https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png
ગાંધીનગર13 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોરોનાના નવા વેરીયન્ટની દહેશતને પગલે પ્રિકોશન ડોઝ માટે જિલ્લાને કોવિશિલ્ડના 5000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોવિશિલ્ડ રસીના ડોઝને મનપા વિસ્તાર અને ચાર તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત કોવિશિલ્ડ રસીના ડોઝ લેવાના બાકી હોય તેવા લાભાર્થીઓએ લેવાની જિલ્લાના આરોગ્ય તંત્રએ લોકોને અપીલ કરી છે.વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો વેરીયન્ય બીએફ-7ના વધતા જતા સંક્રમણને પગલે હોસ્પિટલોની હાલત હાઉસફુલ જેવી થઇ ગઇ હતી. ઉપરાંત અગ્નિસંસ્કાર માટે સ્મશાનમાં લાંબી લાંબી લાઇનો લાગી હતી.
ત્યારે કોરોનાના નવા વેરીયન્ટના કેસ દેશમાં ફેલાય નહી તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સલામતીના ભાગરૂપે જરૂરી તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલોમાં દવા, સેનેટાઇઝર, માસ્ક, હેન્ડ ક્લોઝ, ઓક્સિજન, વેન્ટીલેટર, બેડ સહિતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત જે લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેમને પ્રિકોશન ડોઝ આપવાનો આદેશ રાજ્યના આરોગ્ય વિભાગે કર્યો છે. જોકે મોટાભાગના દર્દીઓએ રસીના બન્ને ડોઝ કોવિશિલ્ડના લીધા હોવાથી પ્રિકોશન ડોઝ પણ કોવિશિલ્ડનો જ લેવો પડે તેવો આરોગ્ય વિભાગનો નિયમ છે.
પરંતુ રાજ્યના પાટનગરમાં કોવેક્સિશન રસીનો ડોઝ પ્રર્યાપ્ત માત્રામાં છે. પરંતુ કોવિશિલ્ડ રસીનો પર્યાપ્ત માત્રામાં જથ્થો નહી હોવાથી પ્રિકોશન ડોઝ લેવા આવનાર લાભાર્થીઓને ધરમધક્કા પડતા હતા. આ મામલે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોવિશિલ્ડ રસીનો સ્ટોક ફાળવવાની માંગણી કરી હતી.
જેને પરિણામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર માટે કોવિશિલ્ડનો 2000 ડોઝ મોકલવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના ચાર તાલુકા માટે 3000 ડોઝ મોકલવામાં આવ્યા છે. કોવિશિલ્ડના રસીના તમામ ડોઝ મનપા વિસ્તારના તેમજ ચાર તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.