હીરા બાને અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતા. હીરાબાની ખબર અંતર જાણવા માટે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ અસારવા અને દરિયાપુરના ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
જૂન 2022માં 100 માં વર્ષમાં પ્રવેશ
હજુ 6 મહિના જૂની વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાના 100માં વર્ષમાં પ્રવેશ મુદ્દે બ્લોગ લખ્યો હતો. જેમાં તેઓ ઈમોશનલ થઈ ગયા હતા. ચાલો જાણીએ PM મોદીએ શું લખ્યું હતું
મારી માતાનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે મારા વતન વડનગરની નિકટ છે. તેમને તેમની પોતાની માતાનો પ્રેમ મળ્યો નહોતો. નાની વયે તેમણે મારા નાનીને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા હતા. તેમને મારી નાનીનો ચહેરો પણ યાદ નથી. તેમની પાસે મારી નાનીમાના ખોળામાં પસાર થયેલી બાળપણની યાદો પણ નથી. મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. જેમ આપણે આપણી માતાના ખોળામાં નિશ્ચિંત થઈને સૂતાં હતાં, તેમ મારી માતા તેમની માતાના ખોળામાં એ દૈવી અહેસાસ મેળવી શક્યાં નહોતાં. મારી માતા શાળામાં અભ્યાસ માટે પણ જઈ શક્યાં નહોતા એટલે સ્વભાવિક છે કે, તેમને લખતાં-વાચતાં આવડ્યું નથી. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું અને તમામ પ્રકારના સુખભોગ કે લાડકોડથી વંચિત રહ્યાં હતાં.
આજની સરખામણીમાં મારી માતાનું બાળપણ બહુ જટિલ સ્થિતિસંજોગોમાં પસાર થયું હતું. કદાચ, કુદરતે તેમની આ જ નિયતિ ઘડી હતી. મારા માતા પણ માને છે કે, ઈશ્વરને ગમ્યું એ ખરું. પણ પોતાની બાલ્યાવસ્થામાં માતાને ગુમાવવી, પોતાની માતાનો ચહેરો જોવાનું પણ નસીબમાં ન હોવું એ હકીકતનું આજે પણ તેમને દુઃખ છે.
આ પ્રકારના સંઘર્ષ અને જટિલ સ્થિતિસંજોગોને કારણે મારી માતાને બાળપણ માણવા મળ્યું જ નહોતું – તેમને ઉંમર કરતાં વધારે પરિપક્વ થવાની ફરજ પડી હતી. તેમના પરિવારમાં તેઓ સૌથી મોટું સંતાન હતાં અને લગ્ન પછી અમારા પરિવારમાં તેઓ સૌથી મોટી વહૂ બન્યાં હતાં. પોતાના બાળપણમાં તેમણે સંપૂર્ણ પરિવારની જવાબદારી ઉઠાવી હતી અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે પાર પાડતાં શીખી ગયા હતા. લગ્ન પછી પણ તેમણે અમારા પરિવારમાં તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી હતી. ઘણી જવાબદારીઓ અને રોજિંદા સંઘર્ષો હોવા છતાં મારી માતાએ ધીરજ અને મક્કમ મનોબળ સાથે સંપૂર્ણ પરિવારને એકતાંતણે જોડી રાખ્યો છે.
અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય! અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતાપિતા, મારા ભાઈબહેનો અને હું રહેતાં હતાં.
મારા પિતાએ વાંસની લાકડીઓ અને લાકડાનાં પાટિયાઓમાંથી એક મચાન કે મંચ બનાવી દીધો હતો, જેથી મારી માતાને રસોઈ બનાવવામાં સરળતા રહેતી. આ અમારું રસોડું હતું. મારી માતા રાંધવા માટે તેના પર ચડી જતી અને આખો પરિવાર એના પર બેસીને એકસાથે જમતો હતો.
સામાન્ય રીતે, અછત કે અભાવ તણાવ જન્માવે છે. જોકે મારા માતાપિતા પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ જાળવી રાખવા રોજિંદા સંઘર્ષની ક્યારેય ચિંતા કરતાં નહોતાં. મારા માતાપિતાએ સમજીવિચારીને તેમની જવાબદારીઓ વહેંચી લીધી હતી અને તેમને પૂરી કરતાં હતાં.
જેમ ઘડિયાળ સતત આગળ ચાલે, તેમ મારા માતાપિતા તેમનું કર્તવ્ય અદા કરતાં મારા પિતા સવારે ચાર વાગ્યે કામ પર જવા નીકળી જતાં હતાં. તેમના પગલાંની છાપ પડોશીને કહેતી કે, સવારના ચાર વાગ્યા છે અને દામોદરકાકા કામ માટે ગયા છે. તેમનો અન્ય એક નિયમ હતો – પોતાની ચાની નાની કિટલી ખોલતાં અગાઉ ગામના મંદિરમાં દર્શન કરવા જવું.
આ પણ વાંચો: Hiraben Modi: ભૈ! તુ આખી સૃષ્ટિનો રાજા બનીશ! નરેન્દ્ર મોદી PM નહોતા ત્યારે હીરાબાએ કહી દીધેલુ
માતાએ ક્યારેય અપેક્ષા રાખી નહોતી કે, અમે, બાળકો અમારો અભ્યાસ પડતો મૂકીને તેમના ઘરકામમાં મદદ કરીએ. તેમણે અમને ક્યારેય મદદ કરવાનું કહ્યું પણ નહોતું. જોકે તેમને મહેનત કરતાં જોઈને અમે તેમને મદદ કરવાની અમારી ફરજ ગણતાં હતાં. મને અમારા ગામના તળાવમાં તરવાની બહુ મજા પડતી હતી. એટલે હું ઘરેથી બધા ગંદા કપડાં તળાવે લઈ જતો અને ત્યાં તેમને ધોતો. મારા માટે આ એક પંથ દો કાજ જેવું થઈ જતું – ઘરના કપડાં ધોવાઈ જતાં અને મારો તરવાનો શોખ પૂરો થતો.
આ પણ વાંચો:Heeraben Modi Health LIVE Updates: હીરાબાની તબિયત સુધારા પર, પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા
અમારા ઘરનો ખર્ચ પૂર્ણ કરવા મારી માતા થોડા ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતાં હતાં. તેઓ અમારાં કુટુંબની અતિ ઓછી આવકમાં પૂરક બનવા ચરખો ચલાવવા પણ સમય કાઢતાં હતાં. તેઓ કાલાં ફોલવાથી લઈને રૂ કાંતવા સુધીનું કામ કરતાં હતાં. આ અતિ શ્રમદાયક કામમાં પણ તેમની મુખ્ય ચિંતા એ રહેતી કે કપાસના અણીદાર કાંટા અમારા શરીરમાં ઘૂસી ન જાય.
માતા પણ એટલી જ ચીવટ ધરાવતાં હતાં. તેઓ પણ મારા પિતા સાથે જાગી જતાં હતાં અને સવારે જ ઘણા કામ પૂરાં કરતાં હતાં. અનાજ દળવાથી લઈને ચોખા અને દાળની ચાળવી – તેમાં તેમને કોઈની મદદ મળતી નહોતી. તેઓ કામ કરતાં જાય અને સાથે સાથે તેમના મનપસંદ ભજનો અને કિર્તનો ગણગણતા જાય. તેમને ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતાનું એક ભજન બહુ પ્રિય હતું – ‘જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.’ તેમને ‘શિવાજીનું હાલરડું’ પણ પસંદ હતું.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Health fact, Hiraba, PM Modi પીએમ મોદી