Tuesday, December 20, 2022

પશુ માલિકોને પોતાના પશુઓના રજીસ્ટ્રેશન કરવા હુકમ; પ્લાસ્ટીક્સની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ | Ordering cattle owners to register their cattle; Ban on all plastic items

સાબરકાંઠા (હિંમતનગર)14 મિનિટ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં કલેકટરે આજે વિજયનગરના પોળોમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુ પર પ્રતિબંધ અને જીલ્લામાં પશુ માલિકોએ પોતાના પશુઓના રજીસ્ટ્રેશન કરાવવા માટેનું એમ બે જાહેરનામાં બહાર પાડ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ 1951ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 તથા 188 હેઠળ સજા તથા દંડને પાત્ર થશે.

રખડતા પશુઓને નિયંત્રણ કરવા જાહેરનામું
જિલ્લામાં જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓના કારણે ટ્રાફિકને અડચણ તથા વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા સારું અને નામદાર હાઇકોર્ટના દિશા-નિર્દેશ મુજબ 30 ડીસેમ્બર 2022થી 18 ફેબ્રુઆરી 2023 સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં રખડતા પશુઓને નિયંત્રણ કરવા તેમજ પશુમાલિકોની જવાબદારી અને ઓળખ નક્કી કરવા માટે પશુઓ પર ટેગ અને ચીપ લગાડી માલિકી રજીસ્ટ્રેશન કરાવવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરવા હુકમ
જિલ્લામાં વસવાટ કરતા તમામ પશુઓના (ગાય, ભેંસ વગેરે) માલિક, ગોપાલકોએ આ જાહેરનામું પ્રસિદ્ધ થયેથી પોતાની માલિકીના તમામ પશુઓને અત્રેના જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાડવી. પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવી લેવા હુકમ કરવામાં આવ્યો છે. ટેગ કે ચીપ લગાડેલ પશુની માલિકી બદલાય તો એટલે કે, આવા રજીસ્ટ્રેશન કરાવેલ પશુના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષિસ અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય કે પશુનું મરણ થાય તો તેની જાણ જે તે પશુના માલિકે તેઓના વિસ્તારની નગરપાલિકા અને ગ્રામપંચાયતને કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ 1951ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ સજા તથા દંડને પાત્ર થશે તેવું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
સાબરકાંઠાનુ કાશ્મીર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌદર્યના કારણે ઉજવાતા પોળો ઉત્સવમાં સમગ્ર ગુજરાતથી અનેક લોકો આ જંગલની મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમા મોટા ભાગે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ થાય છે. પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતુ નુકશાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ તા.1 જાન્યુઆરી 2023 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે…