વલસાડ29 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા IED યુનિટ દ્વારા દિવ્યાંગ બાળકોને જરૂરી અને ઉપયોગી સાધન સામગ્રી વિતરણ કેમ્પનું આયોજન વલસાડના BRC ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 136 જેટલા દિવ્યાંગ બાળકોને વિવિધ વસ્તુઓ સહાય વિતરણ કરવામાં આવી હતી. વલસાડ અને પારડી તાલુકાના મળીને 136 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનો વિતરણ કરવામાં આવ્યાં હતા. મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી
વલસાડ અને પારડી તાલુકામાં રહેતા દિવ્યાંગ બાળકો માટે વલસાડની સમગ્ર શિક્ષા IED યુનિટ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડના 116 અને પારડીના 20 મળી કુલ 136 જેટલા દિવ્યાંગ અને જરૂરિયાતમંદ બાળકોને શોધી તેમની જરૂરિયાત મુજબના સાધનની ડિમાન્ડ મુજબ લિસ્ટ બનાવી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના પ્રયાસ થતી વલસાડ સમગ્ર શિક્ષા IED યુનિટે દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સામગ્રી આપવામાં આવી હતી.

વિવિધ અગ્રણીઓ હાજર રહ્યાં
દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને દિવ્યાંગ બાળકોનો ધીમેધીમે માનસિક અને શારીરિક વિકાસ થાય તે માટે જરૂરી એજ્યુકેશનલ અને ઉપયોગી સહાયકીટ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં વલસાડ જિલ્લા DDO અને ઇન્ચાર્જ કલેક્ટર મનીષ ગુરવાની, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, વલસાડ બ્લાઇન્ડ સ્કૂલના સંચાલક રામુ પટેલ સહિત તાલુકા અને જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ દિવ્યાંગ બાળકોના સાધન સામગ્રી સહાયકીટ વિતરણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ અને અશક્ત બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું
વલસાડના 116 અને પારડીના 20 દિવ્યાંગ બાળકો અને તેના પરિવાર સાથે બાળકોને ઉપયોગી કીટ વિતરણ કેમ્પના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઉપયોગી કીટ વિતરણ કરવામાં આવી હતી. દિવ્યાંગ બાળકોને જરૂરી અને ઉપયોગી સાધન સહાયની કીટ મળતા દિવ્યાંગ અને અશક્ત બાળકોના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું.

