અમદાવાદમાં શહેર કોટડા વિસ્તારમાં દિવસે દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. કાયદાનો જાણે કંઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો ખુલ્લેઆમ તલવારો અને ધારદાર હથિયારો સાથે ફરી રહ્યા છે. પોલીસે સીસીટીવીને આધારે બે લોકોની ધરપકડ કરી છે.

તોડફોડ કરનારા આરોપીઓ
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં આરોપીઓ બેફામ બની રહ્યા છે. રીતસર હપ્તાખોરીનું દૂષણ ચાલી રહ્યુ છે. જેનો ભોગ ત્યાંના નિર્દોષ સ્થાનિકો બની રહ્યા છે. અમદાવાદમાં શહેર કોટડા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ગુનાહિત માનસ ધરાવતા અસામાજિક તત્વોને કાયદાનો જાણે કંઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ તલવારો અને ધારદાર હથિયારો સાથે અવારનવાર ફરતા જોવા મળે છે. જેના કારણે અહીંના સ્થાનિકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.
આરોપીઓને હપ્તો ન ચુકવાય તો વેપાર ધંધો નથી કરી શક્તા લોકો
આરોપીઓ એટલી હદે બેફામ બન્યા છે કે લોકોને ધંધો વેપાર કરવા પણ હપ્તો આપવો પડતો હતો. લોકો હપ્તો આપતા પણ હતા, પરંતુ સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સિલરના પતિએ હપ્તો ન આપતા આ લુખ્ખા તત્વોએ આવેશમાં આવી ગયા અને એ વિસ્તારમાં તેમની ઓફિસ, ઘર અને વાહનોમાં તોડફોડ કર નાસી ગયા હતા. આતંકની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફુટેજને આધારે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
સૈજપુરના કાઉન્સિલરના પતિએ હપ્તો ન આપતા વાહનોમાં કરી તોડફોડ
હપ્તો ન આપતા આરોપીઓએ આરોપીઓએ એટલી હદે બબાલ કરી કે એક ટીઆરબી જવાન પર પણ હથિયારોથી હુમલો કરી તેની હત્યાની કોશિષ કરી હતી. ત્યારે હવે પોલીસે આ ગુનામાં મોતીસિંગ ઉર્ફે હાપુ કુશવાહ અને દિપેશ સિકરવારની ધરપકડ કરી છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. છતાં પોલીસનો કાબુ ન રહેતા ફરી એકવાર આરોપીઓએ આતંક મચાવ્યો. અહીંના લોકોમાં પણ આ ગેંગનો ભય છે. આરોપીઓ અવાર નવાર દારૂ પી ને કે અન્ય નશા કરી લોકો પાસે હપ્તા માંગતા અને ન આપનારને માર પણ મારતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.
એક તરફ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે, ત્યારે શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગુનેગારોનો આતંક વધ્યો છે. લૂંટ, ચોરી, મારામારી અને હત્યાની કોશિષ સહિતના અનેક એવા ગુના બન્યા જેમાં પોલીસની ગેરહાજરી સ્પષ્ટ રીતે જોવા મળી. ત્યારે હવે આવા અસામાજીક તત્વો પર પોલીસ ક્યારે કાબુ મેળવે છે તે જોવાનું રહેશે.