દહેગામના હીલોલમાં ઘરની કાચી દીવાલ ધસી પડતા દટાઈ જવાથી બે સગી બહેનોના મોત | Two cousins died after the mud wall of the house collapsed and buried them in Hilol of Dehgam.

ગાંધીનગર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દહેગામ તાલુકાના હીલોલમાં આજે સાંજના સમયે ઘરમાં બાંધવામાં આવેલા સાડીના હીચકા ઉપર ઝુલતી વખતે એક બાજુની કાચી દિવાલ ધસી પડતાં કિશોરવયની બે સગી બહેનોનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરૃણ મોત નીપજ્યું છે. આ મામલે દહેગામ પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ તાલુકાના હીલોલમાં આજે સાંજના સમયે કરુણાંતિકા સર્જાતા એક જ પરિવારની બે સગી બહેનોનાં અકાળે મોતથી વાઘેલા પરિવાર પર આભ તૂટી પડયું હતું. અત્રે રહેતાં અશ્વિનભાઈ વાઘેલા (ઠાકોર) ની બે દીકરીઓ આરુષિ (ઉં. 12)અને જાહ્નવી (ઉ. 4) આજે સાંજના સમયે ઘરમાં બાંધવામાં આવેલા સાડીના હીચકાએ રોજની માફક હીચકા ખાઈ રહી હતી. પરંતુ આજે અચાનક જ એક બાજુની કાચી દિવાલ ધસી પડી હતી. જેનાં કારણે હીચકો તૂટી ગયો હતો. બંને બહેનો જમીન પર પડી હતી.

એ દરમ્યાન દીવાલની સાથો સાથ ઘરનો કાટમાળ પણ બંને બહેનો ઉપર પડ્યો હતો. આ બનાવના પગલે પરિવારજનો દોડી ગયાં હતાં. અને કાટમાળ નીચેથી બંને બહેનોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી દહેગામ સીએચસી સેન્ટર લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને બહેનોને તપાસીને મૃત જાહેર કરી હતી.

ત્યારે નવા વર્ષ – 2023 ના પહેલા દિવસે જ બંને દીકરીઓનું અકાળે અવસાન થતાં વાઘેલા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં દહેગામ પોલીસ પણ દોડી ગઈ હતી. અને જરૂરી કાનૂની કાર્યવાહી કરી બંન્ને બહેનોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. ત્યારે અચાનક દિવાલ ધસી પડવાથી બે માસુમ બાળાનાં અવસાનના સમાચાર પ્રસરી જતાં ગામમાં પણ ગમગીની છવાઇ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post