ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે? | IPS PC Baranda

અમદાવાદ31 મિનિટ પહેલાલેખક: સારથી એમ.સાગર

ગુજરાતના ઇતિહાસમાં ડૉક્ટર, એન્જિનિયરથી લઈને વેપારી સુધીના વ્યક્તિઓ રાજકારણમાં આવી ગયા છે અને સફળ થયા છે. રાજકારણનો રંગ ત્રણ IPS ઓફિસરોને પણ લાગ્યો હતો. જોકે તેમાંથી બે IPSની રાજકારણની સેકન્ડ ઇનિંગ નિષ્ફળ રહી હતી. જેમાંથી એક IPS આઈ એસ સૈયદ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. બીજા હતા બીડી વાઘેલા, જેમનો ઝાલોદ બેઠક પર પરાજય થયો હતો. જોકે વડોદરાના પૂર્વ પોલીસ કમિશ્નર જસપાલસિંહ રાવપુરા બેઠક પર ચૂંટાઈ જીત્યા હતા અને મંત્રી પણ બન્યા હતા. રસપ્રદ વાત એ છે કે IPSઅધિકારીઓ કરતાં પોલીસ ડિપાર્ટમેન્ટના કોન્સ્ટેબલો રાજકારણમાં વધુ સફળ થયા છે. જેમાંથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (નવસારી-સાંસદ) સીટ પરથી જંગી લીડથી જીત્યા હતા જ્યારે આ ઉપરાંત જેઠા ભરવાડ (શહેરા), ભવાન ભરવાડ (લીંબડી), શામજી ચૌહાણ (ચોટીલા) બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા ચૂક્યા છે.

રાજકારણમાં વધુ એક પોલીસ અધિકારી પોતાનું નસીબ અજમાવવા ઉતર્યા છે. ગુજરાતના રિટાયર IPS પીસી બરંડાએ અરવલ્લીથી બીજી વખત ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પીસી બરંડા મૂળ ભિલોડાના વાંકાટીંબા ગામના વતની છે. વાંકાટીંબા ગુજરાત- રાજસ્થાનની સરહદ પર આવેલું ગામ છે. પીસી બરંડાનો ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અનિલ જોષિયારા સામે પરાજય થયો હતો. આ વખતે પીસી બરંડાનો કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પારઘી અને આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભગોડા વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો થશે.

નરેન્દ્ર મોદીની સિક્યુરિટી સંભાળી…
જ્યારે હું ડીવાયએસપી હતો એ વખતે નરેન્દ્ર મોદી સાથે સીએમ સિક્યૉરિટીમાં રહ્યો પછી હાલના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. એ બંનેની પ્રેરણાથી રાજનીતિમાં આવવાનો ફેંસલો કર્યો. મારી ઈચ્છા પણ પહેલેથી હતી જ. મેં એમને રજૂઆત કરી. મને કહેવામાં આવ્યું કે સારું તમે રાજનીતિમાં આવો અને આટલાં વર્ષોથી ભિલોડામાં કમળ ખીલતું નથી. અમારે સારા વ્યક્તિ અને નેતાની જરૂર છે. એ બાદ મારો સર્વે થયો. જેમાં હું આગળ હતો. એમણે કહ્યું કે ભિલોડાની સીટ પરથી તમે ચૂંટણી લડો. અમારો વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે. ડૉ અનિલ જોશીયરા વર્ષોથી સત્તારૂઢ હતા. શરૂઆતથી જ આ સીટ કોંગ્રસના ફાળે જાય છે. ગઈ વખતે મને 10 જ દિવસ મળ્યા હતા. એ વખતે સીટ આવવાની હતી પણ ક્યાંક મુશ્કેલી પડી અને વોટ ઓછા પડ્યા એટલે નિષ્ફળતા મળી.

રાજકારણમાં રસ કેમ અને ક્યારે પડ્યો?
અમારે ત્યાં ટ્રાઈબલ પ્રજા છે. આ આખો વિસ્તાર વિકાસથી વંચિત છે. તમામ ક્ષેત્રે વિકાસ થાય એ માટે હું પહેલેથી જ સામાજિક ક્ષેત્રે સેવા આપું છું. મને ખબર પડી કે મારા ગરીબ ભાઇઓની સેવા કરવી જરૂરી છે એટલે હું રાજકારણમાં આવ્યો. આઇપીએસ બનીને સમાજની સેવા તો કરતો હતો પણ એમ નોકરી દરમિયાન સમાજની સાથે રહીને કે ગામેગામ ફરી નહોતું શકાતું. લોકોની સાથે વાત પણ કરી શકાતી નહોતી. એટલે જ વીઆરએસ(વૉલન્ટરી રિટાયર સર્વિસ) લઈને લોકોની વચ્ચે જવા મળે, લોકોને મુશ્કેલીઓ પડે છે અને વિકાસથી વંચિત રહે છે એ સમાજ આગળ વધે એના પ્રયત્નો માટે રાજકારણમાં આવ્યો.

