કચ્છ (ભુજ )6 મિનિટ પહેલા
- કૉપી લિંક

કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 14માં બન્ની પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય મેળામાં પશુઓની હરીફાઈ તથા પશુ પ્રદર્શન યોજાય છે તેમાં પશુ વેંચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખીનું વિવિધ સ્ટોલોમાં આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં ભેંસ, પાડા, ગાય વગેરે પશુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરના માલધારીઓ પશુ ખરીદ માટે આવતા હોય છે. ત્યારે મેળા દરમિયાન રૂ. એક લાખથી વધુની કિંમતમાં એક ભેંસ વેચાઈ હતી.

પશુમેળો આકર્ષણનું કેન્દ્ર બન્યો
ભુજ તાલુકાના બન્ની (હોડકો) ખાતે બે દિવસીય પશુમેળાનું ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે ભુજ તાલુકાના હોડકો(બન્ની) ગામે યોજાતા પશુમેળો માલધારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

પશુઓની લે-વેચની બજાર ઉભી કરાય છે
સ્થાનિક સ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિશષ્ટિ વ્યવસ્થા ઊભી કરવા હેતું અસ્તિત્વમાં આવેલા બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છના જ નહીં પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આંખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે-વેચની બજાર ઉભી કરાય છે.
1 થી 3 ક્રમાંકે આવતા વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાય છે
પશુ મેળા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈએ જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય માટે પશુઓના સારા ઉછેર માટે તથા સરકારી યોજનાઓનું અમલીકરણ માલધારીઓ સુધી થાય તથા માલધારીઓને સરકારના લાભ મળે તેવા બધા વિષયો સાથે આ મંડળી ખૂબ સારું કાર્ય કરે છે. પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ સાલેમામદ હાલેપોત્રાએ કહ્યું હતું કે પશુ મેળા દરમ્યાન ગાય અને ભેંસની દૂધ દોહન તથા ઘોડા દોડ સ્પર્ધા યોજાય છે, તેમાં 1 થી 3 ક્રમાંકે આવતા વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. પશુ મેળામાં માલધારીઓ સાથે સ્થાનિક અને વિદેશી લોકો પણ કચ્છી લોક સંસ્કૃતિ માણવા આવતા હોય છે.
