અમદાવાદ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ફરિયાદ ખર્ચ પેટે 15 હજાર અને માનસિક ત્રાસ પેટે 25 હજાર પણ ચુકવવાનો નિર્દેશ
- 30 દિવસમાં રકમ ચુકવી આપવા સ્ટેટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો હુક્મ
પ્લોટ ખરીદવા પેટે રકમ ચુકવી દીધા બાદ પણ સમયસર પ્રત્યક્ષ કબજો નહીં આપવા માટે ગ્રાહક દ્વારા કરેલી ફરિયાદ પરની સુનાવણી બાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ જસ્ટીસ વી.પી. પટેલ તથા સભ્ય અર્ચનાબેન સી. રાવલે સામાવાળા ઇન્ડિયા ગ્રીન રીયલ્ટી લી.ના ડિરેકટર વિનોદ ઠાકરને ફરિયાદી સીનીયર સીટીઝન મહિલાને 22.30 લાખ રૂપિયા 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુક્મ કર્યો છે. સાથોસાથ ફરિયાદીને માનસિક ત્રાસ પેટે 25 હજાર રૂપિયા અને ખર્ચ પેટે 15 હજાર રૂપિયા 30 દિવસમાં ચૂકવી આપવા માટેનો આદેશ આપ્યો છે.
દસ્તાવેજી પુરાવાઓમાં પારદર્શિતા ન હતી
અમદાવાદ શહેરના માણેકબાગ વિસ્તારમાં આવેલી હીના પાર્ક સોસાયટીમાં રહેતાં ભાવનાબેન મધુસુદન ખંડેરિયાએ ઇન્ડિયા ગ્રીન રીયલ્ટી લી. દ્વારા અમદાવાદ જિલ્લાના મોજે ઝાંપ ગામની સીમના સર્વે નં.495થી 30351 ચો.મી. વાળી જમીન પર ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ નામથી અવારનવાર લોભામણી, ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપવામાં આવી હતી. જેમાં ભાવનાબેને ગ્રીન લેન્ડ પ્રોજેક્ટમાં રહેઠાણના હેતુ માટે પ્લોટ નં. ઇ-112 (455 સ્કવેર યાર્ડ) ખરીદવા માટે અલગ અલગ તારીખોએ 13,65,000ની રકમ ચુકવી હતી. જેના પગલે સામાવાળાએ તેમની તરફેણમાં 7-10-2014ના રોજ નો ડયૂ સર્ટીફીકેટમાં પ્લોટનો સુપર એરિયા 455 સ્કવેર યાર્ડ થાય છે. (જેમાં કોમન પ્લોટ, રોડસ તેમ જ અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.) પરંતુ સમાવાળાઓએ સદર પ્લોટ સાથે કોમન પ્લોટ, રોડ અને અન્ય સગવડોના નામે કેટલી ચોરસવાર જમીન ઓછી આપવામાં આવશે તે બાબતે બૂકીંગ સમયે કોઇ મૌખિક કે લેખિત સમજૂતી આપેલી નહીં. અને બિલ્ડર અને ડેવલોપરની મરજી મુજબ વર્ત્યા હતા. આમ સામાવાળાઓએ આપેલા દસ્તાવેજી પુરાવાઓમાં પારદર્શિતા ન હતી.
પ્લોટના બુકિંગ બાદ ડેવલપમેન્ટ માટે કોઇ કાર્યવાહી કરી નહીં
વધુમાં ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, સામાવાળાઓએ જે નો ડયૂ સર્ટીફીકેટ આપેલ તે એલોટ કરેલ પ્લોટ નં.- ઇ-112નો સમયસર પ્રત્યક્ષ કબજો ફરિયાદીને આપ્યો ન હતો. પ્લોટના બુકિંગ બાદ તેના ડેવલપમેન્ટ માટે કોઇ કાર્યવાહી કરેલી નહીં. ફરિયાદીએ 2014ના મે મહિના સુધીમાં કુલ 5,65,000 સામાવાળાઓને એડવાન્સ ચૂકવી દીધા બાદ પણ કોઇ સુવિધાઓ આપેલી નહીં. એટલું જ નહીં પરંતુ સામાવાળાઓએ 15-6-2014ના રોજ ફરિયાદી સાથે બાયબેક એગ્રીમેન્ટ કરેલો જેમાં દર એક ચોરસવારના 3,000 મુજબ કુલ 13,65,000 વેચાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ એગ્રીમેન્ટ મુજબ સામાવાળાઓએ 8 લાખ ચુકવી આપવાના હતા. જે મુજબ ફરિયાદીએ 15-6-2014 સુધી 5,65,000 ચૂકવી આપ્યા હતા.
એગ્રીમેન્ટ મુજબ નાણાં ચુકવવામાં સંપૂર્ણ નિષ્ફળ
જયારે 25-9-2014ના રોજ 2 લાખ ચુકવી ફૂલ એન્ડ ફાયનલ રકમ જમા કરાવી હતી. આમ, સામાવાળાઓએ બાયબેક એગ્રીમેન્ટની શરતો મુજબ ફરિયાદીને કરારની જોગવાઇ મુજબ 15-6-2014 ના રોજ 36 મહીના બાદ 14-6-2017ના રોજ 27,30,000 પરત ચૂકવવાની કાયદેસરની જવાબદારી સ્વીકારેલી હતી. પરંતુ સામાવાળાઓએ કરારની શરતોનો કોઇ અમલ કરેલ નહીં. ત્યારબાદ સામાવાળાઓએ ફરીયાદીની તરફેણમાં 1 લાખના ચાર ચેક 4,00,000ની રકમના આપ્યા હતા. તમામ ચેક કલીયરીંગમાં ફન્ડ ઇન્સફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યા હતા. આમ સામાવાળાઓએ બાયબેક એગ્રીમેન્ટ મુજબ નાણાં ચુકવવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડેલા છે.
દબાવી રાખી હોવાના આક્ષેપ સર રાજય કમિશનને ફરિયાદ
આમ સામાવાળાઓની અયોગ્ય, અનૈતિક વેપારી ગેરરીતિ, ક્ષતિયુક્ત સેવા તેમ જ અનફેર ટ્રેડ પ્રેકટીસના કારણે ફરિયાદીઓ કે જે સીનીયર સીટીઝન છે અને નાદુરસ્ત તબિયતના કારણોસર અશક્ત છે. તેઓની જીંદગીની મૂડી પચાવી પાડી, દબાવી રાખી હોવાના આક્ષેપ સર ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ તથા ભાવનાબેને રાજય કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી. જેમાં સામાવાળાઓ બાયબેક એગ્રીમેન્ટ મુજબ 14-6-2017થી 22,30,000 રૂપિયા વાર્ષિક 18 ટકાના વ્યાજ સાથે ચુકવવા તેમ જ માનસિક ત્રાસ, જનરલ ડેમેજીસના 2 લાખ તથા ફરિયાદ ખર્ચના 1,50,000 રૂપિયા ચૂકવવા દાદ માંગી હતી.
પક્ષકારોની રજૂઆત, દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઇને કમિશન દ્રારા ફરિયાદીની ફરિયાદ અશંતઃ મંજુર રાખીને ઉપર્યુક્ત મુજબનો હુક્મ કર્યો છે.