સાબરકાંઠા (હિંમતનગર)9 મિનિટ પહેલા
- કૉપી લિંક
તલોદની સાગપુર પોસ્ટ ઓફિસમાં બી.ઓ. તરીકેની ફરજ દરમિયાન સરકાર તથા ખાતેદારો સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી પાસબુકની જમા રકમમાં ફેરફાર કરી રૂપિયા 15 હજારની હંગામી ઉચાપત કરી હોવાનું તપાસમાં માલુમ પડયા બાદ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નિવારણ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, સાગપુર પોસ્ટ ઓફિસમાં બ્રાંચ ઓફિસર તરીકે જયદિપસિંહ અભેસિંહ ઝાલા ફરજ બજાવતા હતા. તે દરમિયાન મહોબતસિંહ ખાંટે તારીખ 19-10-2016ના દિવસે તેમના સેવિંગ ખાતામાં રૂપિયા 10 હજાર જમા કરાવ્યા હતા. આ ઉપરાંત યુવરાજસિંહ પરમાર તથા સિધ્ધરાજસિંહ પરમાર નામના ખાતેદારોએ પણ તેમના સેવિંગ એકાઉન્ટમાં તારીખ 4-1-2016ના રોજ રૂપિયા 500 તથા 11-6-2016ના રોજ 3 હજાર, તારીખ 27-7-2016ના રોજ 500 તથા તારીખ 5-9-2016ના રોજ રૂપિયા 1 હજાર એમ કુલ રૂપિયા 5 હજારની રકમ જમા કરાવી હતી.
ત્યારે બી.ઓ. તરીકે ફરજ બજાવતા જયદિપસિંહ અભેસિંહ ઝાલાએ ખાતેદારોની પાસબુકમાં જમા રકમ તથા જમા તારીખ તેમજ આંકડામાં સિલક લખી તેમણે પોતાની સહી કરી સાગપુર પોસ્ટ ઓફિસનો સિક્કો કરી આપ્યો હતો અને રૂપિયા 15 હજારની રકમ જમા લીધી હતી, પરંતુ સરકારના ખાતામાં તેજ દિવસે રૂપિયા ૧૫ હજારની રકમ જમા કરાવી હતી નહી. સ્વૈચ્છીક રીતે 19-11-2016ના રોજ સ્વેચ્છાએ રૂપિયા 15 હજારની રકમ સરકારના ખાતામાં જમા કરાવી હતી. જે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંગે ફરિયાદ નિવારણ અધિકારી ઇન્સ્પેકટર ઓફ પોસ્ટ ઓફિસ રૂષી જલુથરીયાએ તલોદ પોલીસ મથકમાં જયદિપસિંહ અભેસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.