Header Ads

ભારત-પાકિસ્તાનની સરહદે આવેલું નડાબેટ યાયાવર પક્ષીઓનું નિવાસસ્થાન બન્યું

કિશોર તુંવર, નડાબેટઃ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. ભારત-પાકિસ્તાનની સરહદ પર નડાબેટ નજીક આવેલું અફાટ રણ શિયાળામાં આ પ્રવાસી પક્ષીઓનું આશ્રયસ્થાન બની જાય છે અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે.

બનાસકાંઠાના નડાબેટના મહેમાન બને છે

રશિયાનો સાઈબેરિયા વિસ્તાર વિશ્વનો સૌથી ઠંડો વિસ્તાર માનવામાં આવે છે અને શિયાળામાં આ વિસ્તાર એકદમ નિર્જન બની જાય છે. ત્યારે સાયબેરિયામાં વસતા પક્ષીઓ ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરે છે. ત્યારે સાઈબેરિયામાં વસતા યાયાવર નામના પક્ષીઓની પ્રજાતિ જેને સાઇબેરિયન પણ કહે છે તે સ્થળાંતર કરીને બનાસકાંઠામાં મહેમાન બનતા હોય છે.

યાયાવર પક્ષીઓ માઇગ્રેટ થઈને આવે છે

યાયાવર પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાઈબેરિયા છે, પરંતુ શિયાળામાં ત્યાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાથી બનાસકાંઠા જિલ્લાના મહેમાન બને છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રશ્ચિમે આવેલી ભારત પાકિસ્તાનની સરહદ નજીક આવેલું નડાબેટનું રણ ચોમાસામાં પાણીથી ભરાઈ જતું હોય છે અને શિયાળામાં ખૂબ જ ઠંડુ બની જાય છે. ત્યારે આ વિસ્તારની આબોહવા એકદમ સૂકી અને સાઈબેરિયાની આબોહવાને મળતી આવતી હોવાથી યાયાવર નામના આ પક્ષીઓ માઈગ્રેટ થઈને નડાબેટ આવતા હોય છે.

પક્ષીદર્શન માટે મોટા ટાવર બનાવ્યાં

આ રણમાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચૂર માત્રામાં હોવાથી યાયાવર નામના આ પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે અને અહીં જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાઈબેરિયા પહોંચી જતાં હોય છે. આમ, ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી આ પક્ષીઓ ગુજરાતના નડાબેટમાં આવેલા રણને જ પોતાનું  નિવાસ બનાવી નાંખે છે અને આ વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમીઓ પણ આવતા હોય છે. ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈને આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે. આ પક્ષીઓને નિહાળવા માટે મોટા મોટા બર્ડ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે.

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

Published by:Vivek Chudasma

First published:

Tags: Banaskantha News, Bird, Birds

Powered by Blogger.