પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી, કહ્યુ - આસ્થા અને મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ
ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, ‘આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. નગરની વચ્ચે રહેલી બાપાની આ પ્રતિમા જે તરફથી જુઓ તે તરફથી તેમના દર્શન થઈ શકે. જાણે પ્રમુખ સ્વામી તમને જોઈને તમને આશિર્વાદ આપી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.’ હર્ષ સંઘવીએ પ્રમુખ સ્વામીની પ્રતિમાના દર્શન કર્યા અને આ સાથે જ તેઓ દિલ્હીના અક્ષરધામ જેવી બનાવવામાં આવેલી અક્ષરધામ મંદિરની રેપ્લિકા, ગ્લો ગાર્ડન અને બાળનગરી જોવા માટે પણ પહોંચ્યા હતા. ત્યારબાદ સભા મંડપમાં તેમણે સભાને સંબોધન કર્યુ હતુ.
આ પણ વાંચોઃ ફ્લાવર શોની મુલાકાત લેવાનો પ્લાન હોય તો આ વાત ખાસ જાણજો
આ નગર નહીં, મેનેજમેન્ટનું પ્રતિકઃ ગૃહમંત્રી
તેમણે સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, ‘પ્રમુખ સ્વામી નગર શ્રદ્ધા અને આસ્થાનો એક ભાગ છે. આ નગર માત્ર ઊભો કરેલો પ્રોજેક્ટ નથી, આ નગર આસ્થા અને મેનેજમેન્ટનું પ્રતિક છે. કાર્યક્રમો અનેક જોયા જેમાં લાખો લોકો આવે છે પણ કાર્યક્રમ સાકાર કરવા જેવું ઉદાહરણ શતાબ્દી મહોત્સવ છે. અહીં નાની નાની વાતો માનવજીવનમાં ઉપયોગી થાય તેવાં પ્રદર્શન છે. તમામ લોકોએ તેમના પરિવાર સાથે અહીં આવવું જોઈએ. હજારો કાર્યકરો પોતાના કારોબાર, વેપાર અને પરિવાર છોડી વિદેશની ધરતીથી અહીં આવી 600 એકરમાં નગર ઉભું કર્યું છે.’
આસ્થા અને મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણઃ સંઘવી
તેઓ વધુમાં જણાવે છે કે, ‘જ્યારે દોઢ વર્ષ પહેલા બ્રહ્મવિહારી સ્વામીને મળવાનું થયું ત્યારે તેઓએ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું નગરની કલ્પના કરી હતી અને એ કલ્પના સાકાર થયેલી દેખાય છે. આસ્થા અને મેનેજમેન્ટ સ્કિલથી લોકોએ અહીં 100 ટકા યોગદાન આપ્યું છે. મેનેજમેન્ટ સ્કીલના તમામ વિદ્યાર્થીઓએ અહીં શીખવા જેવું છે. જ્યારે મહોત્સવ શરુ થયો ત્યારે એકાદ બે દિવસ લોકોને તકલીફ થઈ હશે, પરંતુ ત્રીજા દિવસથી અહી સ્વયંસેવકોએ સેવા ઉપાડી લીધી છે. માત્ર નગરમાં જ નહીં નગરની બહાર જે રસ્તાઓ છે ત્યાં પણ કોઈ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખી રહ્યાં છે. નગરની વચ્ચે રહેલી બાપાની આ પ્રતિમા જે તરફથી જુઓ તે તરફથી તેમના દર્શન થઈ શકે. જાણે પ્રમુખ સ્વામી તમને જોઈને તમને આશિર્વાદ આપી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. હું મારા જીવનમાં અહીથી કંઈક નવુ શીખીને જઈ રહ્યો છું.’
આ પણ વાંચોઃ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રક્તદાન યજ્ઞ કેમ્પ, પ્રતિદિન આટલા યુનિટ દાન
જેઠાલાલ પણ લીધી નગરની મુલાકાત
આ ઉપરાંત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો કિરદાર નિભાવતા એક્ટર દિલીપ જોશી પણ નગરની મુલાકાતે પહોંચ્યા હતા. આમ તો તેઓ વર્ષોથી બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. જો કે નગરને નિહાળતા અને અહીં સમાજ માટે પ્રેરણાદાયી એવા વિવિધ શો નીહાળી અને શોની થિમ વિશે બોલતા બોલતા તેઓ દિલીપ જોશી ભાવુક થઈ ગયા હતા.
ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી પણ પહોંચ્યો
જેઠાલાલે સહપરિવાર સાથે અહી યજ્ઞકુટીરમાં યજ્ઞનો લાભ પણ લીધો હતો. આ ઉપરાંત તેમણે નગરમાં ચાલતા વિવિધ શો પણ નિહાળ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દિલીપ જોશીએ શોની થીમ વિશે વાતચીત કરતા ભાવુક થયા હતા. તેઓએ 600 એકરમાં અદ્ભુત નગર બન્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ દરેક શો પણ અદ્ભુત છે. પ્રમુખ સ્વામી વિશે તેમણે જણાવ્યું કે, બાપા નાનામાં નાના માણસનું ધ્યાન રાખતા હતા. ખેડૂતો અને આદિવાસીઓ માટે બાપાએ અનેક કામો કર્યા છે. અહીં નગરની મુલાકાતે આવતા લોકો કંઈક શીખીને જશે તે નક્કી છે. પ્રમુખ સ્વામી બાપાના તેમના પર ઘણા ઉપકાર છે. 2008માં બાપાની પ્રસાદી જ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવો શો તેમને કરવા મળ્યો. જે હાલ 14 વર્ષથી લોકોને સતત હસાવવાનું કામ કરે છે. તેના 3700 જેટલા એપિસોડ પૂરા થઈ ગયા છે.’ તો વળી અગાઉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુનો રોલ નિભાવી ચૂકેલા ભવ્ય ગાંધીએ પણ નગરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, ‘નગરને જોઈને અહીં મેનેજમેન્ટ અને કલ્ચરની શીખ મળે છે કલાના માધ્યમથી લાખો લોકો સુધી મેસેજ પહોંચી રહ્યો છે. અહી કલાના માધ્યમથી ધર્મ સમજાવવામાં આવે છે.’
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news
Post a Comment