પોરબંદર3 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ચણા, ઘઉં, જીરૂંનું વાવેતર ઓછુ નોંધાયું, જ્યારે ઘાણા, શાકભાજી, ડુંગળી, લસણ, ઘાસચારાનું વાવેતર વધુ નોંધાયું
- ગત વર્ષની અત્યાર સુધીની સરખામણીમાં આ વખતે 2990 હેકટર ઓછું વાવેતર નોંધાયું
પોરબંદર જિલ્લામાં શિયાળુ પાકનું કુલ વાવેતર 117525 હેક્ટરમાં થયું છે. ગત વર્ષની અત્યાર સુધીની સરખામણીમાં આ વખતે 2990 હેકટર ઓછું વાવેતર નોંધાયું છે. 7740 હેકટર ચણા, 2060 હેકટર ઘઉં, 2285 હેકટર જીરુંનું વાવેતર ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ઓછુ નોંધાયું, જ્યારે 8335 હેક્ટરમાં ઘાણા સહિત શાકભાજી, ડુંગળી, લસણ, ઘાસચારાનું વાવેતર વધુ નોંધાયું છે. પોરબંદર જિલ્લામાં આ વખતે પણ ગત ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. મેઘરાજાએ મહેર વરસાવતા નદી નાળા અને ડેમો છલકાઈ ગયા છે. ચોમાસા બાદ વરાપ નીકળતા ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે.
પોરબંદર જિલ્લામાં ખાસ કરીને ઘેડ વિસ્તારમાં ચણાના પુષ્કળ વાવેતર વધુ થાય છે. આ ઉપરાંત જુવાર, મકાઈ, ઘાણા, જીરું, શાકભાજી, ઘાસચારો સહિતનું શિયાળુ પાકનું વાવેતર થાય છે. હાલની સ્થિતિએ એટલેકે તા. 17 /12/2022 ની સ્થિતિ મુજબ ખેતીવાડી અધિકારીએ આપેલ વિગત અનુસાર પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 117525 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે.
જ્યારે ગત વર્ષે તા. 17/12/2021 ની સ્થિતિએ કુલ 120515 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થઇ ગયું હતું. એટલેકે ગત વર્ષની સરખામણીએ આ સમય દરમ્યાન 2990 હેકટર ઓછું વાવેતર નોંધાયું છે તેમાં પણ ચણાનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વખતે અત્યાર સુધીમાં ચણાનું વાવેતર 7740 હેકટર ઓછું નોંધાયું છે. જ્યારે 2060 હેકટર ઘઉં, 2285 હેકટર જીરુંનું વાવેતર ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ઓછુ નોંધાયું, જ્યારે 8335 હેક્ટરમાં ઘાણા સહિત શાકભાજી, ડુંગળી, લસણ, ઘાસચારાનું વાવેતર વધુ નોંધાયું છે. આગામી જાન્યુઆરી સુધી શિયાળુ પાકનું વાવેતર થશે.