જામનગર29 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગરની જૂની ચાંદી બજારમાં આવેલ સોની બજારમાં એક વેપારીની નજર ચૂકવી ગયા રવિવારે ચાંદીના રૂ.13 હજારના દાગીનાની ઉઠાંતરી થઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યારે તપાસ દરમિયાન એક મહિલા દાગીના વેચવા તજવીજ કરતી હાલતમાં મળી આવી હતી. તેણીની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા ઉપરોક્ત ચોરીનો ભેદ ખૂલી ગયો છે. પોલીસે દાગીના કબજે કરી તેણીની ધરપકડ કરી છે.
જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલી સોની બજારમાં દાગીનાની દુકાન ચલાવતા કેઝારભાઈ નામના વૃદ્ધ વેપારી ગયા રવિવારે પોતાની દુકાને હતા ત્યારે દાગીના જોવા આવેલા કોઈ ગ્રાહકે આ વેપારીની નજર ચૂકાવી ચાંદીના બે જોડી સાંકળા અને ચાંદીની લક્કી તફડાવી લીધી હતી.
આ ઘટનાની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી અને ત્યાં મુકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. તે દરમિયાન ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તેની તપાસ કરી રહ્યો હતો ત્યારે એક મહિલા કેટલાક દાગીના વેચવાની તજવીજ કરતી હોવાની બાતમી સ્ટાફના રવિરાજસિંહ એ. જાડેજા, દેવાયતભાઈ કાંબરીયા, વિક્રમસિંહ જાડેજાને મળતા પીઆઈ એમ.બી. ગજ્જરને વાકેફ કરાયા પછી પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ ધસી ગયેલી સર્વેલન્સ ટીમે લીલાબેન બધાભાઈ સોલંકી નામની પાંસઠ વર્ષની દેવીપૂજક મહિલાને અટકાયતમાં લીધી હતી.
આ મહિલાની તલાશી લેવાતા તેની પાસેથી ચાંદીની બે જોડી સાંકળા અને ચાંદીની લક્કી મળી આવી હતી. તે દાગીના અંગે પૂછપરછ કરાતા તેણીએ જૂની સોની બજારમાં એક વેપારીની દુકાનમાંથી તે દાગીના તફડાવ્યાની કબૂલાત આપી છે. મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની અને હાલમાં જામનગરમાં સાતરસ્તા સર્કલ નજીક પ્રદર્શન મેદાન પાસે વસવાટ કરતા આ મહિલાના કબજામાંથી રૂ.13 હજારના દાગીના કબજે કરી પોલીસે તેણીની ધરપકડ કરી છે.