ગાંધીનગર13 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં આજે દહેગામના વાસણા રાઠોડ ગામના યુવાને મોતની છલાંગ લગાવી લેતાં ડભોડા પોલીસે ગાંધીનગર ફાયર બ્રિગેડ તેમજ બહીયલનાં તરવૈયાની ટીમની મદદથી શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પંદર દિવસ પહેલાં અને ગઈકાલે પણ યુવાને કેનાલમાં પડતું મુક્યું હતું. પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારે આજે ત્રીજી વાર આ યુવાને કેનાલમાં પડતું મૂકતાં પરિવાર કેનાલ પર દોડી આવ્યો હતો.
દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં રહેતો 25 વર્ષીય રાહુલ ગણપતભાઈ રાઠોડ ઘરેથી બાઈક લઈને રાયપુર કેનાલ પર આવ્યો હતો. અહીં કેનાલ પાસે બાઇક મૂકીને તેણે ઝંપલાવી દીધું હતું. જો કે રાહુલને બચાવવા માટે ત્યાં હાજર બે લોકોએ કરેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ત્યારે યુવાન કેનાલમાં પડ્યો હોવાની જાણ થતાં પરિવારજનો પણ કેનાલ પર દોડી આવ્યા હતા.
આ અંગે જાણ થતાં ડભોડા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અને ફાયર બ્રિગેડ અને બહીયલનાં તરવૈયાની ટીમની મદદથી કેનાલમાં પડેલા રાહુલની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ પણ રાહુલે કોઈ અગમ્ય કારણસર કેનાલમાં પડતું મુક્યું હતું. એ વખતે તેને બચાવી સારવાર અર્થે ખસેડાયો હતો.
ત્યારે ગઈકાલે પણ રાહુલ ઘરેથી નીકળી ગયો હતો. અને કેનાલમાં પડ્યો હતો. ત્યારે પણ કેનાલ પર હાજર લોકોએ રાહુલને બચાવી લઈ તેના ભાઈને જાણ કરવામાં આવી હતી. તો આજે ફરીવાર રાહુલે કેનાલમાં પડતું મૂકતાં હાલમાં તેની શોધખોળ ચાલી રહી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં શોધખોળ ચાલુ છે. જેથી ક્યાં કારણોસર યુવાન કેનાલમાં પડ્યો તે અંગે પરિવારની પૂછતાંછ કરાઈ નથી.