- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Thalassemic Girl Died Of Reaction After Blood Transfusion In Rajkot Civil, Mother’s Attitude: ‘If You Ask For Blood, You Will Give It To This One..’
રાજકોટ9 મિનિટ પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસેમિક બાળકો માટે રિએક્શન સેન્ટર બન્યું હોય તેવી ઘટના સામે આવી છે. કારણ કે થેલેસેમિક દર્દીને ફિલ્ટર કરેલા LR રક્તને બદલે RCC અર્થાત ફિલ્ટર કર્યા વગરનું રક્ત ચડાવાય છે જેથી દર્દીઓમાં રિએક્શનનું પ્રમાણ વધે છે. ત્યારે રાજકોટમાં સોમવારે થેલિસિમિયાગ્રસ્ત યુવતીનું મોત નીપજ્યું હતું. મોત પાછળ રિએક્શન જવાબદાર છે કે પછી બીજા કોઇ કારણો છે તેની તપાસ ચાલી રહી છે. જયારે તેની માતાએ અશુદ્ધ રક્તને કારણે જ તેનું નિધન થયાનો આક્ષેપ કર્યો છે.
મારી દીકરીને ચોખ્ખું લોહી નથી ચઢાવ્યું
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 24 વર્ષીય વિધિબેન પીઠવાને ગત સોમવારે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં RCC બ્લડ ચડ્યા બાદ તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. જે મામલે મૃતક દર્દીના માતાએ મીડિયાને જણાવ્યું હતું કે સિવિલની બ્લડ બેન્ક ક્યારે પણ નિયમિત બ્લડ આપતી નથી અમે જેટલી પણ વખત બ્લડ આપ્યું છે એ વખતે કોઈને કોઈનું બ્લડ જમા કરાવીને આપ્યું હશે પરંતુ એક સપ્તાહ સુધી તો માત્ર એ વાતમાં જ સમય વ્યતીત થઈ જાય છે કે ક્યારે મારી દીકરીને રક્ત મળશે અને અમે લોકો રક્ત માંગી માંગીને થાકી જઈએ ત્યારે સિવિલ તંત્ર અમને રક્ત આપવા માટે તૈયાર થાય છે ખાસ તો જે દર્દીઓને થેલેસેમિયા હોય તેમને ચોખ્ખું અને શુદ્ધ લોહી જોઈએ જ્યારે મારી દીકરીને ચોખ્ખું લોહી નથી ચઢાવ્યું RCC બ્લડ ચડાવ્યું છે એના કારણે જ તેનું નિધન થયું છે.

બ્લડ બેન્ક ક્યારે પણ નિયમિત બ્લડ આપતી નથી: મૃતકના માતા
તેના પગમાં ચાંભા પડી જતા હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેને રક્ત ચડતું હતું એ વખતે જોયું હતું કે બ્લડની જે કોથળી હોય તેની અંદર લોહીના ગઠ્ઠા જામી ગયેલા હોય આવું રક્ત કઇ રીતે કોઈના શરીરમાં મોકલી શકાય જ્યારે જ્યારે આ રક્ત મારી દીકરીના શરીરમાં ગયું છે ત્યારે તેને કોઈને કોઈ રિએક્શન આવ્યું છે તેના પગમાં ચાંભા પડી જતા હતા અને હવે આવું બન્યું એક તરફ અમે રક્ત માંગી માંગીને થાકી ગયા અને જ્યારે રક્ત આપ્યું ત્યારે સાવ આ પ્રકારનું અશુદ્ધ લોહી એમને આપ્યું મારી સરકારને એટલી જ વિનંતી છે કે થેલેસેમિક દર્દીઓને જે સાધનોની જરૂર પડે છે એ સાધનો પૂરા પાડો મશીનરી પૂરી પાડો નહીંતર આ રીતે જ અમારી જેમ લોકો દુઃખ ભોગવશે.

તેના પગમાં ચાંભા પડી જતા
બાળકીનું મૃત્યુ રિએક્શનના કારણે થયું નથી: તબીબી અધિક્ષક
સોમવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ થેલિસિમિયાગ્રસ્ત બાળકીનું મોત નીપજ્યું હતું. આ યુવતીને રક્ત ચડાવ્યા બાદ રિએક્શનને કારણે ચામડી પર ચાઠા પડી ગયા હતા જે લાલ થઈ ગયા હતા. આ અંગે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું. કે ‘મોત પાછળ રિએક્શન જવાબદાર ન હોઇ શકે બીજા કારણો હશે જેની તપાસ કરવામાં આવશે.’ આ કહીને તેમણે ફિલ્ટર લોહી ન આપવા અંગે જવાબદારીથી છેડો ફાડવા પ્રયત્ન કર્યો હતો. જોકે LR બ્લડ ક્યારથી અપાશે તે પ્રશ્ન પૂછાતા તેઓએ કહ્યું હતું કે, ‘તેના માટે ખાસ મશીનની જરૂર પડે અને તે ખર્ચ મોટો હોવાથી સરકારમાં મંજૂરી માગી છે. અને આ મામલે સિવિલ તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મશીનરીના અભાવના કારણે આ ઘટના બની નથી. બાળકીનું મૃત્યુ રિએક્શનના કારણે થયું નથી. તેમ છતાં તપાસ સમિતિ યોગ્ય તપાસ કરશે.’

તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી
થેલેસેમિયા મેજર એ જીવલેણ રોગ છે
થેલેસેમિયા એક ગંભીર વારસાગત લોહીના રક્તકણોની ખામીથી થતો રોગ છે. લોહીમાં રક્તકણ તૂટેલા હોય તો એ થેલેસેમિયા મેજરના લક્ષણો છે અને જો રક્તકણ પ્રમાણમાં નાના હોય તો એ થેલેસેમિયા માઇનર છે. થેલેસેમિયા જન્મથી જ હોય છે અને જીવનપર્યત રહે છે.થેલેસેમિયા માઇનર એ રોગ નથી, પરંતુ થેલેસેમિયા મેજર એ જીવલેણ રોગ છે. પતિ-પત્નિ બન્ને થેલેસેમિયા માઇનર હોય તો તેમનું સંતાન થેલેસેમિયા મેજર થવાની શક્યતા છે. જ્યાં સુધી લોહીની ચકાસણી ન કરવામાં આવે ત્યાં સુધી એ વિશે જાણી શકાતું નથી.

મૃતકની ફાઈલ તસવીર
ફિલ્ટર યુક્ત LR બ્લડ આપવાનું હોય છે
થેલિસિમિયાના કારણે બાળકો અને તેનો પરિવાર ખૂબ જ પીડાય છે. સરકારી હોસ્પિટલ અને બ્લડ બેંક બંને સ્થળે થેલિસિમિયા માટે મફતમાં લોહી અપાય છે પણ સિવિલમાં જઈને બ્લડ ટ્રાન્સફ્યૂઝન કરાય તો તેમાં રિએક્શનની શક્યતા વધી જાય છે તેને કારણે ખાનગીમાં બ્લડ ટ્રાન્સફ્યૂઝન માટે વાલીઓ જાય છે પણ ત્યાં હંમેશા અછત જ હોય છે. સિવિલમાં રિએક્શન આવવા પાછળ કારણ એ છે કે ત્યાં RCC રક્ત અપાય છે જ્યારે થેલિસિમિયાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું ફિલ્ટર યુક્ત LR બ્લડ આપવાનું હોય છે.

પ્રતીકાત્મક તસવીર
..તે બાળકોને રિએક્શન આવે છે
થેલેસેમિક અને કેન્સરના દર્દીઓને લ્યૂકોરિડ્યૂસ બ્લડ અપાય છે જેમાં મશીન મારફત લોહીમાંથી ફક્ત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે આ LR લોહી બાદમાં થેલેસેમિક બાળકોને અપાય છે જેથી રિએક્શન ન આવે. પણ, રાજ્યમાં અમદાવાદ સિવાય એકપણ સરકારી હોસ્પિટલમાં આ સુવિધા નથી તેથી તેમને RCC એટલે કે રેડ સેલ કોન્સ્ટ્રેન્ટ અપાય છે તેમાં સફેદ કણોની માત્રા 30 ટકા કરતા પણ વધુ હોય છે આ કારણે સિવિલમાં લોહી ચડાવે તે બાળકોને રિએક્શન આવે છે.

પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ સિવિલ સિવાય મશીન કોઈ સરકારી હોસ્પિટલમાં નથી
આ રિએક્શનમાં તાવ આવવાથી માંડી સતત ખંજવાળ માથામાં દુ:ખવું સહિતના લક્ષણો અને ક્યારેક સોજા ચડવાના બનાવ પણ બને છે. તેથી વાલીઓ ખાનગી બ્લડ બેંક કે જ્યાં LR લોહી હોય ત્યાં પહોંચે છે ત્યાં આ સ્ટોક ખૂબ જ ઓછો હોય છે આ કારણે નાછૂટકે સિવિલમાં જ તરફ વળવું પડે છે.LR બ્લડ માટે બહુ મોટો ખર્ચ પણ થતો નથી તેના માટે મશીન વસાવવું પડે જેનો ખર્ચ 30-40 લાખ જેટલો થાય છે અને ત્યારબાદ એક દિવસમાં 50 બેગ LR બનાવી શકાય છે. તો શું સિવિલ તંત્ર થેલેસેમિક મેજર દર્દીઓ માટે આટલો ખર્ચ પણ નથી કરી શકતું? નોંધનીય છે કે ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ તેમની ગ્રાન્ટમાંથી આ રકમ આપી શકે છે અને સિવિલ પણ ખર્ચ કરી શકે છતાં તંત્રની ઉદાસીનતાને પગલે એક પરિવારનો જીવનદીપ બુઝાય ગયો છે. જો મશીન ન હોય તો જ્યારે દર્દીને લોહી ચડતું હોય ત્યારે બ્લડ બેગની બાજુમાં જ ફિલ્ટર કિટ મુકાય છે જે માત્ર 350 રૂપિયાની હોય છે તે પણ લોહીને ફિલ્ટર કરી તેમાંથી સફેદ કણને નસમાં જતુ અટકાવી દે છે. સમગ્ર રાજ્યમાં માત્ર અમદાવાદ સિવિલમાં જ LR રક્ત માટે ફિલ્ટર મશીન છે આ સિવાય ક્યાંય નથી.

સામાજિક આગેવાનોએ સિવિલ તંત્રને રજુઆત પણ કરી હતી
સિવિલમાં જ નિયમભંગ થઈ રહ્યો છે!
આ મામલે સામાજિક આગેવાનોએ સિવિલ તંત્રને રજુઆત પણ કરી હતી કે, થેલેસિમિયા દર્દીને ચડાવાતા લોહીમાં મશીન મારફત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે આ LR લોહી બાદમાં થેલેસેમિક બાળકોને અપાય છે જેથી રિએક્શન ન આવે. પણ, રાજકોટમાં આ સુવિધા ન હોવાથી RCC એટલે કે રેડ સેલ કોન્સ્ટ્રેન્ટ અપાય છે તેમાં સફેદ કણોની માત્રા 30 ટકા કરતા પણ વધુ હોય છે આ કારણે સિવિલમાં લોહી ચડાવે તે બાળકોને રિએક્શન આવે છે. બ્લડ બેંકોમા નિયમ છે કે થેલેસેમિક બાળકોને એલઆર બ્લડ જ આપવું પણ તેનો સિવિલમાં જ નિયમભંગ થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ચેડાં થયાંનો કિસ્સો બે વર્ષ પૂર્વે સામે આવ્યો હતો. બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું હતું. બાદમાં હોસ્પિટલે ચેક કર્યા વગર બાળકને બ્લડ ચડાવી દીધું અને હોસ્પિટલમાં બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતાં જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હોય એવી આફત આવી પડી હતી. આવી ઘોર બેદરકારીને કારણે પરિવારના વાહલસોયા પુત્રની જિંદગી જોખમમાં મુકાઈ હતી.

થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ચેડાં થયાંનો કિસ્સો બે વર્ષ પૂર્વે સામે આવ્યો હતો
HIV પોઝિટિવ આવ્યો હોવાનું માની શકાય!
એ સમયે સિવીલ હોસ્પિટલના મેડિકલ ફેકલ્ટીના ડીન ગૌરવીબેન ધ્રુવએ જણાવ્યું હતું કે, રાજકોટ પીડીયુ બ્લડ બેન્ક ખાતે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. ચાર પ્રકારના બ્લડ પરીક્ષણ કર્યા બાદ રિપોર્ટ આવ્યે દર્દીને બ્લડ આપવામાં આવે છે. બાળકને અન્ય કોઇ જગ્યાએ ટ્રીટમેન્ટ લીધા બાદ HIV પોઝિટિવ આવ્યો હોવાનું માની શકાય. અથવા વિન્ડો પિરીયડ દરમિયાન બાળકને HIV પોઝિટિવ રિપોર્ટ આવી શકે છે. હાલમાં આક્ષેપોને લઇને પ્રાથમિક રિપોર્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આપી દીધો છે.
9 વર્ષ પહેલા 23 થેલેસેમિયાગ્રસ્ત બાળકોનું જીવન ઝેર કરી દીધું હતું
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતાં 23 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને HIVનો ચેપ લાગી ગયો હતો. ઘટના 10 સપ્ટેમ્બર 2011ના રોજ પ્રકાશમાં આવી હતી. ઘટનાને પગલે દેશભરમાં ભારે ચકચાર જાગી હતી. ઘટનામાં પોલીસ ફરિયાદથી લઇ CBI સુધીની તપાસ થઇ હતી. થેલેસેમિયાગ્રસ્ત બાળકનું જીવન આમ પણ દુ:ખી હોય છે. તેમાં HIVગ્રસ્ત બનતા બાળકનું જીવન ઝેર બની ગયું હતું. જે-તે સમયે ચાર બાળકોના મોત પણ થઇ ચૂક્યા હતા.