ઘરસભા એક શબ્દમાં શું હોય? પણ ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો સમજાય કે ઘરસભા એ ઘરની શાંતિથી વિશ્વ શાંતિ તરફ દોરી જાય છે. ઘરસભા એ પ્રમુખસ્વામી મહારાજે હજારો પરિવારોને આપેલ મંગલ આશીર્વાદ છે.
આત્મીયતા અને આધ્યાત્મિકતાના સંસ્કાર લાવવા અઠવાડિયામાં 2 દિવસ ઘરસભા કરવી જરૂરી
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે આજે દિન-પ્રતિદિન પરિવારમાં આત્મીયતા અને આધ્યાત્મિકતા ઘટતી જાય છે. પરિણામે કંકાસ થાય છે. સંપ નથી રહેતો. આ આત્મીયતા અને આધ્યાત્મિકતાના સંસ્કાર પાછા લાવવા અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ ઘરસભા કરવી અત્યંત જરૂરી છે. પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવે સંસ્થાની બાળ પ્રવૃત્તિ દ્વારા હરિભક્તો સિવાય અન્ય ભાવિકો માટે પારિવારિક શાંતિ અભિયાન યોજાયું.
જેમાં ઘરસભા કરવાના ગોષ્ઠી, સમૂહ પ્રાર્થના, સમૂહ આરતી, રમત-ગમત, સમૂહ સેવા વગેરે જેવા અલગ અલગ વિકલ્પો અંગે સમજ આપી ઘરસભા કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. BAPS સંસ્થાના વિવધ કેન્દ્રો દ્વારા હજારો હરિભક્તોએ પણ આ પારિવારિક શાંતિ અભિયાનમાં જોડાયા હતા.
પ્રમુખસ્વામી મહારાજના આશીર્વચનો :
ભગવાન અને ભગવાનના અખંડ ધારક સંતની મૂર્તિ પધરાવી એ ઘર પણ તીર્થ રૂપ બની જાય છે. ત્યાં ઘરમંદિરમાં બેસી રોજ ઘરસભા કરવી. જેથી બાળકોમાં સારા સંસ્કાર આવે અને વડીલોને શાંતિનો અનુભવ થાય છે. માણસ માણસ રહે તે માટે આ બધુ કરવાની જરૂરિયાત છે. બીજી પ્રવૃત્તિ છે તે કરવાની છે. આપણાં સંસ્કારો ન ભૂલે તે માટે ઘરસભા જરૂરી છે.
માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથી દેવો ભવ, આચાર્ય દેવો ભવ ના પાઠ ભારતીય સંસ્કૃતિમાં શિખવાડવામાં આવ્યા
ઘરસભા ઘરની શોભા છે. બધાએ દ્રઢતાથી ઘરસભા કરવાનો નિયમ લેવો. ઘરસભાથી ઘરના બધા સભ્યોમાં સંપ વધે છે. એકબીજાને સમજી શકાય છે. એકબીજા માટે ઘસાવાની ભાવના પ્રગટે છે. માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથી દેવો ભવ, આચાર્ય દેવો ભવ એના પાઠ ભારતીય સંસ્કૃતિમાં શિખવાડવામાં આવ્યા છે.
ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે જૂઠું ના બોલવું, ચોરી ન કરવી, કોઈનું નુકશાન ન કરવું. દુનિયામાં મોટપ રૂપિયાથી નથી, હોદ્દાથી નથી, મોટપ તો ભગવાન અને સંતથી લઈને એના જ્ઞાનથી છે. સંસ્કાર મળ્યા છે એટલે સત્સંગમાં બેઠા છે. માતા-પિતાની આજ્ઞા પાડવાનું આપણા ધર્મગ્રંથ રામાયણ શીખવે છે. કુટુંબ પ્રત્યે કેવી ભાવના હોવી જોઈએ તે પણ આપણને રામાયણ શીખવે છે.
હાલ કળિયુગ ચાલે છે. જેમાં આપણે જે કાંઈ સાંભળીએ છીએ એ બધું ભુલાઈ જાય છે. આ જ્ઞાન આપણા જીવનમાં ઉતારીશું તો ઘરમાં શાંતિ રહેશે. દેશમાં શાંતિ રહેશે અને જીવનમાં પણ શાંતિ રહેશે.
પારિવારિક શાંતિ અભિયાન-શતાબ્દી સેવક સમારોહ, અમદાવાદ
વિશ્વ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. જેમાંની એક છે પારિવારિક અશાંતિ. પરિણામે અસંખ્ય પરિવારો તૂટી રહ્યા છે. પેઢીઓથી ચાલી આવતા સંસ્કારો ધોવાઈ રહ્યા છે. સમાજની આ વણસી રહેલી પરિસ્થિતિની ચિંતા કરી અને સમાધાન આપ્યું. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ કે જેમને સમગ્ર વિશ્વની અંદર વિચરણ કરી અને એક મંત્ર આપ્યો અને મંત્ર હતો ઘરસભા.
તેઓએ પ્રચંડ પુરુષાર્થ અને વિચરણ કર્યું. જેના મધુર ફળો રુપે આજે પરિવાર સુખ, શાંતિ અને આનંદ માણી રહ્યું છે. બીજાના ભલામાં આપણું ભલું આ જીવન સૂત્ર સાથે અનેક સેવાકાર્યો, અનેક રાહતકાર્યો અનેક સામાજિક કાર્યોમાં પણ એક આગવું અને વિશેષ વિરલ કાર્ય તેઓએ કર્યું છે પારિવારિક શાંતિ સ્થાપવાનું.
પ્રમુખસ્વામી મહારાજે સમાજને સમય, મન અને હૃદય આપ્યું અને તેમાં વસ્યા
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી નિમિત્તે પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સંસ્થા દ્વારા હાલમાં પારિવારિક શાંતિ અભિયાનનું આયોજન થયું હતું. જેમાં 72,806 પુરુષ-મહિલા હરિભક્તો જોડાયા હતા. એની શરૂઆત 31 જાન્યુઆરી, 2022 થી થઈ હતી. કુલ 17 રાજ્યોમાં 24,00,052 પરિવારનો સંપર્ક કર્યો. જેમાંથી 19,38,375 પરિવારોએ સમુહ ભોજનનો સંકલ્પ કર્યો.
10,28,560 પરિવારોએ સમુહઆરતી અને પ્રાર્થનાનો સંકલ્પ કર્યો. 4,24,696 પરિવારોએ ઘરસભાનો સંકલ્પ કર્યો હતો. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ માટે આટલા બધા લોકો એટલા માટે સમર્પિત થયા છે. કારણ કે પ્રમુખસ્વામી મહારાજે સમાજને સમય, મન અને હૃદય આપ્યું છે. પ્રમુખસ્વામી મહારાજે મંદિરો બાંધ્યા પણ પોતે તેમાં રહ્યા નથી. પરંતુ લોકોના ઘરોમાં પોતે રહ્યા છે તેઓના હૃદયમાં રહ્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav