Russia Ukraine War : પાકિસ્તાનની મોટા ભાગની વસ્તી હાલમાં અડધા ભુખ્યા પેટે સૂવા માટે મજબૂર બની છે. તેનું કારણ મોંઘવારી છે જે દિવસે દહાડે વધારેને વધારે ગંભીર અને પીડાદાયક બની રહી છે. જંગી દેવું અને રોકડની તંગીથી દબાયેલું પાકિસ્તાન એક સમસ્યામાંથી બહાર નથી આવતુ ત્યાં બીજા પડકારમાં ફસાય જાય છે. પાકિસ્તાન ખાવાના ઘઉંથી માંડીને મચ્છરદાની સુધી તે સંપૂર્ણપણે વિદેશી સહાય પર જ નિર્ભર છે. ગયા વર્ષના વિનાશક પૂરમાં 20 લાખ એકર પાક ધોવાઈ ગયો હતો. ભૂખમરાની આરે ઊભું પાકિસ્તાન રશિયા પાસેથી ઘઉંની ખરીદી કરી રહ્યું છે. પરંતુ ગરીબ પાકિસ્તાનમાંથી ઘઉં ખરીદવા માટે પૈસા આવી ક્યાંથી રહ્યાં છે તે એક મોટો સવાલ છે.
જોકે પાકિસ્તાન હંમેશાની માફક કોઈનું સગુ થયુ નથી અને થશે પણ નહીં. જેનું ખાય તેનું ખોદે એનું નામ જ પાકિસ્તાન. આમ પાકિસ્તાન હવે રશિયાનું અન્ન ખાઈને હવે તેના જ પીઠમાં ખંજર ભોંકી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.
પૂરને કારણે ઘઉંના પાકને નષ્ટ કરવા અને વિદેશી હૂંડિયામણના ભંડાર ઘટવાને કારણે દેશવ્યાપી લોટની કટોકટી વચ્ચે પાકિસ્તાનને 35,000 ટન રશિયન ઘઉંનો પહેલો જથ્થો મળ્યો હતો. પાકિસ્તાનના ખાદ્ય સુરક્ષા અને સંશોધન મંત્રાલયે મંગળવારે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. પાકિસ્તાનમાં લોટના ભાવ આસમાને છે. ઘણા વિસ્તારોમાં 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો લોટ વેચાઈ રહ્યો છે. પાકિસ્તાનમાં 20 કિલો લોટનું પેકેટ 2800 થી 3000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
યુક્રેનને શસ્ત્રો મોકલવાની તૈયારી
News Reels
હવે પાકિસ્તાનની આખી ગેમ સામે આવી ગઈ છે. પાકિસ્તાન રશિયા પાસેથી ઘઉં ખરીદવા યુક્રેનને હથિયારો વેચીને પૈસા એકઠા કરી રહ્યું છે. આ ઘટનાથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન આ મહિને પોલેન્ડના એક બંદર દ્વારા યુક્રેનને અસ્ત્રો અને પ્રાઇમર્સ સહિત દારૂગોળાના 159 કન્ટેનર મોકલવાની યોજના બનાવી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેની દુશ્મનાવટથી દુનિયા આખી વાકેફ છે. આ સ્થિતિમાં રશિયા પાસેથી ઘઉં લઈને તેના સૌથી મોટા દુશ્મનને જ હથિયાર વેચવાથી પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવી ગયો છે.
રશિયા-યુક્રેન યુદ્ધની ટીકા કરવાથી ફેરવ્યું મોં
પાકિસ્તાન સ્થિત એક શિપિંગ અને બ્રોકરેજ ફર્મ – Project Shipping જાન્યુઆરીના અંતમાં કરાચી બંદરથી પોલેન્ડના ગડાન્સ્ક બંદર સુધી યુક્રેનને દારૂગોળાના 159 કન્ટેનર મોકલવાનું આયોજન કરી રહી છે. પાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે જે રશિયા-યુક્રેન યુદ્ધની ટીકા કરવાનું ટાળી રહ્યું છે. હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન દેશની આર્થિક સ્થિતિ સુધારવા પર છે. આ માટે તે સાઉદી અરેબિયાથી લઈને ચીન અને રશિયાથી લઈને યુક્રેનની સામે હાથ ફેલાવીને ઉભું છે.
પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે?
પાકિસ્તાને બચત કરવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. વીજળી બચાવવા માટે બજારો રાત્રે 8 વાગ્યે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આમ કરીને તેઓ 30 ટકા વીજળી એટલે કે રૂ. 6200 કરોડની બચત કરવાની યોજના બનાવી રહ્યું છે. દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 10,000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જેથી લોકો સિલિન્ડરને બદલે પ્લાસ્ટિકની થેલીઓમાં ગેસ ભરી રહ્યા છે. તો બીજી બાજુ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 6.7 અબજ ડોલર થઈ ગયો છે. હાલત એવી છે કે, કર્મચારીઓને પગાર આપવા માટે પણ પાકિસ્તાન સરકાર પાસે પૈસા સુદ્ધા નથી.