Thursday, January 19, 2023

Hockey World Cup Live Updates: Hockey World Cup scenarios: What India need to do to reach quarterfinals

હૉકી વર્લ્ડકપના ક્વાર્ટર ફાઇનલમાં સીધા પ્રવેશ માટે ભારતે ગુરુવારે (19 જાન્યુઆરી) વેલ્સ સામે મોટી જીત નોંધાવવી પડશે. પુલ ડીમાં ભારત અને ઈંગ્લેન્ડના ચાર-ચાર પોઈન્ટ છે, પરંતુ વધુ ગોલ કરવાના કારણે ઈંગ્લેન્ડ ટોપ પર છે. આ સાથે ઈંગ્લેન્ડ પણ તેની છેલ્લી મેચમાં સ્પેન સામે જીત નોંધાવીને પુલ ડીમાં ટોચ પર રહેવાનો પ્રયાસ કરશે. આ મેચ સાંજે 7.00 વાગ્યાથી રમાશે.

ભારતે તેની પ્રથમ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચ ઇંગ્લેન્ડ સાથે ગોલ રહિત ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડે તેની પ્રથમ મેચમાં વેલ્સ સામે 5-0થી વિજય નોંધાવ્યો હતો. ત્રીજા સ્થાને રહેલા સ્પેને વેલ્સને 5-1થી હરાવ્યું. આ પુલમાં છેલ્લા સ્થાને રહેલા વેલ્સને બાદ કરતાં ત્રણેય દેશો પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેવાના દાવેદાર છે. વર્લ્ડકપમાં રમી રહેલી 16 દેશોની ટીમોને 4-4ના પુલમાં વહેંચવામાં આવી છે. દરેક પુલની પ્રથમ ટીમને અંતિમ આઠની સીધી ટિકિટ મળશે. બાકીની ચાર ટીમો ક્રોસ ઓવર દ્વારા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે.

ભારત માટે અંતિમ આઠમાં પહોંચવાના સમીકરણો

જો ભારત વેલ્સને હરાવશે અને સ્પેન અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થશે તો ભારત સાત પોઈન્ટ સાથે નંબર વન પર પહોંચી જશે.

જો ભારત અને ઈંગ્લેન્ડ બંને જીતે અથવા બંને સામે ડ્રો થાય તો વધુ ગોલ ધરાવનાર પ્રથમ સ્થાને રહેશે.

સ્પેને ઈંગ્લેન્ડને હરાવ્યું. જો વેલ્સ ભારતને ડ્રો પર રોકે છે અથવા તેને હરાવશે તો સ્પેન ટોચ પર જશે.

 

છેલ્લી બે મેચમાં ભારતને નવ પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જેમાંથી માત્ર એક જ ગોલ સ્પેન સામે થયો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડ સામે ચારેય પેનલ્ટી કોર્નર પણ ગોલ થઈ શક્યા ન હતા. જોકે, ઈંગ્લેન્ડ સામે ભારતના ડિફેન્સે સારું પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડને આપવામાં આવેલા આઠ પેનલ્ટી કોર્નર ભારતીય ટીમે નિષ્ફળ બનાવ્યા હતા.

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને ઉત્સાહિત ભારતીય ટીમ પાસે આ વખતે ઘરઆંગણે વર્લ્ડકપ જીતવાની સુવર્ણ તક છે. સ્ટાર ડ્રેગ-ફ્લિકર કેપ્ટન હરમનપ્રીત પેનલ્ટી કોર્નર પર બોલને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.  તેણે અને બાકીના ખેલાડીઓએ આક્રમક અભિગમ અપનાવીને શક્ય તેટલા વધુ ગોલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

વેલ્સ પર 100 ટકા જીતનો રેકોર્ડ

ભારત અને વેલ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ હૉકી મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે તમામ મેચ જીતી છે. ભારતે 2014, 2018 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ત્રણ વખત વેલ્સને હરાવ્યું હતું. ગયા વર્ષે બર્મિંગહામમાં ભારતે વેલ્સ સામે 4-1થી જીત નોંધાવી હતી. વિશ્વકપમાં પ્રથમ વખત બંને દેશ એકબીજાની સામે ટકરાશે.