ત્રણ મહિને ગુનાનો ભેદ ઉકેલાયો
સુરતના કતારગામ વિસ્તારમાં જેરામમોરાની વાડીમાં આવેલા હીરાના કારખાનામાંથી ગત 12 સપ્ટેમ્બરે હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિ સાથે લૂંટની ઘટના બની હતી. કનૈયાલાલ પ્રજાપતિ પોતાનું કારખાનું બંધ કરી રૂપિયા 39 લાખના હીરા લઈને સેફ વોલ્ટમાં મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન કારખાનાના પાર્કિંગમાંથી તેમની સાથે લૂંટ થઈ હતી. કનૈયાલાલ પ્રજાપતિને મોઢે રૂમાલ બાંધી ચાર જણા આવી પાર્કિંગમાં માર મારી તેમની પાસે રહેલા હીરા, મોબાઈલ અને રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે કતારગામ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દોડતી થઈ ગઈ હતી. વેપારીની ફરિયાદના આધારે પોલીસ લૂંટારાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી હતી. ત્યારે આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચને સાડા ત્રણ મહિને આ ભેદ ઉકેલવા સફળતા મળી છે. પોલીસે લૂંટને અંજામ આપનાર કુલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે તેમની પાસેથી 39 લાખના હીરા સહિત 13 લાખના હીરાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ સુરતના સચિનમાંથી બોગસ પોલીસકર્મી ઝડપાયો
લૂંટારા સીસીટીવીમાં કેદ થયા હતા
હીરા વેપારી કનૈયાલાલને તેના કારખાના પાર્કિંગમાં જ લૂંટી લીધા બાદ ત્યાંથી ફરાર થઈ રહેલા લૂંટારાઓ સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે આ સીસીટીવી કબજે કરીને આરોપી સુધી પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. સીસીટીવીમાં બે બાઈક ઉપર ચાર લોકો ફરાર થતા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તેમ છતાં તેમના ચહેરા ક્લિયર દેખાતા નહોતા તેથી પોલીસે સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચી શકતી નહોતી. આખરે પોલીસને બાતમીને આધારે આ મામલો ઉકેલવામાં મદદ મળી હતી.
બાતમીને આધારે પોલીસે ભેદ ઉકેલ્યો
આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘરફોડ સ્કોડની ટીમને કતારગામમાં થયેલી લાખોના હીરા લૂંટની ઘટનામાં ચોક્કસ માહિતી મળી હતી. આ ગુનાને અંજામ આપનાર એક ઈસમ કાળુભાઈ ઉર્ફે દાઉદ જેતાણીનું નામ જાણવા મળ્યું હતું. તે હાલ વડોદરા જિલ્લાના કરજણમાં આવેલા ઇડબલ્યુએસ આવાસના બિલ્ડીંગ નંબર 7 અને ફ્લેટ નંબર 202માં રહે છે. તેવી ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ કરજણ પહોંચી હતી અને ચોક્કસ વોચ ગોઠવીને લૂંટને અંજામ આપનાર પાંચ પૈકીના એક આરોપી કાળુ ઉર્ફે દાઉદ તેજાણીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન લૂંટની આખી ચેન ખુલ્લી પડી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં જબરદસ્તી રૂપિયા માંગ્યા તો ચપ્પુ મારી હત્યા કરી
લૂંટ પહેલાં અગાઉથી જ રેકી કરવામાં આવી હતી
કતારગામમાં થયેલી લાખોના હીરાની લૂંટ મામલે આરોપી પકડાઈ ગયા બાદ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લૂંટની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વડોદરાથી એક આરોપી કાળુને ઝડપી લીધા બાદ તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, સુરતથી રવિ ઉર્ફે બાબર કંડોડીયા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિને લૂંટવાનો પ્લાન બતાવ્યો હતો. રવિએ ફોન પર જણાવ્યું હતું કે, હીરા વેપારી કનૈયાલાલ પ્રજાપતિ રોજ સાંજે કારખાનું બંધ કરી તેની મોપેડ ઉપર લાખોના હીરાનો માલ લઈ એકલા જાય છે. જો તેની પાસેથી હીરાના માલની લૂંટ કરીશું તો લાખો રૂપિયાનો માલ મળશે અને આ કામમાં મારા બે મિત્ર રાજેશ ભીલ અને કૈલાશ વાઘેલા પણ સાથ આપશે. આ લૂંટમાં જે કાંઈ મળશે તે બધા સરખે ભાગે વહેંચી લઈશું. તેવું જણાવી કાળુને સુરત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રવિના ઘરે આવીને રહેતો હતો. લૂંટના બે દિવસ અગાઉ શનિવારે મોટરસાયકલ પર ચારેય જણાંએ રેકી કરી હતી. ત્યારબાદ 12 સપ્ટેમ્બરે તેમણે લૂંટને અંજામ આપ્યો હતો.
વેપારીને માર મારીને હીરા લૂંટ્યાં
આ અંગે સુરત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, 12 સપ્ટેમ્બરે પ્લાન મુજબ ચારેય જણાં મોટરસાયકલ પર જેરામ મોરાની વાડીના હીરા કારખાનાના પાર્કિંગમાં આવી ગયા હતા. તેઓ વેપારી નીકળે તે પહેલાં પાર્કિંગમાં છુપાઈ ગયા હતા. બે મિત્રો ઉપર જઈ કારખાનું બંધ કરી વેપારી નીકળી રહ્યો છે તેની ખબર રાખવા ગયા હતા. કનૈયાલાલ જેવા હીરાનો મુદ્દામાલ સાથે લઈ કારખાનું બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે પાર્કિંગમાં પહોંચ્યાની સાથે જ વેપારી પર હુમલો કરી તેની પાસે રહેલી બેગ લૂંટી લેવામાં આવ્યું હતું. તેટલું જ નહીં કનૈયાલાલને સુરતના યુવક રવિન્દ્રએ માર મારી હીરા લૂંટવાની સાથે તેની પાસે રહેલો મોબાઈલ પણ લૂંટી તમામ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. ચારેય જણાંએ હીરાની લૂંટ ચલાવી લીધા બાદ આ હીરાને વેચવા માટેનો પણ પ્લાન બનાવ્યો હતો. તે માટે લૂંટનો પ્લાન બનાવનાર રવિન્દ્ર કંડોડિયાએ સુરતના એક હીરા દલાલ મેહુલ ઉર્ફે શૈલેષ ડોંડાને આ સમગ્ર બનાવ અંગે જાણ કારી હતી.
આ પણ વાંચોઃ દુબઈથી આવેલા યુવક સહિત પરિવારના ચારેય લોકો કોરોના પોઝિટિવ
એક આરોપી પકડાતા આખી ચેઇન ખુલ્લી પડી
સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામ લૂંટના ગુનામાં વડોદરાથી એક આરોપીને પકડ્યા બાદ સમગ્ર ચેનને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં પ્લાન ઘડનાર રવિન્દ્ર કંડોલિયા, તેના બે મિત્ર રાજેશ ભીલ, શૈલેષ વાઘેલા, લૂંટને અંજામ આપનાર કાળુભાઈ જેતાણી લૂંટના હીરાને વેચનારા શૈલેષ દોંડા મળી કુલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ પાસેથી 39 લાખના હીરા પૈકી 13 લાખના હીરાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે બાકીના હીરા વેચી દીધા હતા. હાલ પોલીસ તે માલ રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat crime branch, Surat crime news, Surat news, Surat police