રાજ્યના યુવાનોની રોજગારી માટે સારા સમાચાર, ઋષિકેશ પટેલે મોટી જાહેરાત કરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કેબિનેટ બેઠકમાં રાજ્યના યુવાનો માટે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ખાલી જગ્યાઓ અને મંજૂર મહેકમ સંબંધિત આયોજન કરવા માટે મંત્રીઓ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ભરતી કેલેન્ડરનું આયોજન કરવાની સૂચના

વર્તમાન સમયમાં રાજ્ય સરકારના અનેક વિભાગોમાં સરકારી કર્મચારીઓ વય નિવૃત થતા જગ્યાઓ ખાલી પડેલી છે. તો અમુક જગ્યાઓ પર ખાલી જગ્યા હોવાના પરિણામે કરાર આધારિત અથવા તો સરકારી નિવૃત્ત કર્મચારીને એક્સટેન્શન આપી વહીવટી પ્રક્રિયાને સરળ કરવામાં આવી રહી છે, પરંતુ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના યુવાનો માટે એક્શન મોડમાં આવી ગયા છે અને તે માટે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે કેબિનેટ બેઠકમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ અને મંત્રીઓને ખાલી જગ્યાઓ માટે ભરતી કેલેન્ડરનું આયોજન કરવાની સૂચના આપી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આવનારા વર્ષમાં પોલીસ વિભાગમાં 12થી 13 હજાર જગ્યા ઉપર ભરતી કરવા માટેની તજવીજ હાથ ધરવાની અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.આ પણ વાંચોઃ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉત્તમ તક, ફ્રી વર્કશોપ

બેથી ત્રણ મહિનામાં ગૃહવિભાગને રિપોર્ટ અપાશે

આ માટે ગૃહ વિભાગ દ્વારા નવા નિયમો બનાવવા માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રક્રિયા માટે નવા નિયમો બનાવવા કમિટીની રચના કરવાનો આદેશ ગૃહ મંત્રી દ્વારા આપી દેવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા આગામી બેથી ત્રણ મહિનામાં ગૃહ વિભાગને રિપોર્ટ પણ આપવામાં આવશે. ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા ભરતી હાથ ધરવામાં આવશે. જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્યો છે.

આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં યુવાનોને વધુમાં વધુ રોજગારી ઉપલબ્ધ થાય અને વહીવટમાં વધુ સરળતા આવે તેવા હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ભરતી બોર્ડ સાથે પરામર્શ કરીને વહેલી તકે આ તમામ મંજૂર મહેકમ ભરાય તે પ્રકારની આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું મંત્રીએ ઉમેર્યું હતુ.

નોન-યુઝેબલ બિલ્ડિંગની જગ્યાએ નવું બાંધકામ કરાશે

કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે નોન-યુઝેબલ સરકારી બિલ્ડીંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે નવા બાંધકામ કરીને તેને ઉપયોગમાં લેવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લીધો છે. સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના વસવાટની સરકારી બિલ્ડિંગ ખૂબ જૂની હાલતમાં જોવા મળતી હોય છે. તેમાં પણ ખાસ કરીને વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની રહેવા માટેની બિલ્ડિંગો જર્જરીત હાલતમાં જોવા મળતી હોય છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે એક્શન મોડમાં આવ્યા છે.

ઋષિકેશ પટેલે જાહેરાત કરી

આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,રાજ્યની નોન –યુઝેબલ બિલ્ડિંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની માળખાકીય સેવાઓમાં અને લોકોની જનસુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરાની ગ્રામ્ય અને સર્કલ ઓફિસમાં સમાવિષ્ટ કુલ 219 રેસિડેન્સિયલ અને 239 જેટલી નોન રેસિડેન્સિયલ આમ કુલ 458 જેટલી નોનયુઝ્ડ બિલ્ડિંગને જરૂરિયાત પ્રમાણે નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ માહિતી પ્રાપ્ત કરવામાં આવી છે. તે પ્રમાણે 458 જેટલા નોન-યુઝીંગ વેલ્ડિંગ વર્તમાન સમયમાં સમગ્ર રાજ્યના જુદા જુદા મોટા શહેરોમાં આવેલા છે. આ તમામ નોન-યુઝર બિલ્ડિંગ પર હવે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા નવા બિલ્ડિંગ બાંધી કર્મચારી અધિકારી તેમજ જાહેર જનતાના હિતમાં કાર્ય કરવામાં આવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Central government jobs, Government job