અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે. બોર્ડ પરીક્ષા ના પ્રશ્નપત્રો ઝોન કેન્દ્ર પર પહોંચી ચૂક્યા છે. ત્યારે ઝોન કેન્દ્રોમાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પહોંચ્યા હતા.
DEOએ ઝોન કેન્દ્રોની મુલાકાત લઇ માર્ગદર્શન આપ્યું
અમદાવાદ શહેરમાં કુલ 12 જેટલા ઝોન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાંથી તેમની નજીકની શાળાઓના પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો પરીક્ષાના દિવસે ડિસ્પેસ કરવામાં આવશે. પ્રશ્નપત્રોને હાલ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં હથિયારધારી પોલીસકર્મી તહેનાત રાખવામાં આવ્યાં છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ઝોન કેન્દ્રોની મુલાકાત લઇ જવાબદાર અધિકારીઓને પરીક્ષા સંદર્ભે માર્ગદર્શનને સૂચનાઓ આપી હતી.

અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરાઈ
આ વર્ષે અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 61475, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9420, કોમર્સમાં 37491 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધોરણ 10માં 47369, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6255, સામાન્ય પ્રવાહમાં 28289 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના એક દિવસ પહેલા તમામ પરીક્ષા કેન્દ્રોને વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થાની મુલાકાત લઈ જોવા માટે બપોરે 12 થી 4 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આ વખતે પરીક્ષામાં સૌથી મોટી વાત એ છે કે અમદાવાદ શહેર કે ગ્રામ્યમાં એક પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી.
