રાજકોટ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
રાજકોટમાં જાણે કોરોનાના સંક્રમણનો રાફડો ફાટ્યો હોય તેમ આજે વધુ બાર લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે જેને પગલે છેલ્લા ચાર દિવસમાં કુલ 40 જેટલા નાગરિકો સંક્રમિત થયા છે. અચાનક કેસમાં ઉછાળો આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.
કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
રાજકોટ શહેરમાં ગઇકાલે 6 કેસ પોઝિટિવ નોંધાયા બાદ આજે વધુ 12 કેસ નોંધાયા છે. જેમાં 5 મહિલા અને 7 પુરુષનો સમાવેશ થાય છે. રાજકોટ મનપાના વોર્ડ નં.3, 8, 9 અને 10 માંથી કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે જેમાં 5 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 7 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દર્દી બાદ કરતા અન્ય કોઈ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.
આ વિસ્તારમાં આજે એક્ટિવ કેસ નોંધાયા
રાજકોટમાં આજે મહાવીરનગર, નિર્મલા રોડ, કોઠારીયા રોડ, આલાપ ટ્વીન ટાવર, નાના માવા મેઈન રોડ, રૈયા રોડ, મેઘ મલ્હાર એપ્ટ.-પંચવટી હોલ, આકાશ ગંગા એપ.- અમીન માર્ગ રોડ, સુમન સિલ્વર પાર્ક અમીન માર્ગ, નીલ સિટી ક્લબ, વૈશાલી નગર, જગનાથ પ્લોટ અને સૌરાષ્ટ્ર કલાકેન્દ્રમાં કુલ 12 કેસ નોંધાયા છે.
સિઝનલ ફ્લૂ છે
રાજકોટમાં જે નવા કેસ આવ્યા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. આ કારણે કોમ્યુનિટી ટ્રાન્સમિશન જવાબદાર હોવાનું તબીબો માની રહ્યા છે.તબીબો જણાવે છે કે, કોરોનાનો ચેપ અવારનવાર આ રીતે આવતો રહેશે અને જે રીતે સિઝનલ ફ્લૂ છે તેવું જ વર્તન કરશે. જે નવા કેસ આવ્યા છે તે પૈકી ફક્ત એક જ દર્દી હોસ્પિટલાઈઝ છે.
એક સિવાય તમામ દર્દી હોમ આઇસોલેશનમાં
આ સિવાયના તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને તબિયત સુધારા પર છે. એક સપ્તાહ બાદ તમામને ડિસ્ચાર્જ પણ જાહેર કરી દેવાશે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટિંગ વધારાયું છે. જેને કારણે કેસ વધ્યા છે. આ પોઝિટિવ કેસ પૈકી અમુક કેસમાં જીનોમ સિક્વન્સિંગ કરીને નવો વેરિયન્ટ છે કે પછી જૂનો જ વેરિયન્ટ છે તેની ખરાઈ કરાશે. જેથી સારવાર માટે યોગ્ય માર્ગદર્શન આપી શકાય.