સુરત10 મિનિટ પહેલા
- કૉપી લિંક
સિફ્તપૂર્વક બાળકીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.
સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી ગતરોજ એક અજીબ ઘટના સામે આવી હતી. જેમાં મધરાત્રીએ એક નંબરના પ્લેટફોર્મ પરથી એક મહિલાએ ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી લીધું હતું. પિતા અને તેની ચાર વર્ષની પુત્રી અંકલેશ્વર જવા માટે સવારની ટ્રેનની રાહ જોવા માટે પ્લેટફોર્મ પર સુઈ ગયા હતા. દરમિયાન મહિલા આતકનો લાભ લઇ બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના રેલવેના સીસીટીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે મહિલાની ઓળખ કરી બારડોલી રેલ્વે સ્ટેશન પાસેથી અપહરણ કરનાર મહિલા અને તેના પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યા હતા.
રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી બાળકીનું અપહરણ
સુરતના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પરથી ગતરોજ મોડી રાત્રે એક ચાર વર્ષીય બાળકીનું એક મહિલાએ અપહરણ કરી લીધું હતું. બાદમાં ફરાર થઈ ગઈ હતી. મધ્યપ્રદેશથી પિતા તેની બાળકીને લઈ અંકલેશ્વર જઈ રહ્યા હતા.દરમિયાન સુરતના રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયા બાદ તે સવારે અંકલેશ્વર જવા માટે પ્લેટફોર્મ પર જ સૂઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં આંટા ફેરા મારતી અજાણી મહિલા દ્વારા આ બાળકીને જોઈ હતી અને બાપ દીકરીનો ઊંઘનો લાભ લઈ. ખૂબ જ સિફતાઈપૂર્વક પ્લેટફોર્મ પરથી અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. બાળકીના પિતા સવારે ઉઠ્યા ત્યારે તેની દીકરી તેની બાજુમાં ન જણાતા સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી.જેને લઇ ચિંતાતૂર પિતા તાત્કાલિક રેલવે પોલીસ નો સંપર્ક કરી આ અંગે ફરિયાદ કરી હતી.
બાળકીનું તેના નિદ્રાધિન પિતા પાસેથી અપહરણ કરાયું હતું.
સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ
બાળકીના પિતા દ્વારા આ અંગે રેલવે પોલીસને ફરિયાદ કરાતા પોલીસ તાત્કાલિક એક્શન મોડ ઉપર આવી ગઈ હતી. ફરિયાદને આધારે સૌપ્રથમ પોલીસે રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસ કર્યા હતા. આ દરમિયાન એક મહિલા બાળકીનું અપહરણ કરતી જોવા મળી હતી. વહેલી સવારે 4:30 થી 05:00 વાગ્યાના અરસામાં અજાણી મહિલા બાળકી અને તેના પિતાની બાજુમાં આવીને બેસી જાય છે. ત્યારબાદ ખૂબ જ સિફતાય અને ચાલાકી પૂર્વક બાળકીને રમાડતા રમાડતા અપહરણ કરીને ચાલી ગઈ હતી. પોલીસે આ સીસીટીવીના આધારે મહિલાની ઓળખ કરી હતી. અને તેને ઝડપી પાડવા તમામ પોલીસના સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી દેવામાં આવી હતી.
બારડોલીથી અપહરણ કરનાર મહિલા અને તેનો પ્રેમી ઝડપાયા
રેલ્વે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા બાળકીને પરત મેળવવા માટે તાત્કાલિક સર્વેલાન્સની ટીમને કામે લગાવી હતી. મહિલા બાળકીને લઈ કઈ કઈ જગ્યાએ ગઈ હોય શકે તે પ્રમાણે તમામને સાવચેત કર્યા હતા. આ દરમિયાન સીસીટીવીમાં દેખાઈ રહેલી મહિલા બારડોલી રેલ્વે સ્ટેશન ખાતે જોવા મળી હતી. આ મહિલાની સાથે એક પુરુષ અને એક ચાર વર્ષની બાળકી જણાઈ આવી હતી. જેને આધારે બારડોલી રેલવેના સ્ટાફે તેમને અટક કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, અપહરણ કરનાર મહિલાનું નામ રેણુકા દેવી ઉર્ફે પાયલ અને તેનો પ્રેમી યોગેશ ચૌહાણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી તેમના ચંગુલમાંથી બાળકીનું કર્યું હતું.
મહિલા અને તેના કથિત પ્રેમી દ્વારા અપહરણ કરાયું હતું.
શા માટે અપહરણ કર્યું તેની તપાસ થશે
બાળકીનું અપહરણ કરનાર યુવતી રેણુકા અને તેનો પ્રેમી યોગેશ ચૌહાણની પોલીસે ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ અંગે રેલ્વે પોલીસના એસીપી બી એચ ગોર એ જણાવ્યું હતું કે, અપહરણકાર બંનેની બારડોલીથી ધરપકડ કરી લેવામાં સફળતા મળી છે. બાળકીનું અપહરણ કરી તેઓ ભાગી રહ્યા હતા. દરમિયાન સર્વેન્સ ટીમના માણસોને બારડોલી રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હાલ આ બંને જણાની પૂછપરછ પોલીસ કરી રહી છે. અપહરણ શા માટે કર્યું તે હજી જાણી શકાયું નથી. બાળકીને લઈને તેઓ પોતે પોતાની પાસે રાખવાના હતા કે. તેને કોઈ અન્ય વ્યક્તિને વેચી દેવાના હતા. તે અંગે હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા આ બંનેના રિમાન્ડ મેળવવાની હાલ તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ મેળવ્યા બાદ બંનેની આ અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.પરંતુ હાલ તો બાળકીનું પોલીસે સહી સલામત રેસ્ક્યુ કરી લેતા મોટો હાશકારો થયો છે.
પ્લેટફોર્મ પરથી જ અપહરણ કરાયું હતું.
પકડાયેલા બંને જણા બેકાર હતા
પોલીસે અપહરણ કરનાર મહિલા અને તેના પ્રેમી વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલાએ રેણુકા મુળ બિહારની છે. તે ઘણા સમયથી સુરતમાં જુદી જુદી જગ્યાએ રોડ ઉપર રાતવાસો કરે છે. તેની સાથે પકડાયેલ યુવક યોગેશ ચૌહાણ પણ રોડ રસ્તા ઉપર જ રહે છે. બંને જણા છેલ્લા થોડા દિવસથી એકબીજાના સંપર્કમાં આવ્યા છે. બંને કોઈ જ પ્રકારનો કામ ધંધો કરતા નથી. હાલ તો બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સીસીટીવી અને સર્વેલન્સના આધારે બાળકીને સહિસલામત રીતે રેસ્ક્યુ કરાઈ હતી.
મધ્યપ્રદેશથી રોજીરોટી મેળવવા અંકલેશ્વર જઈ રહ્યા હતા
ચાર વર્ષની બાળકીને લઈ તેના પિતા મધ્યપ્રદેશથી રોજીરોટી મેળવવા અંકલેશ્વર ખાતે ટ્રેનમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન મધરાત્રીએ ઊંઘમાં પિતા ભૂલથી અંકલેશ્વર ની જગ્યાએ સુરત રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયા હતા. ત્યારે અંકલેશ્વર હવે સવારે જવું પડે તેમ હતું જેને લઇ પિતા તેની ચાર વર્ષની દીકરીને લઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના બાંકડા પર જ સુઈ ગયા હતા. અને જ્યારે સવારે અંકલેશ્વર જવા માટે પિતા ઉઠ્યા તો બાજુમાંથી દીકરી ગાયબ થઈ ગઈ હતી જેને લઇ પિતા ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા.