Sunday, December 18, 2022

એકવાર એપ ડાઉનલોડ કરી એટલે મર્યા સમજો, 40 ટકા કમિશન પહેલાં કાપી લે ને અઠવાડિયા પછી ઉઘરાણી ચાલુ | Fake Loan apps who harassed and blackmail to costumer, Ahmedabad cyber crime block 400 fake app and sites

27 મિનિટ પહેલા

લોન લેવાનું વિચારતા હોવ તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે. લોન બેંકમાં કે તમારા પર્સનલ એડવાઈઝરને રૂબરૂ મળીને લેવી તમારા સામાજીક અને માનસિક શાંતિ માટે સારું રહેશે. કેમ કે અમદાવાદ સાયબર ક્રાઈમે લોનના વિષચક્રમાં લોકો ફસાતા બચાવવા માટે એક સાથે 400 જેટલી એપ અને સાઈટ્સને બ્લોક કરી દીધી છે. આ એપ પર લોન લેવાના બહાને પહેલાં લોન આપી દેવાતી પછી. તેમને મળેલા ડેટાના આધારે બોગસ એપ્લિકેશન થકી રીતસરની ખંડણી મંગાતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, લોન ન ચૂકવે તો વોટ્સએપ પર પર્સનલ ડેટાના આધારે મોર્ફ તસવીરો અને બીભત્સ લખાણ વાઈરલ કરવાની ધમકી અપાય છે. આ મોડસઓપરેન્ડીમાં પહેલાં લોન અપાય પછી ફરી લોન લેવા મજબૂર કરાય અને એમને એમ લોન લેનાર પાયમલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને આવી એપને બ્લોક કરાવી દીધી છે.

કેવી રીતે લોનના ચક્કરમાં ફસાવાયા છે
કોઈ વ્યક્તિ ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોન લેવાનો પ્રયાસ કરે તો પહેલા તો તેણે ત્રણ કે ચાર સ્ટેપમાં લોન મળી જશે તેમ કહીને બાટલીમાં ઉતારાયા છે. લોન લીધા બાદ લોન લેનારના એકાઉન્ટમાં 25 થી 40 ટકા રકમ કાપીને રૂપિયા જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ તેની પાસેથી સાત જ દિવસમાં ઉઘરાણી કરવામાં આવે છે. જો તે વ્યક્તિ રૂપિયા ના ચૂકવી શકે તો તેના વ્યક્તિગત ફોટા અને બીભત્સ લખાણ તેના પરિવારને મોકલવામાં આવે તેવી ધમકીઓ પણ આપવામાં આવે છે. આ રીતે ચાલતા નેટવર્ક પર અમદાવાદ સાયબર ક્રાઇમે શકંજો કસીને લોન ઓનલાઇન ગેમ અને ઇન્વેસ્ટમેન્ટના નામે ચીટિંગ કરતી બોગસ એપ્લિકેશન સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરી છે. હાલ આ તમામ બોગસ એપ્લિકેશન અમદાવાદ સાઇબર ક્રાઇમે 400 જેટલી એપ બંધ કરાવી દીધી છે. આ બધી એપ્લિકેશનના સર્વર ચીન સહિતના દેશમાં હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમમાં પોલીસે ખુદ ફરિયાદ નોંધાવી
અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર વિરજીભાઇએ ફરિયાદમાં નોંધાવી છે. જે મુજબ તેઓને ફરજ દરમિયાન આશરે છેલ્લા ત્રણ મહિનાથી જુદી જુદી એપ્લિકેશનો મારફતે દેશના જુદા જુદા ગ્રાહકો સાથે લોન આપવાના બહાને, ગેમબ્લિંગ પ્રોફિટ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોફિટ તેમજ ક્રિપ્ટો રિલેટેડ બેનિફિટ મેળવવાના બહાને સાયબર ક્રિમિનલ દ્વારા છેતરપિંડી તેમજ હેરેસમેન્ટ કરાતું હોવાનું સામે આવ્યું છે. તેઓ સાયબર ક્રાઇમના બનતા ગુનાઓ બાબતે તપાસ અને આવા ગુના બનતા અટકાવવા આગોતરા પગલા લે છે. દરમિયાન જુદી જુદી લોન એપ દ્વારા લોકો પાસે ફ્રોડ કરી પૈસા ઉપાડી છેતરપિંડી કરી તેમના ડેટા ચોરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં જુદા જુદા પ્લેટફોર્મ પર ઇન્સ્ટન્ટ લોનની જુદી જુદી લોન એપ્લિકેશનો દ્વારા શોર્ટ ટર્મ લોન આ આપવાની લોભામણી લલચામણી જાહેરાતો વડે છેતરપિંડી કરી હેરેસમેન્ટ આચરાતું હતું.

લોન લેનારને ખાતરી થાય માટે ગુગલ પ્લે સ્ટોરમાં એપ મૂકે છે
વિવિધ એપ્લિકેશન અનેક લોકોને ડાઉનલોડ કરાવી તેમને શોર્ટ લૉન ખૂબ જ સરળ પ્રોસિજરથી મેળવવાની લાલચ આપતા હોય છે. તેમને લોન મેળવવાની પ્રોસિજર કરાવી, તેમજ આ લોન એપ્લિકેશનો જેન્યુઈન હોવાની ગ્રાહકને ખાતરી થાય એટલે જુદી જુદી એપ્લિકેશન ગુગલ પ્લેસ્ટોરમાં પણ વિવિધ કંપનીઓના નામે એકાઉન્ટ બનાવીને વિવિધ પ્રકારની લોન એપ્લિકેશનો મૂકી હતી. ઉપરાંત વિવિધ વેબસાઇટ ઉપર લૉન એપ્લિકેશનો પણ વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શોટ ટર્મ લોન આપી લોકો પાસે પૈસા પડાવતા હોવાની હકીકત સામે આવી હતી.

કેવી રીતે લોનના બહાને ગ્રાહકોને શિકાર બનાવાયા
તમામ લોનની એપ્લિકેશનોની જાહેરાત જોઇ કોઈ ગ્રાહક તે ડાઉનલૉડ કરી તેના મારફતે ઓનલાઇન લોન માટે એપ્લાય કરતા. એપ્લાય કરાય ત્યારે તેના નામ, સરનામું મોબાઇલ નંબર, ઇમેઇલ, આધાર, પાનકાર્ડ, સેલ્ફી ફોટો, બેંક એકાઉન્ટની વિગતો સબમિટ કરાવાતી હોય છે. આ એપ્લિકેશન કોઇ ગ્રાહક પોતાના મોબાઈલમાં રન કરાવવી હોય તો તેની પાસેથી પર્સનલ ઈન્ફોર્મેશન, ઘણી બધી પરમિશન મારફતે મેળવી લે છે. જે પરમિશન ગ્રાહક દ્વારા આપવામાં આવતા તેમના મોબાઇલમાં રહેલા તમામ પર્સનલ ડેટા ડિટેલ્સ લોન એપ્લિકેશન ચલાવનાર પોતાના સર્વર ઉપર જતા રહે છે. ત્યારબાદ ગ્રાહક દ્વારા અપલોડ કરવા ડોક્યુમેન્ટને વેરિફાય કરી જુદા જુદા સ્લોટ પ્રમાણે શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન ગ્રાહકે સબમિટ કરેલી રકમ પૈકી લોનની રકમમાંથી 25થી 40 % રકમ ટેક્સ તથા સર્વિસ ચાર્જના રૂપે કાપી લેવાય છે. ત્યારબાદ ગ્રાહક દ્વારા લોન મેળવવા માટે સબમિટ કરેલા બેંક એકાઉન્ટમાં બેથી ત્રણ કલાકના ટુંકા ગાળામાં જ જમા કરી દેવામાં આવે છે.

લોન ભરવા માટે અઠવાડિયામાં જ ફોન કરી ઉઘરાણી શરૂ
ગ્રાહક લોન લેવા માટે એપ્લાય કરે છે, ત્યારે તેમને લોનની રકમ ભરપાઇ કરવાનો સમય મર્યાદા 90 દિવસની રખાય છે. છતાં 7 દિવસ થયા બાદ લોન આપનાર કંપનીના માણસો તરફથી જુદા જુદા વર્ચ્યુઅલ વોટ્સએપ નંબરોથી તેમજ વર્ચ્યુઅલ નંબરના નોર્મલ કોલથી પોતાની સાચી ઓળખ છુપાવી ગ્રાહકને ફોન કર છે. જેમાં જેટલી રકમની લોન લેવા એપ્લાય કરેલું તે પૂરેપૂરી લોન ભરી દેવા કહેવાય છે. ગ્રાહક સમયસર લોનની ભરપાઈ ન કરે તો તેના પર્સનલ તસવીરો કે વીડિયોનું બીભત્સ તસવીરો સાથે મોર્ફિંગ કરીને બીભત્સ તસવીરો- વીડિયો તેના સગા સંબંધીઓ અને પરિવારજનોને મોકલી દેવાની મેસેજથી ધમકી આપે છે. બીભત્સ ભાષા અને લખાણ લખેલા વોટ્સએપ મેસેજથી ગ્રાહકના બનાવેલા પર્સનલ ફોટોને મોર્ફ કરી ન્યુઝ બનાવી લોનના નાણાની ભરપાઈ કરવા માટે દબાણ કરાય છે. દબાણવશ કોઇ કસ્ટમર લોનની ભરપાઇ કરે છતાં તેણે લીધેલી લોન ક્લોઝ ન કરી. લોનનું બાકી રહેલું પેમેન્ટ ભરવાનું કહી તેમની પાસેથી બીજા વધુ નાણા ભરવા માટે દબાણ કરાય છે. જેથી ગ્રાહકો પાસે લોન ભરપાઇ કરવાના પૈસા ન હોય તેવી પરિસ્થિતિમાં આરોપીઓ તેમના જેવી બીજી ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશનમાંથી લોન મેળવી પોતાની જૂની લોન ભરપાઇ કરવા સજેશન આપે છે. ગ્રાહકોને પોતાની માયાજાળમાં ફસાવી એક કરતા વધુ લોન એપ્લિકેશનમાંથી લોન લેવડાવી તેમણેને દીધેલી લોન કરતા વધુ પૈસા ભરાવી છેતરપીંડી કરવામાં આવે છે.

લોન માફિયા UPI, બેંક તેમજ પેમેન્ટ ગે વેથી લોન ભરાવે છે
તમામ ઇન્સ્ટન્ટ લોન આપનાર એપ્લિકેશનની કંપનીઓ અલગ અલગ વ્યકિતઓએ બનાવેલી હોય છે . તેઓ લોન લેનાર ગ્રાહકોનો ડેટા પોત પોતાના સર્વર ઉપર સ્ટોર કરતા હોય છે, જેમાં ગ્રાહકો પાસેથી લોનના નાણાની ભરપાઇ અલગ અલગ યુ.પી,આઇ, આઇ.ડી., બેંક એકાઉન્ટ તેમજ પેમેન્ટ ગે વે દ્વારા કરાવતા હોય છે. ત્યાર બાદ ગ્રાહક આ પૈસા ભરવા પ્રોસિજર કરે છે, ત્યારે તે પૈસાનું ટ્રાન્સફર સક્સેસફુલ થતુ હોવા છતા લોન એપ્લિકેશનના ડેશબોર્ડમાં લોનની રકમ ઉધાર બોલે છે. ત્યારે ગ્રાહકને લોન એપ્લિકેશનના માણસો દ્વારા વિવિધ દેશો(+967, +977, +225, 591, +251,+60, +58, +880, +84, +62, +856, +66, +92, +7, +1, +855, +94 +212)થી વર્ચ્યુઅલ મોબાઈલ નંબરો જનરેટ કરી તેના ઉપયોગથી વોટ્સએપ કોલ તેમજ નોર્મલ કોલ કરી તેમને જુદી જુદી રીતે હેરેસમેન્ટ આપે છે અને તેમની પાસેથી નાણા ભરપાઇ કરવા પ્રેસર કરાય છે.

ઈન્વેસ્ટમેન્ટના નામે પણ બળજબરીથી વસૂલાત
કોઇ ગ્રાહક કોઇ રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તો કેટલીક એપ્લિકેશનો આ સુવિધા આપે છે અને તેમાં કોઇ ગ્રાહક પૈસા ઇન્વેસ્ટ કરે તો તેને તેમાંથી થયેલ પ્રોફિટના નાણામાં પણ સાયબર ક્રિમિનલ યેનકેન પ્રકારે ગ્રાહક પાસેથી જે લોનની એમાઉન્ટ બળજબરીથી ભરાવે છે અને તેમાંથી ચૂકવતા હોય છે. જે ઇન્વેસ્ટમેન્ટ માટેની એપ્લિકેશન પણ છે. જુદી જુદી એપ્લિકેશન દ્વારા ભારતના નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરાય છે. તેના થકી મળેલા નાણા જુદા જુદા ગેમિંગ પ્લેટફોર્મ ઉપર થતાં પ્રોફિટના નાણા સ્વરૂપે જુદા જુદા ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આવી તમામ એપ્લિકેશનનું પૃથ્થક૨ણ કરતા તેમના સર્વર અલગ અલગ દેશોમાં હોવાનું જણાઇ આવેલું છે. આ એપ્લિકેશનના લે-આઉંટ જોતા દરેક એપ્લિકેશન સેમ લેઆઉટ ધરાવતી હોય છે. તેમજ સેમ કોડ વડે અલગ અલગ નામની કંપનીઓના એકાઉન્ટ ગુગલ સ્ટોરમાં બતાવી તેને અપલોડ કરવામાં આવતી હોય છે. આ એપ્લિકેશનોની જાહેરાત બહારના દેશોની ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ મારફતે ભારતમાં કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

છેતરપિંડી અને આઈટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ
સાયબર ક્રાઈમના અનાર્મ કોસ્ટેબલે ત્રણ મહિનાથી જુદી જુદી એપ્લિકેશન મારફતે ભારતના જુદા જુદા ગ્રાહકો સાથે લોન આપવાના બહાને, ગેમ્બ્લિંગ પ્રોફિટ, ઈન્વેસ્ટમેન્ટ પ્રોફિટ તેમજ ક્રિપ્ટો રિલેટેડ બેનિફિટ મેળવવાના બહાને જુદા જુદા વ્યક્તિઓ છેતરપિંડી અને હેરેસમેન્ટની પ્રવૃત્તિ કરતા હતા. આવી હકીકતના આધારે સાયબર ક્રિમિનલના વિરૂધ્ધ ધી ઇપીકો આ 419, 420, 447, 465, 468, 471 તેમજ આઇ.ટી.એક્ટ કલમ 43(બી), 66, 66 (સી) 66(ડી) મુજબ કાયદેસર ફરિયાદ નોંધાવી છે.

લોકોને લોનની લાલચમાં ફસાવવાની મોડ્સ ઓપરેન્ડી
પરિસ્થિતિને માર્યા લોકો ઝડપથી રૂપિયા મેળવવા માટે ઈન્ટરનેટના માધ્યમ કે એપ્લિકેશન થકી લિંક લોન લેવા કે ઓવરડ્રાફ્ટ લેવા માટે પ્રયાસ કરતા હોય છે. ત્યારે લોભામણી લાલચ આપીને લોકોને થગવા માટે સાયબર ક્રિમિનલ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે. જેમાં લોન લેવા માગતા વ્યક્તિ મોબાઈલમાં એપ ડાઉન લોડ કરાવીને અમુક સ્ટેપ બાદ લોન મળી જશે તેવી લાલચ આપે છે. આ અમુક સ્ટેપ પૂરતું નથી પરંતુ તેની પાછળ એક મોટો કાળો કારોબાર છે. લોનના બહાને લોકોને રીતસર છેતરવામાં આવે છે. લોનના સમય મર્યાદા પહેલાં જ તેમની પાસેથી રૂપિયા માંગવામાં આવે છે અને કમિશન પેટે પહેલાથી જ રૂપિયા કાપી લેવાય છે. ખેલ તો ઉઘરાણી સમયે શરૂ થાય છે, જેમાં લોન લેનાર રૂપિયા ના ચૂકવે શકે તો તેને ધમકી આપવામાં આવે છે. વાત ધમકીથી નથી અટકતું. લોન લેનાર વ્યક્તિની પર્સનલ તસવીરોને ઇન્ટરનેટ પર મૂકી દેવા માટે ધમકાવાય છે. લોનના ચક્કરમાં અનેક લોકો આવી ફેક એપનો ભોગ બનતાં હોય છે, પરંતુ શરમના માર્યા ફરિયાદ કરતા નથી.

ઓનલાઈન ગેમ રમનાર પણ છેતરાયા
ઓનલાઈન ગેમ રમતા લોકો પણ આવા સાયબર ક્રિમિનલના શિકાર બને છે. જેમાં ઓનલાઈન ગેમ રમતા લોકો આવા સાયબર ઠગના નિશાને હોય છે. આ મોડ્સ ઓપરેન્ડીમાં જે લોકો ઓનલાઈન ગેમ રમે છે, ગેમમાંના અમુક સ્ટેજ પાર કર્યા પછી તેમને અમુક રકમ તેમના ખાતામાં મળશે તેવી લાલચ આપે છે અથવા તો પહેલા એડવાન્સ રૂપિયા જમા કરાવવાની વાત કરવામાં આવે છે. એક વખત કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે ત્યારે એના ફોનનો મોટાભાગનો ડેટા સામેવાળાના સર્વરમાં સેવ થઈ જાય છે. ત્યારબાદ એપ ડાઉનલોડ કરનારના તમામ પર્સનલ ડેટાથી લઈને તમામ કોલ લોગ હોય કે પછી ઇન્ટરનેટ પેમેન્ટ માધ્યમ, તમામ સ્કેન થઈ જાય છે. આમ મોબાઈલમાં એપ ડાઉનલોડ થતાં જ તેમના રૂપિયા જવાના અનેક બનાવો સાયબર ક્રાઈમના ધ્યાને આવ્યા છે.

એકના ડબલ કે ક્રિપ્ટો કરન્સીની પણ લાલચ અપાય છે
હાલમાં ઊંચા વ્યાજની લાલચ હોય કે ટૂંક સમયમાં રૂપિયા ડબલ કરી દેવા કે પછી ક્રિપ્ટો કરન્સી જેવી લાલચો આપીને લોકોને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે અનેક લોકો પોતાના મરણમૂડી પણ ગુમાવી ચૂક્યા છે, ત્યારે આ બધાની અનેક અરજીઓ પોલીસ સમક્ષ આવી હતી, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જેમાં સેંકડો એપ્લિકેશન એવી સામે આવી જે એક સરખી રીતે લોકોને લૂંટવાનો પ્રયાસ કરતી હતી. જેમાં ઘણી એપ્લિકેશન એવી હતી, જે એપ્લિકેશનના સર્વર વિદેશની ધરતી પર હતા. અમદાવાદ સાયબર ક્રાઇમે આ રેકેટને બંધ કર્યું છે અને આવી એપ્લિકેશન્સ શોધીને તેને બંધ કરાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજીયાણે જણાવ્યું હતું કે, હાલ અમે તમામ એપ્લિકેશનનો બંધ કરાવી દીધી છે અને લોકોને પણ ઇઝી મનીથી દૂર રહેવા માટે જણાવ્યું છે.

નેપાળ, શ્રીલંકા, રશિયા, થાઈલેન્ડ સહિતના દેશોના નંબરથી કોલ
સાયબર ગુનેગારો એકવાર લોન આપીને મોટી વસૂલાત શરૂ કરી દે છે. લોન આપ્યાના અઠવાડિયામાં જ તમારી પાસે ઉઘરાણી શરૂ કરી દે છે. લોનની ચૂકવણીની મુદ્દત 3 મહિનાની રાખવામાં આવી હોય તો પણ સાયબર ક્રિમિનલ લોન લેનારને ફોન કરીને હેરાનપરેશાન કરી દે છે. આવા ફોન મુખ્યત્વે નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડ, યમન, મલેશિયા, પાકિસ્તાન, વિયેતનામ, ઈન્ડોનેશિયા, લાઓસ, અમેરિકા, રશિયા, આફ્રિકન દેશો આઈવરી કોસ્ટ, બોલીવિયા, વેનેઝુએલા, કંબોડિયા તથા મોરક્કો સહિતના દેશોથી કરાય છે.

એપ મારફત સાયબર ક્રિમિનલ લોનના વિષચક્રમાં ફસાવે છે
સાયબર ગુનેગારોને કાયદોને ડર ન હોય તેવી રીતે લોન લેનારને રીતસરના લૂંટતા હોય છે. એકવાર લોન લીધી એટલે બીજી લોન અને એ લોન ભરવા ત્રીજી લોન એમ લોનના વમળમાં ગ્રાહક ફસાતો જાય છે. ઓછામાં પૂરતું એપમાં બધી પરમિશન આપી દીધી હોય છે. એટલે મોબાઈલમાં રહેલો તમામ ડેટા આવા ગુનેગારોના સર્વરમાં સેવ થઈ જાય છે. જેથી તે બ્લેકમેઈલ કરવા અને ઉઘરાણી કરવા માટે હેરેસમેન્ટમાં તેનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, મોબાઈલમાં રહેલી તમાર દરેક પ્રકારની પર્સનલ વસ્તુઓ તે પોતાના સર્વરમાં સંતાડી દે છે. ત્યારબાદ વસૂલાત સમયે વ્યક્તિ તસવીરો કે વીડિયોને મોર્ફ કરીને નગ્ન અને બીભત્સ ક્લિપ કે તસવીરો બનાવીને વાઈરલ કરવાની ધમકીઓ આપે છે. તેથી આવી લોન લેવાથી બચવું જોઈએ. એટલું જ નહીં,વિદેશમાંથી આવતા ફોનકોલ્સને બને ત્યાં સુધી ઉપાડવા ન જોઈએ.

વોટ્સએપ અને રેગ્યુલર ફોનથી ક્યાંથી કોલ થાય છે
સાયબર ક્રિમિનલ લોન લેનાર ગ્રાહકોને લૂંટવા માટે વોટ્સએપથી અને રેગ્યુલર ફોન મારફતે વિવિધ દેશોમાંથી કોલ કરે છે. જેમાં યમન (+967), નેપાળ(+977), આફ્રિકન દેશ આઈવરી કોસ્ટ(+225), આફ્રિકન દેશ બોલીવિયા(+591), આફ્રિકન દેશ ઈથોપિયા(+251), મલેશિયા(+60), આફ્રિકન દેશ વેનેઝુએલા(+58), બાંગ્લાદેશ(+880), વિયેતનામ (+84), ઈન્ડોનેશિયા(+62), લાઓસ (અગ્નિ એશિયાનો દેશ) (+856), થાઈલેન્ડ (+66), પાકિસ્તાન (+92), રશિયા (+7), અમેરિકા (+1), કંબોડિયા (અગ્નિ એશિયાનો દેશ) (+855), શ્રીલંકા (+94) અને નોર્થ આફ્રિકન દેશ મોરક્કો (+212) સામેલ છે. લોન આપવા અને વસૂલાત માટે રીતસરની ખંડણી ઉઘરાવતી હોય છે. તેથી આવા નંબર પરથી થતી લોનની ઓફરથી બચવું જોઈએ.

સાયબર ક્રાઈમે ઈન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી કરતી વેબસાઈટ બ્લોક કરી

શોર્ટ ટર્મ લોન આપતી એપ બ્લોક કરી

ગુગલ પ્લે સ્ટોરમાં બ્લોક કરેલી એપ

લોન આપી હેરેસમેન્ટ કરતી એપ્સ બ્લોક કરાઈ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: