નશો કરવા ડ્રગ્સ કે કફ સીરપ લીધું તો ગયા સમજજો, તપાસ માટે SOGએ સ્પેશિયલ કીટ ખરીદી

અમદાવાદઃ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. તેને આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 10 જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત કયા પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની પણ માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્સ કીટ પણ આવી જતા 31 ફર્સ્ટની રાતે તેનો ભરપૂર ઉપયોગ કરીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે.

10 મિનિટમાં જ ખબર પડી જશે

અમદાવાદ એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના ટેસ્ટ માટેની કીટ વસાવી લીધી છે. ગત રથયાત્રામાં ઘણાં ખરા વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ વડે ડ્રગ્સ લીધેલા હોવાની શંકાને આધારે વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. માત્ર 10 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે, વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલમાં મોકલી આપવામાં આવે છે. આ કીટની જો કિંમત વિશે વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 15 લાખ છે અને તેના ટેસ્ટિંગની વસ્તુઓની કિંમત બે હજાર છે. જેને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય છે. આ કિટ હાલ ચારેય શહેરોને આપવામાં આવી છે.’આ પણ વાંચોઃ મહિલા સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે કરી ખાસ વ્યવસ્થા

શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે

એસીપી બી.સી. સોલંકીએ આ મામલે માહિતી આપતા કહ્યુ હતુ કે, ‘અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે વસાવેલી આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા લોકો પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રૂટ પર પ્રાયોગિક ધોરણે ડ્રગ્સ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના ડ્રગ્સના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરીવાર આ કીટનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ કીટથી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં જોવા મળશે તો સૌપ્રથમ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લેવામાં આવ્યો અને ક્યાંથી લેવામાં આવ્યો છે તે અંગેની માહિતી મેળવવામાં આવશે.’

30 હજાર કિલો જેટલું ડ્રગ્સ પકડાયું

વર્ષ 2022માં ગુજરાત પોલીસે ડ્રગ્સના 471 કેસ કરી 720 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત 30 હજાર કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જ્યારે એસઓજીએ ગયા પાંચ વર્ષમાં થયેલા કેસોની સામે આ જ વર્ષમાં સંલગ્ન કેસ કરી પેડલરોની કમર તોડી નાંખી છે. માત્ર એક જ વર્ષમાં અમદાવાદ એસઓજીએ 37 કેસ કરી 1.60 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે હવે બાતમીદારોની સાથે સાથે સાયન્ટિફિક સચોટ પરિણામ મળે તેવા મશીન આવી ગયા બાદ ડ્રગ્સની બદી નાબૂદ કરવા માટે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ 31stની પાર્ટીમાં ઢીંગલી ન થઈ જતાં! જાણી લો નિયમો અને સજા

કેવી રીતે ટેસ્ટિંગ કરવામાં આવશે?

ડ્રગ્સનો નશો કરનાર લોકોની લાળ અને યુરિનના સેમ્પલ લેવામાં આવશે. ત્યારબાદ છેલ્લા 48 કલાકમાં જે પણ ડ્રગ્સ લીધું હોય તેની માહિતી મળે છે. પાંચ મિનિટ માટે મોઢામાં નોઝલ રાખવામાં આવે છે. મોંઢામાં લાળનું સેમ્પલ લેવાય છે. સેમ્પલ લીધા બાદ તે નોઝલને મશીનમાં મૂકવામાં આવે છે. મશીનમાં મૂકાયા બાદ પાંચેક મિનિટનો સમય લાગે છે. પાંચ મિનિટ બાદ તે મશીનમાં રિઝલ્ટ બતાવે છે. ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તેનો રિપોર્ટ આવે છે. આ રિપોર્ટની પ્રિન્ટ પણ નીકળે છે. ડ્રગ્સ લીધું હોવાનું પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલાય છે. ત્યારબાદ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું, ક્યાં સેવન કર્યું જેવા અલગ અલગ મુદ્દા પર તપાસ કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: 31st Dec Party, 31st december, 31st Party, Ahmedabad news, Crime news, Rajkot News, Surat news, Vadodara

Previous Post Next Post