નાની માછલીઓનું શિકાર શરૂ
નશેડીઓ નાની માછલી પાસેથી એમડી ડ્રગ્સ ખરીદતા હોવાથી હવે પોલીસ તેમજ એજન્સીઓએ તેમનો શિકાર કરવાનું શરુ કરી દીધું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે મિરઝાપુર ખાતેથી એક યુવકને ડ્રગ્સ વેચતા રંગે હાથ ઝડપી લીધો છે. યુવક જુહાપુરાના પેડલર્સ પાસેથી એમડી ડ્રગ્સ વેચવા માટે લાવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે દારૂ પાર્ટી સાથે એમડી ડ્રગ્સની બોલબાલા જોવા મળી રહી છે. એમડી ડ્રગ્સને પાનમસાલામાં ભેળવીને ખાવામાં આવે છે અને ત્યાર બાદ નશેડીઓ માટે આખી રાત રંગીન થઇ જાય છે.
આ પણ વાંચો: પિતાનાં મિત્રએ જ સગીર દીકરીની વારંવાર લૂંટી ઇજ્જત, ગર્ભ રહેતા થયો પર્દાફાશ
મિરઝાપુરમાંથી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ
યુવાઓને ડ્રગ્સ લેતા અટકાવવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સજ્જ છે. હ્યુમન સોર્સની મદદથી પોલીસ, ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમોએ ડ્રગ્સના નેટવર્કને તોડવાની તજવીજ શરૂ કરી દીધી છે. 31 ડિસેમ્બરના રોજ યુવાઓ એમડી ડ્રગ્સનું સેવન કરે તેવી શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. જેના કારણે હવે પોલીસે બીલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા પેડલર્સનો પકડવાનું શરુ કરી દીધું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, મિરઝાપુર ખાતે ઇરફાન ઉર્ફે મચ્છી શેખ (રહે, શાહપુર, જુલાઇવાડા) એમડી ડ્રગ્સનું વેચાણ જાહેરમાં કરી રહ્યો છે. એસજીઓની ટીમે બાતમીના આધારે ઇરફાન ઉર્ફે મચ્છીની અટકાયત કરી લીધી હતી અને તેની અંગ જડતી કરી હતી. અંગ જડતી દરમિયાન ઇરફાન પાસેથી વ્હાઇટ પાઉડર મળી આવ્યો હતો. જેથી એસઓજીની ટીમે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોચીને વ્હાઇટ પાઉડરની ચકાસણી કરતા તે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે ઇરફાનની ધરપકડ કરીને જુહાપુરા ખાતે એસઓજી કચેરીમાં લાવી હતી. જ્યાં તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી.
પાનપાર્લર, ગલ્લા પર પોલીસ અને એજન્સીઓની વોચ
ઇરફાને એસઓજીની ટીમને જણાવ્યું હતું કે, જુહાપુરા ખાતે રહેતા તૌશીફ બાપુ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. એસઓજીએ ક્રાઇમ બ્રાંચમાં ઇરફાન અને તૌશીફ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસે ઇરફાન પાસેથી 5.490 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પાનપાર્લર, ગલ્લા પર પોલીસ અને એજન્સીઓની વોચ છે. એમડી ડ્રગ્સ પાન મસાલામાં મીલાવીને ખાવામાં આવે છે. જેથી નશેડીઓ પાનપાર્લર અને ગલ્લા પરથી પાનમસાલા ખરીદતા હોય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ કર્મચારીઓ પાર્ટીબોય બનીને પાનપાર્લર અને ગલ્લા પર ઉભા રહેશે અને પાન મસાલા લેવા માટે આવતા યુવાઓ પર નજર રાખશે. જો કોઇ શંકાસ્પદ યુવા લાગશે તો તરત જ તેની અટકાયત કરીને અંગજડતી કરવામાં આવશે. યુવાઓ પાસેથી એમડી ડ્રગ્સ મળશે તો સીધા પેડલર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News