IND vs SL T20: ભારત-શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન મેદાનમાં ઘુસી આવેલા યુવક સામે કાર્યવાહી, પોલીસે કરી અટકાયત

IND vs SL T20: રાજકોટમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 મેચમાં સૂર્ય કુમારની વિસ્ફોટક બેટિંગની મદદથી ભારતે મેચ જીતી લીધી હતી. તો બીજી તરફ આ મેચમાં એક યુવક ગ્રાઉન્ડમાં ઘૂસી આવ્યો હતો. જેને લઈને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. આ યુવકને બહાર કાઢવા બાઉન્સરોની મદદ લેવાઈ હતી. હવે આ ઘટના બાદ યુવક વિરૃદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 

પોલીસે અબ્બાસ સંધી નામના યુવક વિરૃદ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે. ગ્રાઉન્ડમાં સિક્યોરિટી સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારત મેચ જીત્યા બાદ ઉત્સાહમાં આવીને એક યુવક ગ્રાઉન્ડમાં આવીને ભારતીય ખેલાડીઓ સુધી પહોંચી ગયો હતો. જે બાદ સિક્યોરિટી સ્ટાફ દ્વારા યુવકને બહાર કઢાયો હતો. મેચ દરમિયાન યુવક ઘુસી જતા સુરક્ષાને લઈને પણ ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવે બાબર આઝમ અને કેએલ રાહુલને પાછળ છોડ્યા

રાજકોટમાં શ્રીલંકા સામે રમાઇ રહેલી ત્રીજી ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. એક વર્ષની અંદર તેણે ભારત માટે ત્રીજી વખત ટી-20 ક્રિકેટમાં સદી ફટકારી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી હતી. આ ઇનિંગ સાથે તેણે ભારતના કેએલ રાહુલ અને પાકિસ્તાનના બાબર આઝમ સહિત ઘણા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં બે સદી ફટકારી છે. જ્યારે સૂર્યકુમાર યાદવે આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે.

 

હવે માત્ર ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં સૂર્યકુમારથી આગળ છે. રોહિતે ભારત માટે T20માં ચાર સદી ફટકારી છે અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.

સૂર્યકુમાર મેક્સવેલ અને મુનરોની ક્લબમાં જોડાયો

T20 ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી સાથે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોની બરોબરી કરી લીધી છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ત્રણ સદી પણ ફટકારી છે. ભારતે શ્રીલંકાને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ઇનિંગ્સના આકર્ષણનું કેન્દ્ર સૂર્યકુમાર યાદવ હતો, જેણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યકુમારે 9 સિક્સ સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર શુભમન ગિલે પણ 36 બોલમાં 46 રન બનાવ્યા હતા.  રાહુલ ત્રિપાઠીએ 35 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.

Previous Post Next Post