Tuesday, December 20, 2022

હિંમતનગરના PIને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શો-કોઝ નોટીસ ફટકારી, આરોપી સામે કાર્યવાહી ન કરવા અંગે ખુલાસો માંગ્યો | Ahmedabad village court issues show-cause notice to Himmatnagar PI, seeks explanation for not taking action against accused

અમદાવાદ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચેક રિટર્ન કેસમાં આરોપી ડો. હિરલ પટેલ સામે પકડ વોરંટ બજાવવામાં કસુર કરવા બદલ અમદાવાદ રૂરલ મિરઝાપુર કોર્ટના જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ નરેન્દ્ર કુમારે હિંમતનગર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તેમને ક્રિમિનલ પ્રોસીજન કોડની કલમ 345 હેઠળ દંડ કેમ ન ફટકારવો તે અંગે ખુલાસો રજૂ કરવા શો-કોઝ નોટીસ ફટકારી છે. અને તમારી સામે કાયદાકીય પગલાં ભરવા માટે તમારા ઉપરી અધિકારીને જાણ કેમ ના કરવી તે અંગે પણ ખુલાસો કરવા નોટીસમાં જણાવાયું છે. સાથોસાથ આ નોટીસ મળ્યાંને 30 દિવસની અંદર કોર્ટમાં હાજર થઇને ઉપરોક્ત બાબતે ખુલાસો કરવો. જો હાજર નહીં રહો તો તમારે કાંઇ કહેવાનું નથી તેમ સમજીને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ નોટીસ બજાવવા માટે સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને બજાવવા માટે આપવામાં આવી છે. હવે પછીની મુદત 27 જાન્યુઆરી-2023ના રોજ નિયત કરવામાં આવી છે.

ફંડ ઇનસફીસીયન્સના શેરા સાથે ચેક પરત ફર્યો
અમદાવાદના થલતેજ શિલજ રોડ પરના ગણેશ કોર્પોરેટ હાઉસ પાસે શિવ ગણેશ-2માં એથેન કેમીકલ્સ પ્રા.લી. આવેલી છે. આ કંપની દ્વારા જુદા જુદા પ્રકારના કેમીકલ્સના ઉત્પાદન, સપ્લાય, વેચાણ તથા ફાર્માસ્યુટીકલ રો મટીરીયલ્સ તથા દવાઓ ખરીદ વેચાણ કરવાના ધંધા સાથે સંકળાયેલા છે. આ કંપની પાસેથી પારસ કલીનીકને જુદા જુદા પ્રકારની 5,85,178 કિંમતની દવાઓનો માલ 7-12-2017ના રોજ આપવામાં આવ્યો હતો. જે બદલ પારસ કલીનીક તરફથી કોર્પોરેશન બેંક, હિંમતનગર શાખાનો તા. 12-1-2018ની તારીખનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક બેંકમાં ભરવામાં આવ્યો હતો. જેમાં ફંડ ઇનસફીસીયન્સના શેરા સાથે પરત ફર્યો હતો. જેની જાણ એથેન કેમીકલ્સ પ્રા.લી. તરફથી પારસ કલીનીકને કરવામાં આવી હતી.

કલમ 138 મુજબ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ
પારસ મેડિકલના ડો. હિરલ પટેલે માફી માંગીને જણાવ્યું હતું કે, હું ફાયનાન્સીયલ ક્રાઇસીસના કારણે ખાતામાં ફંડ જમા કરાવી શકી નથી. જેથી એપ્રિલ – 2018ના બીજા અઠવાડિયામાં ચેક જમા કરાવવા કહ્યું હતું. તેમની વાત પર ભરોસો રાખીને કંપનીએ તા. 9-4-2018ના રોજ ફરીથી ચેક બેંકમાં ભર્યો હતો. આ ચેક ડ્રોઅર્સ સિગ્નેચર ડીફરના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી આ અંગે ફરિયાદી એથેન કેમીકલ્સ પ્રા.લી. એ એડવોકેટ પ્રતિક ભટ્ટ મારફતે પારસ કલીનીકના ડો. હિરલ પટેલને નોટીસ આપીને ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

હિંમતનગરના પી.આઇ.ને શો-કોઝ નોટીસ
આ ફરિયાદમાં કોર્ટ તરફથી આરોપી પારસ કલીનીકના ડો. હિરલ પિયુષભાઇ પટેલ સામે સમન્સ જારી કર્યું હતું. ત્યારબાદ જામીન લાયક વોરંટ તેમ જ પકડ વોંરટ બજાવવા હિંમતનગર સીટી પોલીસ મથકને અવારનવાર મોકલ્યું હતું. છેલ્લે 16-11-22ના રોજ તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટના કો-ઓર્ડીનેશન વિભાગ દ્રારા મેઇલ મારફતે હિંમતનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઇ.ને મોકલવામાં આવ્યું હતું. છતાં પણ તે બજાવવામાં નિષ્ફળ જતાં આખરે ફરિયાદીના એડવોકેટની રજૂઆત બાદ કોર્ટ તરફથી હિંમતનગર સિટી પોલીસ સ્ટેશનના પી.આઇ. ને શો-કોઝ ફટકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…