાઓ આર્મી માટે હોય છે. જો કે, કોવિડને કારણે, આ ભરતીઓ બંધ કરવામાં આવી હતી.

ભારતીય આર્મી એર ફોર્સ નેવી
ભારતની ત્રણેય સેનાઓમાં 1.35 લાખ જવાનોની અછત છે. ભારતીય સેનામાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે. ભારતીય સેનામાં કુલ મળીને 1.18 લાખ જગ્યાઓ ખાલી છે. કેન્દ્ર સરકારે આ અંગે લોકસભામાં માહિતી આપી છે. એક પ્રશ્નના જવાબમાં સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બર સુધીમાં ભારતીય નૌકાદળમાં કુલ 11,587 જવાનોની અછતનો અંદાજ છે. તેમણે કહ્યું કે 1 નવેમ્બર, 2022 સુધીમાં ભારતીય વાયુસેના (એરમેન અને નોન-કોમ્બેટન્ટ)માં ખાલી જગ્યાઓની સંખ્યા 5,819 હતી.
સરકારે કહ્યું કે, ભારતીય સેનામાં ખાલી પડેલી જગ્યાઓ પર JCO સહિત અન્ય રેન્કના કર્મચારીઓની સંખ્યા વધારે છે. લોકસભામાં દીપક બૈજના પ્રશ્નના લેખિત જવાબમાં, સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે, 1 જુલાઈ, 2022 સુધીમાં, ભારતીય સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર્સ/અન્ય રેન્ક માટે 1,18,485 જગ્યાઓ ખાલી હતી. તેમણે કહ્યું કે, સેનામાં JCO/OR માટે 40 હજાર ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.
અગ્નિપથ યોજના હેઠળ ભરતી
મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, 30 સપ્ટેમ્બર સુધીમાં ભારતીય નૌકાદળમાં નાવિકોની 11,587 જગ્યાઓ ખાલી હતી અને વર્ષ 2022માં નૌકાદળમાં અગ્નિવીર માટે કુલ 3,000 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે, એ જ રીતે ભારતીય વાયુસેનામાં 1 નવેમ્બર સુધી એરમેન અને નોન-કોમ્બેટન્ટ સ્તરે 5,819 જગ્યાઓ ખાલી હતી. તેમણે કહ્યું કે, 2022માં અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તરીકે 300 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.
ત્રણેય સેવાઓમાં દર વર્ષે સરેરાશ 60,000 જગ્યાઓ ખાલી હોય છે, જેમાંથી લગભગ 50,000 જગ્યાઓ આર્મી માટે હોય છે. મંત્રીએ કહ્યું કે કોવિડ-19ને કારણે છેલ્લા બે વર્ષમાં ભરતી રેલીઓ સ્થગિત કરવામાં આવી હતી. આ જ કારણ છે કે હાલમાં ભારતીય સેનામાં 1,08,685 જવાનોની અછત છે. તેમણે કહ્યું કે, કોવિડ-19ની સ્થિતિમાં સુધારો થવાથી અને ભરતી શરૂ થવાથી આગામી વર્ષોમાં આ ખાલી જગ્યાઓ ઘટવાની અપેક્ષા છે.
ખાલી જગ્યાઓની સંખ્યા પહેલાથી જ વધી છે
અગાઉ, સરકારે જુલાઈમાં કહ્યું હતું કે, ભારતીય સેનામાં 1.16 લાખથી વધુ પદો ખાલી છે, જેમાં અધિકારીઓની 7,308 જગ્યાઓ છે. તેમણે જણાવ્યું કે, ભારતીય સેનામાં અધિકારીઓની 7,308 જગ્યાઓ ખાલી છે, જ્યારે મિલિટરી નર્સિંગ સર્વિસ ઓફિસરની 471 જગ્યાઓ ખાલી છે. આ સિવાય જુનિયર કમિશન્ડ ઓફિસર્સ અને અન્ય રેન્કની 1,08,685 જગ્યાઓ ખાલી હતી. આ રીતે ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો થયો છે.
(ભાષા ઇનપુટ સાથે)