નડિયાદ2 કલાક પહેલા
- કૉપી લિંક
ખેડા જિલ્લાની નડિયાદ ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ પોસકો કોર્ટે આજે રેપ કેસમાં આરોપી પિતાને ફાંસીની સજા ફટકારી છે. માતર પંથકના મહેલજ સીમમાં ફાર્મહાઉસ પર મજૂરી માટે રહેતા સાવકા પિતાએ જ 11 વર્ષની કૂમળી પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતા નડિયાદ કોર્ટે ફાંસીની સજા સાથે દંડ ફટકાર્યો છે.
વિધવાને અગાઉના પતિથી ત્રણ દીકરીઓ હતી
માતર તાલુકાના મહેલજ ગામની સીમમાં એમ્પાયર ફાર્મમાં રહેતા અને મૂળ ગોધરાના શખસના લગ્ન એક વિધવા લઘુમતી સમાજની મહિલા સાથે થયા હતા. શખસ સાથે લગ્ન કરીને આવેલી આ વિધવાને અગાઉના પતિથી ત્રણ દીકરીઓ હતી. જેમાંથી એક દીકરીનાં લગ્ન અમદાવાદ ખાતે થઈ ગયાં હતાં. બાકીની બે દીકરીઓ સાથે તે પોતાના બીજા પતિ સાથે અગાઉ અમદાવાદ ખાતે રહીને કામ-ધંધો કરતાં હતાં, પરંતુ મહેલજ સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દેખરેખ માટે કોઈની જરૂર હોવાથી આ શ્રમિક પરિવાર ફાર્મ હાઉસની દેખરેખ માટે મહેલજ સીમમાં આવીને રહીને મજૂરી કામ કરવા લાગ્યો હતો.
મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપતો
ફાર્મ હાઉસમાં કોઈ ન હોય તે વખતે આ શખસ પોતાની સાવકી પુત્રી જેની ઉંમર 11 વર્ષ અને 10 માસની છે તેને ધમકાવીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. એકધાર્યા પાંચ મહિના સુધી આ શખસે પોતાની સાવકી પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને આ વાતની કોઈને જાણ કરીશ તો તને અને તારી મમ્મીને મોતને ઘાટ ઉતારી દઈશ તેવી ધમકી પણ આપતો હતો. જેના કારણે પીડિતા મૌન રહી અને પોતાના પિતાની કરતૂતો સહન કરતી હતી.
માતાએ માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
પાપ છાપરે પોકારતાં સાવકા પિતાની લજવાવી નાખે તેવી કાળી કરતૂતો ઉઘાડી પડી હતી. અંતે દીકરી ગર્ભવતી બનતાં મામલો ઉજાગર થયો હતો અને આ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો. સૌપ્રથમ તેણીને દુખાવો થતા માતા સાથે હોસ્પિટલમાં જતાં માતાને માલૂમ પડ્યું હતું કે, તે ગર્ભવતી છે અને તેને 3 માસનો ગર્ભ રહી ચૂક્યો છે. આ દિશામાં માતાએ પોતાની દીકરીની પૂછપરછ કરતાં આ પાપ તેના સાવકા પિતાએ જ આચર્યું હોવાનું જણાવ્યું હતું. આ બાબતે વર્ષ 2021માં માતાએ માતર પોલીસમાં પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધડપકડ કરી તપાસ બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.
12 સાહેદોના પુરાવા અને કુલ 44 દસ્તાવેજી પુરાવાઓ વગેરે ધ્યાને લઈ સજા સંભળાવી
આ કેસની સુનાવણી આજે મંગળવારે હાથ ધરાઇ હતી. નડિયાદના મહે.સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહિતની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુરની દલીલો તેમજ કેસમાં રજૂ કરેલા કુલ 12 સાહેદોના પુરાવા અને કુલ 44 દસ્તાવેજી પુરાવાઓ વગેરે ધ્યાને લઈ સમાજમાં આવા ગુનાઓ ઓછા બને તો સગીર દીકરીઓ ઉપરના બળાત્કારના કિસ્સાઓ બંધ થાય વગેરે કારણોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વધુમાં આરોપીને કોર્ટે એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને રૂપિયા 2 લાખ ભોગ બનનારને વળતર આપવા હુકમ કર્યો છે.
પુત્રીને પેટમાં દુઃખાવો થતા માતા હોસ્પિટલ લઈ ગઈ અને…
આ 11 વર્ષની 10 માસની પુત્રીએ પેટમા અચાનક દુખાવો ઉપડતાં તેણીની માતા તેને લઈને નડિયાદમાં દોડી આવી હતી નડિયાદના સિવિલના ડોક્ટરે સોનોગ્રાફી કરતા ત્રણ માસનું ગર્ભ હોવાનું બહાર આવતા ભોગ બનનારની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આવા કૃત્ય કોણે આચર્યું હશે તેવી શંકા વ્યક્ત કરતા દિકરીએ આ કૃત્ય પાછળ તેના સાવકા પિતાજ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરવામાં આવ્યો હતો
સરકારી વકીલ ગોપાલભાઈ ઠાકુરે જણાવ્યું હતું કે, ભોગ બનનાર ગર્ભવતી બની હતી અને ફરિયાદ થઈ હતી. કોર્ટની મંજૂરી લીધા બાદ કોર્ટે ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી જેથી સગીરાનું ગર્ભપાત થયું હતું.
DNA રિપોર્ટ મહત્વની કડી પુરવાર થઈ
કેસના સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં ગર્ભપાત કરાવ્યા બાદ DNA રિપોર્ટ લીધો હતો. જે આરોપીના ડીએનએન સાથે મેચ થતુ હતું. જેથી આ પુરાવો પણ મહત્વનો બન્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર અને ફરિયાદીએ કોર્ટમાં આપેલી જુબાની પણ મહત્વની બની ગઈ હતી ઈ.પી.કો.કલમ-376(એ બી)માં ભોગ બનનારની ઉંમર 12 વર્ષ કરતા નીચે હોય ત્યારે આરોપીને ફાંસી આપવાની જોગવાઈ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે.