GTUના કુલપતિના ટર્મ પૂરી 2 દિવસ બાકી છતાં સર્ચ કમિટી ન રચાઈ, કોણ ઊંઘતું રહ્યું? NSUIનો ઉગ્ર વિરોધ | 2 days left for the term of the Chancellor of GTU, but the search committee is not formed, Strong opposition to NSUI

13 મિનિટ પહેલા

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) રાજ્યની સૌથી મોટી સરકારી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે. સર્ચ કમિટીની રચના કરીને નવા કુલપતિની પસંદગી કરવામાં આવે છે, પરંતુ કુલપતિ તરીકે નવીન શેઠના હવે 2 દિવસ બાકી છે. છતાં કોઈ સર્ચ કમિટી બનાવવામાં આવી નથી તો હવે નવા કુલપતિની નિમણૂક થશે કે નહીં તેને લઈને સવાલ થઈ રહ્યા છે. જોકે, આ મામલે NSUI દ્વારા GTUમાં ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટી સરકાર સાથે પરામર્શ કરી કમિટી બનાવે છે
ડિસેમ્બર મહિનાના અંતમાં GTUના કુલપતિ તરીકે નવીન શેઠની ટર્મ પૂરી થવાની છે. જ્યારે કુલપતિની ટર્મ પૂરી થવાની હોય તેના 3 મહિના અગાઉ જે તે યુનિવર્સિટી દ્વારા સરકાર સાથે પરામર્શ કરીને સર્ચ કમિટી બનાવવામાં આવે છે. સર્ચ કમિટીના ત્રણ નામ સરકારને આપવામાં આવે છે. સરકાર દ્વારા ત્રણ નામમાંથી એક નામ ફાઇનલ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી GTU માટે કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી.

રજિસ્ટ્રાર ખુલાસો ન આપે તો NSUIની રાજીનામાની માગ
આ માટે GTUના રજિસ્ટ્રારની જવાબદારી બને છે કે તેમને સરકાર સામે સર્ચ કમિટી માટેનો પ્રસ્તાવ મુકવાનો હોય છે, પરંતુ GTUના રજિસ્ટ્રાર કે.એન ખેર દ્વારા સરકારને કોઈ રજૂઆત પણ કરવામાં આવી નથી. આ મામલે NSUI દ્વારા GTUમાં આંદોલન પણ કરવામાં આવ્યું હતું. NSUI દ્વારા રજીસ્ટાર પાસે સર્ચ કમિટી બનાવવા ખુલાસો મંગવામાં આવ્યો છે. જો રજિસ્ટ્રાર ખુલાસો ના આપી શકે તો તેમના રાજીનામાની માંગ કરી છે.

NSUIને આશંકા GTUમાં ઈન્ચાર્જ કુલપતિ બેસાડી દેવાશે
NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, હજુ સુધી નવા કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવી નથી, તેનો અર્થ એ જ છે કે જૂના કુલપતિની ઇન્ચાર્જ કુલપતિ બનાવીને GTUમાં શાસન કરવામાં આવશે. 3 મહિના અગાઉ કરવાની પ્રક્રિયા હજુ કરવામાં આવી નથી, માટે રજિસ્ટ્રાર પણ આ માટે જવાબદાર છે તો તેમને રાજીનામું આપવું જોઈએ.

રજિસ્ટ્રાર કહે છે સર્ચ કમિટી સરકારે બનાવવાની હોય
GTUના રજિસ્ટ્રાર કે.એન ખેરે જણાવ્યું હતું કે, સર્ચ કમિટી હજુ બની નથી. સરકાર તરફથી બનાવવાની હોય છે, પરંતુ કોઈ જાણકારી અમને આપવામાં આવી નથી.સર્ચ કમિટી બનાવી જોય તે અંગે પણ મને જાણ નથી.

14 ડિસેમ્બરે શેઠને ARD સેલમાં ડાયરેક્ટર બનાવાયા
GTUના કુલપતિ નવીન શેઠની એસ્ટેબલિશમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેલમાં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કુલપતિનો 31 ડિસેમ્બર કાર્યકાળ પૂરો થવાનો છે, છતાં 14 ડિસેમ્બરે તેમને સેલના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. જોકે નવીન શેઠે જણાવ્યું હતું કે, જે GTUના કુલપતિ હોય તેમને સેલમાં ડાયરેક્ટર બનાવવામાં આવે છે, જેથી હવે નવા કુલપતિની નિમણૂકમાં ત્રણ મહિના જેટલો સમય થશે માટે ત્રણ મહિના સુધી કુલપતિ નવીન શેઠે સેલમાં ડાયરેક્ટર તરીકે પણ રહેશે.

અન્ય સમાચારો પણ છે…