બોટાદ15 મિનિટ પહેલા
રાણપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શાળાના શિક્ષક દ્વારા શારીરિક અડપલા કરતા પરિવાર તેમજ સમાજના આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશનને પહોંચી આરોપી શિક્ષક જાવેદ અશરફ ચુડાસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ સાથે આજરોજ ગામમાં જાહેરમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં પરિવાર તેમજ સમાજની માંગ સાથે આવતીકાલે રાણપુર બંધ રહેશે તે પ્રમાણેની જાહેરાત કરવામાં આવી છે.

આરોપી
વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આવેલ રુકમણી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ જ શાળાના શિક્ષક જાવેદ અશરફ ચુડાસરા દ્વારા શારીરિક અડપલા કરી વિદ્યાર્થીનીને ટેન્શન પ્રકારે હેરાન અને પરેશાન કરતો હતો. તેમજ જો આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપી વિધર્મી શિક્ષક દ્વારા આપવામાં આવી હતી. જેના ડરના કારણે આ વિદ્યાર્થીની દ્વારા બે મહિના પહેલા આશરે બનેલી આ ઘટનાની કોઈને જાણ કરેલ નહીં. ત્યારબાદ વિદ્યાર્થીની દ્વારા પરિવારને જાણ કરતા પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો દ્વારા રાણપુર પોલીસ સ્ટેશને પહોંચી આરોપી શિક્ષક વિરોધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં રાણપુર પોલીસ દ્વારા 354 તેમજ પોસ્કો એક્ટ મુજબ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો.
રાણપુર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય
શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિધર્મી શિક્ષક જાવેદ અશરફ ચુડાસરા દ્વારા કરવામાં આવેલ આ કૃતિઓને લઈ આવતીકાલે રાણપુર સજ્જડ બંધ રાખવાની કોળી સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદના બોટાદ જિલ્લાના પ્રમુખ સતુભા ધાંધલ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આ આરોપીને તાત્કાલિક તેમની ફરજમાંથી મુક્ત કરી અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આ આરોપી તેમજ તેમને મદદ કરનાર જે લોકો હોય તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવતીકાલે રાણપુર સજ્જડ બંધ રહેશે અને વિશ્વ હિન્દુ પરિષદ પણ આ પીડિત પરિવારની સાથે રહેશે તેવું નિવેદન આપ્યું હતું.