વડોદરા26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- લાઇસન્સ, રજિસ્ટ્રેશન, HPની કામગીરી અટકી
- તકસાધુ એજન્ટોએ સ્થિતિનો લાભ ઉઠાવ્યો
વડોદરા આરટીઓમાં બુધવારે એસ.બી.આઇ.નું પેમેન્ટ માટેનું સર્વર ખોટકાતા લાયસન્સ અને વાહનને લગતી કામગીરીનું પેમેન્ટ ના થતાં કામગીરી અટકી હતી. અંદાજે 700 લોકો અટવાયા હતા. આરટીઓમાં કોઇપણ પેમેન્ટ એસબીઆઇના સર્વર દ્વારા થતું હોય છે.
જે બુધવારે બપોરે 2થી રાત્રે 8 વાગ્યા સુધી ખોટકાયું હતું. જેથી લાઇસન્સ કઢાવવા માટે એપોઇન્ટમેન્ટ લેનારાને વાહનોને લગતી રજીસ્ટ્રેશન, રિન્યુઅલ અને એચપી કેન્સલ સહિતની કામગીરી માટે પેમેન્ટ થઈ શક્યું ન હતું. સર્વર બંધ હોવાથી કેટલાંય એજન્ટોને ધડાકો પડ્યો હતો. તેમણે લોકોનો સમય ના વેડફાય તેનું બહાનું ધરી વધુ રૂપિયા ખંખેર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
વડોદરા આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓનલાઇન સર્વરની કામગીરી માત્ર બરોડામાં નહીં પણ તમામ જગ્યાએ બંધ હશે. કદાચ ટેકનિકલ ક્ષતિ હશે અથવા અપડેશન કરવાનું હશે. જોકે સાંજે સર્વર ચાલુ થઈ જતા કામગીરી પૂર્વવત થઈ હતી.