Parth Patel, Ahmedabad: અમદાવાદથી 150 કિમી દૂર બોટાદ જિલ્લામાં આવેલું સારંગપુર ગામ BAPS સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલીમ કેન્દ્ર આવેલું છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખસ્વામી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના-શિક્ષણનું મુખ્ય સ્થાન બનાવી દીધું.
વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલીમ આપવા માટે તેઓએ અહીં બધી જ વ્યવસ્થા કરી. ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા નવદીક્ષિત સંતોને શાશ્વત જીવનમૂલ્યોના પાઠ ઘૂંટાવનારી એક અનુપમ બ્રહ્મવિદ્યાની કોલેજ પ્રમુખસ્વામી મહારાજે સન 1980 માં ઊભી કરી દીધી.
કયારે દીક્ષા આપવામાં આવે છે
પ્રથમ માતા-પિતાની લેખિત અનુમતિ લઈને મુમુક્ષુ યુવાન સારંગપુર આવે છે. અહીં ત્રણ વર્ષની પૂર્વસાધક તાલીમમાં મુમુક્ષુની યોગ્ય ચકાસણી પછી તેમને પ્રાથમિક પાર્ષદ દીક્ષા આપવામાં આવે છે. મોટા ભાગે દીક્ષા મહોત્સવનું સ્થળ નજીકમાં આવતા ઉત્સવ કે સામૈયામાં રાખવામાં આવે છે. શ્વેત વસ્ત્રોમાં સજ્જિત આ પાર્ષદોને ત્યાગાશ્રમના તમામ નિયમ પાળવાના હોય છે. આગળ એકાદ વર્ષના અંતરાલ બાદ પાર્ષદને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. ભગવા વસ્ત્રોમાં શોભતા આ સંતો ત્યારપછી પણ સારંગપુરમાં ધર્મગ્રંથો અને સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરે છે.
સેવાથી નમ્રતા આવશે, જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જ ઠરે
તમારા શહેરમાંથી (અમદાવાદ)
હિન્દી અને અંગ્રેજી ભાષાનો તેમજ વિશ્વના વિવિધ ધર્મોનો અભ્યાસ પણ અહીં તાલીમનો એક ભાગ છે. વળી શિક્ષણની સાથે સ્વાવલંબનને પણ સ્વામીએ એટલું જ મહત્વ આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, સેવાથી નમ્રતા આવશે, જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જ ઠરે છે. આ બધી અભ્યાસ અને સેવાની પ્રવૃત્તિને સ્વામીએ ભક્તિની સાથે જોડી હતી. હા, તેમની તાલીમમાં કેન્દ્રસ્થાને ભગવાન હતા.
તેથી જ તો તેઓએ ભક્તિમય આહ્નિકને ક્યારેય ગૌણ પડવા નથી દીધું. પ્રમુખસ્વામી મહારાજની આ તાલીમ પ્રાપ્ત કરીને સંતો ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્રસેવાની ભાવનાને આત્મસાત કરી. ગામડે ગામડે ફરી જન જનના હૃદયમાં શ્રદ્ધા જગાડીને વ્યસન-કુટેવોથી દૂર રહેવાની પ્રેરણા આજે આપી રહ્યા છે.
સાધુ થવાની પ્રેરણા પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી મળી
નવદિક્ષિત સંતમાં પૂ. પાણિની ભગત (અમેરિકા)એ જણાવ્યું હતુ કે, સાધુ થવાની પ્રેરણા તો પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી મળી છે. નાનપણથી જ ખૂબ લાભ લીધો છે. નાનપણથી જ બાપાનો પ્રેમ ખૂબ જોતા આવ્યા. બાપાનો સાથ પણ જીવનની દરેક પળમાં રહેલો છે. સ્વામીબાપાએ આટલો પ્રેમ કર્યો છે. આટલું હેત વરસાવ્યું છે. તો તેમના માટે શું ન થાય? તેથી તેમના માટે જીવન સમર્પિત કરવા જઈ રહ્યા છીએ.
પ્રભાકર ભગત જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ અને મહંતસ્વામી મહારાજનો પ્રેમ અને એમણે આ સમાજ માટે, દેશ માટે અને આપણા સૌ માટે કેટલું બધું કર્યું. પ્રમુખસ્વામી મહારાજના અનંત ઉપકારો છે. એ ઉપકારોનું ઋણ ચૂકવવાનો આ અમૂલ્ય અવસર એટલે આ શતાબ્દી મહોત્સવ. એ શતાબ્દીમાં અમને દીક્ષા મળે છે. એટલે આ એક જીવનભરનું એક અતિશય અમૂલ્ય સંભારણું બની રહેશે.
અમેરિકામાં જન્મ છતાં ખૂબ જ સંસ્કારી છે, આ મહંતસ્વામી મહારાજની કૃપા છે
અમેરિકન આર્મીમાં સેવારત શેનિકા શાહ જેઓ પૂ. દધીચિ ભગતના બહેન છે. તેઓએ જણાવ્યું કે મારો ભાઈ સાધુ થાય છે. તે જોઈને હું બહુ જ ગૌરવની લાગણી અનુભવુ છું. અમેરિકામાં જન્મ છતાં તે ખૂબ જ સંસ્કારી છે. આ મહંતસ્વામી મહારાજની કૃપા છે.
બહુ અહોભાગ્યની લાગણી થઈ
અમેરિકાના જયશ્રીબેન પટેલ( પાણીનિ ભગતનાં પૂર્વાશ્રમનાં માતા) જણાવ્યું હતુ કે, જ્યારે દીકરાએ સાધુ થવાનો સંકલ્પ અમારી આગળ રજૂ કર્યો ત્યારે ખરેખર બહુ અહોભાગ્યની લાગણી થઈ. સ્વામીની જ કૃપાથી આ માર્ગ ગ્રહણ કર્યો છે. સ્વામીને આપણે શતાબ્દીમાં બીજું તો શું આપી શકીએ. પણ આ સેવા અનાયાસે એમની કૃપાથી થઈ ગઈ છે. એટલે ખરેખર ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે કે આવી સેવાની તક અમને મળી.
પુત્ર પણ રાજી છે. અમે પણ રાજી છીએ.
રાજકોટથી પધારેલા વલ્લભભાઈ જેઓ સ્વસ્તિક ભગતના પૂર્વાશ્રમના પિતા થાય. તેઓએ આ અવસરે કહ્યું કે, દીકરો ભગવાન અને સમર્થ સંત એવા મહંતસ્વામી મહારાજને સોંપ્યો છે એટલે કંઈ જ ચિંતા નથી. પુત્ર પણ રાજી છે. અમે પણ રાજી છીએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, BAPS, Local 18