વર્ષ 2017 કાર્યકરોએ જ હરાવ્યાનો આક્ષેપ કર્યો હતો?
એ વખતે હું રાજનીતિમાં નવો આવેલો. ભારતીય જનતા પાર્ટીમાં બધા કાર્યકરો વર્ષોથી કામ કરતા હતા. (મને ઉમેદવાર બનાવ્યો) એટલે એમને થોડી નારાજગી હોઇ શકે. પણ એ વખતે જે થઈ ગયું એને વાગોળવાનો કોઈ મતલબ નથી. આ વખતે અમે બધાં સાથે છીએ. હવે કોઈ તકલીફ નથી. પાંચ વર્ષમાં તમામ નેતાઓ, કાર્યકર્તાઓ સાથે મનમેળ રાખીને ચૂંટણી લડી રહ્યા છીએ. એ પાંચ સહિત બધા જ કાર્યકર્તા અમારી સાથે છે.

એમની પર એક્શન લેવાયા હતા?
એ પાર્ટીનો વિષય હતો. મેં જે તે વખતે વાત કરી હતી. પાર્ટીનો નિર્ણય આખરી હોય છે.

આ વખતે ચૂંટણીનું રિઝલ્ટ કેવું હશે?
આપને પણ ખબર હશે કે ચૂંટણી જાહેર થઈ એ દિવસથી જ તમામ જગ્યાએ મારું ઉમળકાભેર સ્વાગત થાય છે. તમામ મતદારો ‘ગયા વખતે કરી હતી એવી ભૂલ કરવાની નથી અને વિકાસના પંથે દોડવું જોઈએ’ એ વિચારીને ખભેખભા મિલાવીને મારી સાથે ઊભા છે. તમને જ વોટ આપીને જીતડીશું એવી ચર્ચાઓ કરે છે. પહેલાં નોકરીમાં હતો ત્યારે પણ સમાજની સેવા કરતો હતો અને છેલ્લાં પાંચ વર્ષમાં મતદારો સાથે આદિવાસી મોરચાના મહામંત્રી તરીકે કામગીરી કરી છે. સતત લોકોની વચ્ચે રહ્યો છું. મારી વાતો લોકો સુધી પહોંચાડી છે. આખા રાજ્ય અને દેશની વાત તથા કોરોનામાં કરેલી કામગીરીની વાત લઈને હું નાગરિકો સુધી પહોંચી રહ્યો છું.

છેલ્લાં પાંચ વર્ષમાં તમે શું કામ કર્યું?
લોકો માટે રોડ-રસ્તા, મેડિકલની સુવિધા અને રોજગારી ક્ષેત્રે મારાથી થતાં તમામ પ્રયત્નો મેં કર્યા છે. અત્યારે પરિસ્થિતિ જોઈએ તો અમારો વિસ્તાર અનડેવલપ છે. ત્યાં શૈક્ષણિક ક્ષેત્રમાં મોડલ સ્કૂલ અને ડુંગરા જેવા વિસ્તારમાં પણ નળ સે જળની સુવિધા પ્રાપ્ત થઈ છે.

પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારમાં હાલ મોટેપાયે ધર્માંતરણ થઈ રહ્યું છે?
એ પહેલાં હતું એ વાત બરાબર છે. અત્યારે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી. મેં કાલે જ બધા સાથે મિટિંગ કરી. ભિલોડામાં ક્યાંય આવો પ્રશ્ન નથી. હાલમાં ક્યાંય નથી.

એ બધા પાછા હિન્દુ બને એ માટે કોઈ પ્રયત્ન કરશો ખરા?
અમારો વિષય આવશે એ વખતે આ બધું કરી દઇશું. બધા માણસો સાથે મળી મિટિંગ કરી જે કરવાનું થતું હશે એ કરી દઇશું.

તમને જ ટિકિટ કેમ આપી?
રાજકારણમાં આવવાની મારી ઈચ્છા જ હતી. જે મેં વ્યક્ત કરી હતી. પછી સર્વે કરવામાં આવ્યો. જેના આધારે મને ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસના અનિલ જોશીયરા જ અહિંયાથી જીતતા હતા. ભાજપના ઘણા ઉમેદવારો ચૂંટણી લડ્યા પણ જીતતા નહોતા. એમને થયું કે ભણેલો ગણેલો માણસ આપણી પાર્ટીમાં જોડાતો હોય અને ભિલોડામાં પરિવર્તન આવે એ માટે વાત થઈ હતી. એટલે વીઆરએસ લઈને મને ભિલોડાથી ચૂંટણી લડાવી.

કોણ છે પી સી બરંડા?
મૂળ ખેડૂત એવા પીસી બરંડા જીવનમાં ઘણા સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. IPS બનતાં પહેલાં ખેતીમજૂરી જેવાં કામ કર્યા બાદ શિક્ષક તરીકે પણ તેમણે નોકરી કરી હતી. તેમનું પૂરું નામ પૂનમચંદ છનાભાઈ બરંડા છે. બરંડા BA, DPed(ડિપ્લોમા ઇન ફિજિકલ એજ્યુકેશન) અને LLB સુધી ભણેલા છે. તેમનાં પત્ની ચંદ્રિકાબેન બરંડા ડેપ્યુટી કલેકટર હતાં. જેમણે પણ બરંડાની જેમ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. તેમના પરિવારમાં ચાર ભાઈઓ છે. તેમનાથી મોટા બે ભાઈઓ સૂરજીભાઈ બરંડા, ચંદુભાઈ બરંડા Dysp હતા અને તેમનાથી નાના ભાઈ રમણભાઈ બરંડા શામળાજી વિદ્યાલયમાં આચાર્ય હતા. હવે તે ચારે રિટાયર છે. તેમનાં માતાપિતા વાંકાટીંબા ગામમાં પહેલેથી જ ખેતીકામ કરતાં હતાં.

આઇપીએસ બનવાની સફર
બરંડા કહે છે કે આઇપીએસ બનવા સુધીની સફરમાં ઘણી સ્ટ્રગલ કરી. કારણ કે અમારો આખો વિસ્તાર ટ્રાઈબલ એરિયા છે. મારું પ્રાથમિક શિક્ષણ અહિયાં જ થયું. એ પછી આગળ ભણવા અમે ભાઈઓ સરડોઇ અને ડોડિસરા ગયા. મારી કોલેજ મોડાસામાં હતી. એ બાદ અમે ભાઈઓએ GPSCની પરીક્ષા પાસ કરી. Dysp બન્યા બાદ રિટાયર થયા છીએ.

વૉલીબૉલની રમતે જીવન બદલ્યું
વર્ષો પહેલાંની વાત છે. શરૂઆતથી જ ગામમાં ગરીબ પ્રજા હતી. મારાં બા-બાપુજી ભણેલાં નહોતાં. એમણે મજૂરી કરીને અમને ભણાવ્યાં. એ વખતે ઉનાળામાં અમે બધાં પણ મજૂરી કરવા જતાં હતાં. નવું સત્ર શરૂ થાય ત્યારે પાછા ભણવા જતાં. માતાપિતા બધું કરી શકે એમ નહોતાં. એ બધું જોઈને અમને સમજણ પડી ત્યારથી જાતે જ પોતાનો ખર્ચો ઉપાડતા. ભણતર દરમિયાન હું સ્પોર્ટ્સમાં જતો હતો એનો મને મોટામાં મોટો ફાયદો થયો. વૉલીબૉલની રમતમાં નેશનલ લેવલનો ખેલાડી છું. અમે બધા ભાઈઓ યુનિવર્સિટી પ્લેયર છીએ. રમત દરમિયાન તમામ ક્ષેત્રના ઘણા મોટા લોકો સાથે મળવાનું થયું. ત્યાંથી અમને પ્રેરણા મળી. એને કારણે જ અમે અહિયાં સુધી પહોંચી શક્યા છીએ. અમે વૉલીબૉલના સ્ટેટ પ્લેયર હતા અને ગુજરાત યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરફથી પણ રમતા હતા.

એ પહેલાં ક્યાં નોકરી કરી?
બીપીએડ થયા બાદ 1991થી 1996 સુધી વડોદરાની નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટીચર તરીકે છ વર્ષ નોકરી કરી. એ પછી GPSCની પરીક્ષા પાસ કરી એટલે Dysp તરીકે સિલેક્ટ થયો. બાદમાં જૂનાગઢ ખાતે ટ્રેનિંગ થઈ. ત્યાર પછી આખા ગુજરાતમાં Dysp અને SP તરીકે નોકરી કરી. જે દરમિયાન પ્રમોશન પણ આવ્યાં. છેલ્લે હું છોટા ઉદેપુર ખાતે SP તરીકે હતો.

વર્ષ 2017માં મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભિલોડાથી જ ચૂંટણી લડી હતી. એ પછી અત્યારે પણ ભાજપ તરફથી મારી પસંદગી કરવામાં આવી. વર્ષ 2017માં મે 84000 જેટલા વોટ મેળવ્યા હતા જ્યારે મારા પ્રતિસ્પર્ધી (અનિલ જોશિયારા)એ 94000 જેટલા વોટ મેળવ્યા હતા એટલે 10 હજાર જેટલા વૉટના અંતરથી જ સફળ થતા રહી ગયો.

અમદાવાદમાં એટીએમ ઉપાડીને લઈ જનાર ચોરોને પકડ્યા
સીએન વિદ્યાલય, આંબાવાડીમાં અમદાવાદ ખાતે મે મારું બીપીએડનું શિક્ષણ લીધું હતું. પછી પોલીસ તરીકે શરૂઆત થઈ ત્યારે અમદાવાદમાં હું SOG DCP તરીકે હતો. એસઓજીમાં હતો એ વખતે મણિનગરમાંથી ચોરલૂંટારુ આખેઆખું એટીએમ ઉપાડીને લઈ ગયા હતા. એ કેસ અમે ડિટેક્ટ કર્યો હતો. મણિનગરમાં પણ 3 વર્ષ સુધી સેવા બજાવી. એ વિસ્તારમાં આપણા વડાપ્રધાન એ વખતે સીએમ તરીકે ચૂંટણી લડતા હતા. એમની સાથે અને એમની માટે ઘણું કામ કરેલું છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post