High facility of Health Aid Center and Blood Donation Yagya in Pramukh Swami Maharaj Nagar AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: પ્રમુખસ્વામી મહારાજ નગરમાં નારાયણ માર્ગ અને શાંતિ માર્ગ ઉપર બે આરોગ્ય કેન્દ્ર આવેલા છે. અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે. ત્યારે આપાત પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક સારવાર મળી શકે એ હેતુથી નગરમાં બે જગ્યાએ આરોગ્ય સહાયની સુવિધા ઊભી કરવામાં આવી છે.

માહિતીનું પ્રદર્શનમાં અદ્યતન સાધન સુવિધાઓથી સજ્જ સંસ્થાની 7 મોટી હોસ્પિટલોની માહિતી છે

આ સહાય કેન્દ્રમાં આપણે જ્યારે દાખલ થઈએ ત્યારે બન્ને બાજુ સંસ્થા દ્વારા સમાજ સેવાના ભાગરૂપે જે મેડિકલ સેવાઓ આપેલી છે તેની માહિતીનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તેની અંદર સંસ્થાની 7 મોટી હોસ્પિટલો અદ્યતન સાધન સુવિધાઓથી સજ્જ મુંબઈ, વડોદરા, બોટાદ, અટલાદરા, સુરત, ચાણસદ, અમદાવાદ અને ડભોઈ આ હોસ્પિટલની માહિતી છે.

અહીં લાભાર્થી દર્દીઓની સંખ્યા 81,16,540 છે. આ સાથે સાથે ફરતા દવાખાનાઓમાં 11 મોટરવાન દ્વારા 133 ગામમાં દર અઠવાડિયે 2800 કિલોમીટર ફરીને નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. એમાં આજ સુધીમાં કુલ લાભાર્થીઓની સંખ્યા 56,07,434 છે. આવી સેવા ટુંક સમયમાં સંસ્થા દ્વારા રાજસ્થાનમાં પણ ચાલુ થવાની છે.

આજ સુધીમાં કુલ 56,07,434 લાભાર્થીઓએ નિઃશુલ્ક સારવાર લીધી

સંસ્થા દ્વારા ડાયગોન્સટિક કેમ્પમાં શિબિરોની કુલ સંખ્યા 1277 છે. જેમાં લાભાર્થીઓની સંખ્યા 2,91,000 છે. સંસ્થાએ 10 થી વધારે આરોગ્યલક્ષી પ્રકાશનો પ્રકાશિત કરેલ છે. જેની 2,80,000 થી વધુ કોપીઓનું વિતરણ કર્યું છે. આ સાથે સંસ્થા દ્વારા અત્યાર સુધી ડૉક્ટર્સે 185 મેડિકલ આધ્યાત્મિક પરિષદ કરેલી છે. જેમાં 57,558 તબીબોએ હાજરી આપી હતી. આ સાથે મેડિકલ આધ્યાત્મિક વિદ્યાર્થી કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં 4840 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં કોરાના સહાય કાર્ય આ પ્રમાણે કરેલ છે

1300 થી વધારે ઓક્સિજન કન્ટેનરનું દાન કર્યું. 132 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજનનું દાન કર્યું. અટલાદરા હોસ્પિટલમાં 500 પથારીની સુવિધા કરવામાં આવી હતી. 250 થી પણ વધારે હોસ્પિટલમાં વિવિધ સ્તરે દેશ-વિદેશમાં સહયોગ આપ્યો હતો. 2 લાખ દર્દીઓને મોબાઈલ દવાખાના દ્વારા સહાય કરવામાં આવી હતી. 1.80 હજાર પી.પી.ઈ. કીટનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. 1000 હોસ્પિટલ બેડનું દાન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

નાની-મોટી કોઈ બીમારી સમયે લોકો પ્રમુખસ્વામી મહારાજને ફોન કરતા અને આશીર્વાદ મેળવતા

આની સાથે સાથે પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્વયં સમાજના સ્વાસ્થ્ય માટે રાત-દિન ચિંતા કરતા. તેમણે દર્દીઓને પત્રો દ્વારા, રૂબરૂ મુલાકાત અને ફોન પર હુંફ અને પ્રેરણા આપી છે. જ્યારે કોઈને નાની-મોટી કોઈ બીમારી આવતી અને તેઓ જ્યારે પ્રમુખસ્વામી મહારાજને ફોન કરતા તે વખતે પ્રમુખસ્વામી મહારાજ આશીર્વાદ આપતા.

એ આશીર્વાદને લઈને હરિભક્તોને ખૂબ હુંફ અને પ્રેરણા પ્રાપ્ત થતી. એ અનુભૂતિ પુનઃ પ્રાપ્ત કરવા, એની સ્મૃતિ કરવા અહીં તેના પ્રતીકરૂપે આરોગ્ય સહાય કેન્દ્રમાં એક ટેલિફોન રાખવામાં આવેલ છે. જ્યારે આપણે રીસીવર ઊંચુ કરીએ ત્યારે સામેથી પ્રમુખસ્વામી મહારાજના આપણને એક દિવ્ય આશીર્વાદ સાંભળવાનો લાભ પ્રાપ્ત થાય છે.

અહીં ઉપલબ્ધ નિઃશુલ્ક મેડિકલ સેવાનો લાભ પ્રાપ્ત કરવા માટે દર્દીએ ઓ.પી.ડી. વિભાગમાં સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ ડૉક્ટર અને તેમની ટીમ તેની પ્રાથમિક તપાસ કરશે. તેમજ સામાન્ય બિમારી માટે ડોક્ટર દ્વારા સૂચિત દવાઓ ત્યાં જ દર્દીઓને નિઃશુલ્ક પ્રાપ્ત થશે. ગંભીર અને ઈમરજન્સી કેસમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપીને મોટી હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

રક્તદાન યજ્ઞ :

બન્ને આરોગ્ય કેન્દ્રમાં સંતો, સ્વયંસેવકો અને સદભાવીઓ રક્તદાન કરી શકશે. આ રક્તદાનની શરૂઆત 15 ડિસેમ્બરથી થયેલ છે. જે 15 જાન્યુઆરી સુધી ચાલશે. અત્યારે પ્રતિદિન 250 થી 300 શીશી રક્તદાન આવે છે.

નાના નાના મેડિકલ યુનિટની માહિતી:

આ સાથે આ બન્ને આરોગ્ય સહાય કેન્દ્ર ઉપરાંત સ્વયંસેવકોના ઉતારા ઉપર જેમ કે પ્રમુખહૃદય, ભક્તિહૃદય, યોગીહૃદય એ ઉપરાંત અન્ય સ્કીમો કે જેમાં સ્વયંસેવકોના ઉતારા છે. એ જગ્યાએ 24 આરોગ્ય સહાય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. નગરની અંદર 6 ફરતા દવાખાના પણ કાર્યરત છે અને 450 ભાઈઓ તથા બહેનો દ્વારા મેડિકલ સ્ટાફ સેવા આપવા માટે ઉપલબ્ધ છે.

આમાં એલોપેથિક, આર્યુવેદિક, હોમ્યોપેથિક, ડોક્ટર્સ ઉપરાંત ફાર્મોસ્ટ્રિક, નર્સ સ્ટાફ, ડોક્ટરોના સહાયક કંપાઉન્ડર સ્ટાફ પણ ઉપલબ્ધ છે. અહીં સેવા આપનારા ડૉક્ટર્સ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત છે. જેમ કે કાર્ડિઓલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ઇન્ટેન્સિવ, ફિઝિયોથેરાપી, ગાયનોલોજિસ્ટ, સર્જન, પીડીયાટ્રીક, ઈએનટી સર્જન, ડેન્ટલ સર્જન, રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ.

આ તમામ નિષ્ણાંત ડોક્ટરો પોતાના ક્ષેત્રના મેજર ઓપરેશન કે તબીબી સારવાર અહીં આપશે તેવું નથી. પરંતુ તેઓ પોતાના ક્ષેત્રના નિષ્ણાંત હોવા છતાં અહીં પ્રાથમિક તપાસ, નાની-મોટી બીમારીની સારવાર અંગેનું માર્ગદર્શન અને દવાઓનું સૂચન કરશે. આમાંના અમુક ડોક્ટર કે જે પોતાની હોસ્પિટલ પણ ધરાવે છે. જ્યાં એમને મળવા માટે દિવસો આગાઉ સમય લેવો પડે છે.

પીવા માટેનું પાણી પણ તેમના સહાયકો આપતા હોય એવા ડૉક્ટરો અહીં નગરમાં સેવા-ભાવનાથી ખુરશી મૂકવી, દવા આપવી, કેસ કાઢવો વગેરે તો કરે જ છે. પરંતુ જ્યારે આ નગરમાં સહાય કેન્દ્ર બની રહ્યું હતું ત્યારે પણ લાદી ચોટાડવાનું કામ, કાર્યાલય ઊભું કરવામાં જરૂરી તમામ શારીરિક સેવાઓ કરવી વગેરે તેઓ ઉત્સાહથી કરતા હતા. નિષ્ણાંત ડોક્ટર હોવા છતાં તેઓ નાઈટ ડ્યુટી કે ગમે ત્યારે 24 કલાક ઉપલબ્ધ રહે છે.

આકસ્મિક અથવા તો નગરમાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી થાય ત્યારે ત્રણ ઇમરજન્સી નંબર ડિસપ્લેમાં સમયાંતરે પ્રદર્શિત થતા રહે છે. જેના નંબર આ મુજબ છે : 7069061900, 7069061901, 7069061902. આ નંબર ઉપર કોઈપણ વ્યક્તિ સંપર્ક કરી તાત્કાલિક લાભ લઈ શકશે.

આ નંબર ઉપર ફોન થતાં જ ત્યાં ઉપલબ્ધ સારવાર સેવા તાત્કાલિક એ દર્દીને સંપર્ક કરીને સારવાર આપવાનું શરૂ કરી દેશે અને જરૂરી ટેસ્ટિંગ પણ નિઃશુલ્ક કરી આપશે. સ્વયંસેવકો અને આવનાર તમામ દર્શનાર્થી માટે તે સેવા તદ્દન ફ્રી રહેશે. નગરની આ આરોગ્ય સેવામાં પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સુત્ર બીજાના ભલામાં જ આપણું ભલું છે એ પડઘાઈ રહ્યું છે.

ડૉક્ટર ગુંજન મોદીએ જણાવ્યું કે અહીં દરરોજ 1 થી 2 હજાર લોકો અને 10 ટકા દર્દીને વધુ તકલીફ હોય તેવા પણ અહીં સારવાર માટે આવે છે. અહીં નાની-મોટી દરેક પ્રકારની બીમારીની તપાસ, માર્ગદર્શન અને સારવાર કરવામાં આવે છે. જો કોઈ ઇમરજન્સી હોય તો ઇમરજન્સી વિભાગમાં દર્દીને સારવાર આપી જે તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

આ માટે અહીં ડૉક્ટરો, નર્સિંગ અને પેરામેડિકલ સહિત કુલ 400-500 નો મેડિકલ સ્ટાફ છે. અહીં કેટલાક ડૉક્ટર સર્જન, કાર્ડિયોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ સેવામાં જોડાયા છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav