અમદાવાદ રેલવે પોલીસે એક વ્યક્તિનું વોટ્સએપ ચેક કરતા બાળ તસ્કરી સામે આવી, 5 હજારમાં બાળક વેચ્યું

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી કરતા અમદાવાદ કનેક્શન ખૂલતાં ઘટના સામે આવી છે. અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન સામેથી એક વ્યક્તિએ બાળકને ટ્રેનમાં આવેલા મહિલા અને પુરુષને સોંપ્યો હતો. આ સમગ્ર ઘટનામાં મહારાષ્ટ્રના નાગપુરના વર્ધા પોલીસે ગુનો નોંધ્યો હતો અને ત્યારે આ કિસ્સો સામે આવ્યો હતો. હવે આ કિસ્સા મામલે અમદાવાદ પોલીસ પણ તપાસ કરી રહી છે.

પોલીસે વોટ્સએપ ચેક કરતા ભાંડો ફૂટ્યો

25 ડિસેમ્બર 2022ના દિવસે નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહારાષ્ટ્ર પોલીસે શંકાસ્પદ પુરુષ અને મહિલા સાથે એક નવજાત બાળકને મુસાફરી કરતા ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા. મહિલા અને પુરુષ આશરે બે મહિનાના બાળક સાથે મળી આવતા તેઓને પૂછતા તેઓના નામ ચંદ્રકાન્ત મોહન પટેલ અને દ્રોપદી રાજા મેશ્રામ હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા તેમની પાસેથી અમદાવાદથી વિજયવાડાની રેલ મુસાફરીની ટિકિટ મળી આવી હતી. બાળક બાબતે તપાસ કરતા તેમજ તેમના મોબાઈલ ફોન જપ્ત કરીને વોટ્સએપ ચેક કરતા કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું કે, આ નવજાત બાળકને અમદાવાદ રેલ્વે સ્ટેશન સામેના રોડ ઉપરથી કૃણાલ નામના વ્યક્તિ દ્વારા ચંદ્રકાંત પટેલના કબજામાં વિજયવાડા પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું અને તેના બદલે 5000 રોકડ રકમ આપવામાં આવી હતી. આરોપી પાસેથી પોલીસે 3000 રોકડ રકમ સહિત રેલવેની ટિકિટ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો.આ પણ વાંચોઃ 31 ડિસેમ્બર પહેલા રમ ઘુસાડવાનો પ્લાન પોલીસે બગાડ્યો

આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા વર્ધા પોલીસે આઈપીસીની કલમ 370 મુજબ માનવ તસ્કરીનો ગુનો દાખલ કર્યો હતો. જો કે, સમગ્ર બાબત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર બની હોવાથી આ ઘટનાને મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કરી કાલુપુર પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી છે. હાલમાં પકડાયેલા બંને આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, કાલુપુર પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ BAPS મહોત્સવમાં વિક્ટોરિયા એમેઝોનિકાનું પાન

પોલીસે ઊંડાણપૂર્વક ઘટનાની તપાસ કરી

પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાળકના માતા પિતાએ જ તેને એક વ્યક્તિને વેચી દીધું હોવાનું આરોપીઓ જણાવતા હતા. તે કુણાલ નામના વ્યક્તિ મારફતે આ બાળકને મહારાષ્ટ્રથી વિજયવાડામાં એક દંપતીને આપવામાં આવવાનું કબુલ્યું હતું. જો કે, આ ઘટનાને લઈને પોલીસે પકડાયેલા બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. હાલ તો મળી આવેલા બાળકને મહારાષ્ટ્રમાં બાળ સંરક્ષણમાં મોકલી આપવામાં આવ્યું છે. આરોપીઓની તપાસમાં કેવા ખુલાસાઓ થાય છે, આરોપીઓ એકબીજાને ઓળખતા પણ ન હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે તેઓ બંને બાળકના માતા-પિતાની ઓળખ આપીને રેલવેમાં મુસાફરી કરતા આવવાનું સામે આવતા પોલીસે બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગેની પૂછપરછ હાથ ધરી છે.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

માત્ર 2 માસના બાળકની તસ્કરીનો કિસ્સો નોંધાતા પોલીસે બંને આરોપીઓને પકડીને તેના મોબાઈલ ફોન સહિતની વિગતો અને કોલ ડિટેઇલ્સ કઢાવવાની પ્રક્રિયા તેજ કરી છે. ત્યારે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ સામે આવી શકે છે. આ ઘટનાને લઈને આરોપીઓની સામે કડકમાં કડક પગલાં લેવાય તે પ્રકારની તજવીજ કાલુપુર પોલીસ સ્ટેશને શરૂ કરી છે. જો કે, આરોપીઓ દ્વારા અગાઉ કોઈ માનવ તસ્કરી કે બાળ તસ્કરી કરવામાં આવી છે કે કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad news, Ahmedabad railway Station, Human Trafficking, Indian railways, Maharashtra News, Railway police