‘પરિણામ ભોગવવા તૈયાર રહેજે’
મૂળ વડોદરા નો અને હાલ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક છ મહિનાથી એકલો રહેતો હતો અને ઈસરો એમ.ટેક અભ્યાસના ભાગરૂપે ઈન્ટર્નશીપ કરતો હતો. ગત સપ્ટેમ્બર 2021માં તેલંગણા ખાતે તેણે અભ્યાસ કરવા એડમિશન લીધું હતું અને તે વખતે કોરોના હોવાથી ઓનલાઈન અભ્યાસ કરતો હતો. બાદમાં એપ્રિલ 2022 માં તે યુવક તેલંગાણા ખાતે ગયો તે સમયે દિલ્હીની મોહસિના નામની વિદ્યાર્થીની સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં આ યુવક ઈન્ટર્નશીપ કરવા અમદાવાદ આવ્યો હતો, ત્યારે આ વિદ્યાર્થીનીના નંબર ઉપરથી આ યુવકને ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું કે, તેને તથા તેના મિત્ર પિયુષ વશિષ્ટને ઇન્ટર્નશીપનું કરાવી આપ. જેથી આ યુવકે હું પ્રયત્ન કરીશ ઈસરોની ઓફિસિયલ વેબસાઈટ વિઝીટ કરતા રહેજો તેમ કહ્યું હતું. બાદમાં આ પિયુષ વશિષ્ટ નામના વ્યકતિએ આ યુવકને ફોન કરી તારે મને અને મોહસિનાને એક જ વિભાગમાં અને એક જ ઓફિસમાં સેટ કરાવી આપવાના છે, તેવો આગ્રહ કર્યો હતો. જેથી આ યુવકે હું નોકરી કરતો નથી ફક્ત ઇન્ટર્નશિપ કરું છું, આવું હું સેટ કરાવી શકું નહીં, એવું કહેતા સામેવાળી વ્યક્તિએ ફોનમાં ખરાબ અને બીભત્સ ગાળો આપી અને ધમકી આપી હતી કે, આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે. એક અઠવાડિયામાં તારું કેરિયર ખરાબ કરી નાખીશ.
આ પણ વાંચો: લ્યો બોલો રાણો – દેવાયત ખવડ કાવતરું રચીને મારવા ગયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
‘મને પકડી શકીશ નહીં’
બાદમાં આ પિયુષ વશિષ્ટ અવારનવાર યુવકને ફોન કરી પાંચથી 15 કરોડ રૂપિયા આપ નહીં તો આપઘાત કરી લે તેવી ધમકી આપી હતી. થોડા સમય બાદ આરોપીએ આ યુવકને ઈમેલ કર્યો હતો. જેમાં તેનો પેટીએમ નંબર આપ્યો હતો અને પાંચ કરોડની ખંડણી માગી હતી અને બાદમાં હું અલગ સોફ્ટવેર ઉપયોગ કરું છું, તેથી મને પકડી શકીશ નહીં, તેવું કહી અવારનવાર ઈમેલ કર્યા હતા. થોડા સમય બાદ આ પિયુષ વશિષ્ટે આ યુવકને ઈમેલ કર્યો હતો કે મોહસિનાની જન્મતિથિ છે અને તે દિવસે તારું માથું કાપી તેને હું ગિફ્ટ આપીશ, આવો ઈમેલ આ યુવકને અને તેના પિતાજીને મળ્યો હતો. બાદમાં અવારનવાર રૂપિયા નાખવા માટે બેંકના ખાતાનો નંબર મોકલી તારે આત્મહત્યા કરવી જ પડશે નહીં તો પૈસા મોકલ, તેમ કહી આ યુવકને ધમકાવ્યો હતો.
10 કરોડની ખંડણી માંગતો ઇમેઇલ કર્યો
બાદમાં આ યુવક જ્યારે હોસ્પિટલમાં હતો તે સમયે ઇસરોનું ખોટું એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીની તથા બીજા લોકોને મેલ કર્યો હોવાનો આરોપ આરોપીએ મૂકી યુવકને પરેશાન કર્યો હતો. બાદમાં કોલેજમાં તારી છાપ બગાડી નાખીશ જેના માટે એક માણસ રાખેલ છે, જે તારો પીછો કરે છે, તેવું કહેતા યુવકે અવારનવાર મહેસુસ કર્યું હતું કે બે વ્યક્તિઓ ઘરેથી આ યુવક ક્યાંય જતો હોય ત્યારે તેનો પીછો કરતા હતા. બાદમાં બે માણસોને તને મારવા માટે ખરીદ્યા છે, તેમ કહી 10 કરોડની ખંડણી માંગતો ઇમેઇલ આ વિદ્યાર્થીનીના મેલ આઈડી ઉપરથી આવ્યો હતો. એક દિવસ વિદ્યાર્થીનીના ઇ-મેલ આઇડી ઉપરથી જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો ઇમેલ આવ્યો હતો અને તેમાં આ તારો છેલ્લો જન્મદિવસ છે, તેવી ધમકી પણ આપવામાં આવી હતી. એક દિવસ કોઈ વ્યક્તિએ આ યુવકના પિતાને ઇમેલ કર્યો હતો. જેમાં તમારા દીકરાને મારી નાખવાનો મને કોન્ટ્રાક્ટ અને ફોટોગ્રાફ મળ્યો છે, તેમ કહી એક લાખ રૂપિયા ચૂકવવાની રસીદ પણ એટેચ કરી હતી. સમગ્ર બાબતને લઈને યુવકે આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મોહસિના અને પિયુષ વશિષ્ટ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇટી એક્ટ તથા આઇપીસીની વિવિધ કલો હેઠલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News