મહાપાલિકાના સ્વિમિંગ પૂલની મેમ્બરશિપ શરૂ | Municipal swimming pool membership started

મુંબઈ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 3 જાન્યુઆરીથી ફરીથી નવી ત્રિમાસિક-માસિક બાદ નવી મેમ્બરશિપ ખૂલશે

મહાપાલિકાના સ્વિમિંગ પૂલની ફી સસ્તી પડતી હોવાથી પ્રવેશ ખૂલતાં જ જગ્યા ભરાઈ જાય છે. આથી મહાપાલિકા દ્વારા નવા વર્ષમાં મુંબઈગરાને ભેટરૂપે સાત નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મૂકવાની અને હવે મોજૂદ પૂલ માટે ત્રિમાસિક અને માસિક મેમ્બરશિપ શરૂ કરવાની પણ ઘોષણા કરી છે.

મહાપાલિકાના ચાર સ્વિમિંગ પૂલ માટે હમણાં સુધી વાર્ષિક મેમ્બરશિપ જ અપાતી હતી. જોકે મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના આદેશથી અને પૂર્વ ઉપનગરનાં એડિશનલ કમિશનર અશ્વિની ભિડેના માર્ગદર્શનમાં હવે ત્રિમાસિક અને માસિક મેમ્બરશિપ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. મેમ્બર તેની સાથે એક મહેમાનને જરૂરી દૈનિક ફી ભરીને લાવી શકશે. મેમ્બરશિપ મળી નહીં શકે તેમને માટે ઓનલાઈન પ્રતિક્ષા યાદીનો વિકલ્પ પણ હવે રજૂ કરવામાં આવ્યો છે.

આ સાથે પૂલમાં એક વિશિષ્ટ સમયે કેટલા મેમ્બરો છે તેની જાણકારી ઉપલબ્ધ થાય તે માટે ઓનલાઈન પદ્ધતિથી લાઈવ ડેશબોર્ડ પણ કાર્યરત કરાશે, એમ ઉદ્યાનના ડેપ્યુટી કમિશનર કિશોર ગાંધીએ જણાવ્યું હતું.દરમિયાન 3 જાન્યુઆરીથી ફરી નવી મેમ્બરશિપ શરૂ કરાશે. મહાપાલિકાની સ્વિમિંગ પૂલની સાઈટ પર નોંધણી કરવાની રહેશે, જેમાં વાર્ષિક, ત્રિમાસિક અને માસિક ફી ભરવાની રહેશે. આ પછી નિર્ધારિત સમયમાં પૂલના કાર્યાલયમાં તબીબી પ્રમાણપત્ર, આધારકાર્ડ, ફી ભર્યાની રસીદનો નંબર રજૂ કરવાનો રહેશે, જે પછી મેમ્બરને એક્ટિવ કરાશે. સ્વિમિંગ પૂલનો સમય સવારે 6થી 11 અને સાંજે 6થી 10 રહેશે.

મહિલાઓ માટે સવારે 11થી બપોરે 12 અને સાંજે 5થી 6 અનામત રહેશે. એક મેમ્બર 60 મિનિટ સુધી પૂલમાં રહી શકશે, જેનાથી વધુ સમય લેશે તો આગામી સત્રમાં તેટલો સમય ઓછો થઈ જશે.મહાપાલિકા દ્વારા દહિસર વેસ્ટ કાંદરપાડા, મલાડ વેસ્ટ ચાચા નેહરુ મેદાન, અંધેરી વેસ્ટ ગિલ્બર્ટ હિલ, અંધેરી ઈસ્ટમાં કોંડિવિટા ગાવ, વરલીમાં વરલી જળાશય ટેકડી, વિક્રોલી પૂર્વમાં ટાગોર નગર, વડાલા અગ્નિશમન કેન્દ્ર ખાતે સાત નવા સ્વિમિંગ પૂલનું કામ પુરજોશમાં ચાલુ છે, જે પછી તુરંત લોકાર્પણ કરાશે.

કયા પૂલમાં કેટલી જગ્યા
3 જાન્યુઆરીથી ખુલ્લી મુકાનારી મેમ્બરશિપ માટે દાદરમાં 700 વાર્ષિક મેમ્બર અને 825 ત્રિમાસિક મેમ્બર, ચેમ્બુરમાં 350 વાર્ષિક અને 550 ત્રિમાસિક, દહિસર પૂર્વમાં 330 વાર્ષિક અને 275 ત્રિમાસિક, કાંદિવલી પશ્ચિમમાં 2178 વાર્ષિક અને 550 ત્રિમાસિક મેમ્બરશિપ માટે જગ્યાઓ ભરવામાં આવશે, એમ મહાપાલિકાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post