જુનાગઢએક કલાક પહેલા
માંગરોળ તાલુકાના દીવાસા ગામે એડવોકેટે પોતાના પાડોશી પર મોડી રાત સુધી ટેપ વગાડવા બાબતે અરજી કરી હતી. જેનું મન દુઃખ રાખી 13 શખ્સોએ હાથમાં ચટણી, લોખંડના પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે.

આંખમાં ચટણી નાખી જીવલેણ હુમલો
માંગરોળ તાલુકાના દીવાસા ગામે પ્રશાંત પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાને એડવોકેટ તરીકેનું કાર્ય કરતા રમેશ ડાકી પર દિવાસા ગામના જ 13 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. દિવાસા ગામમાં આવેલી હોટલમાં બંને ભાઈઓ બેઠા હતા ત્યારે 13 આરોપીઓ ફરિયાદી પર આડેધડ તૂટી પડ્યા હતા. હોટલ પર બેઠેલા બંને ભાઈઓની આંખમાં ચટણી નાખી લોખંડના પાઇપ વળે જીવલેણ હુમલો કર્યો હતો.

આ ઘટનાને લઈ ભોગવનાર ફરિયાદી રમેશ ડાકીએ પોલીસ સ્ટેશનમાં 13 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો પહેલા એડવોકેટ રમેશ ડાકીએ દિવાસા ગામમાં રહેતા સંજય હરદાસ ચુડાસમા સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ રાત્રે ટેપ નહી વગાડવા બાબતે શીલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાબતે પોલીસ દ્વારા સંજય હરદાસ ચુડાસમા સહિત ત્રણ શખ્સોની અરજીના આધારે અટકાયતી પગલા લીધા હતા.

સોનાનો ચેઇન, રોકડા રુપીયા જુટવી લીધા હોવાના આક્ષેપ
જેનું મનદુઃખ રાખી રાતના સમયે દિવાસા ગામના એક જ પરિવારના સભ્યોએ એક સંપ કરી ગેર કાયદેસર મંડળી રચી હથીયારો સાથે આવ્યાં હતા. જે બાદ અપશબ્દો બોલી આંખમાં ચટણી નાખી અને હોકી લઈ તુટી પડ્યા હતા. અશોકભાઇને ઢીંકાપાટુ તથા લોખંડના પાઇપ વડે માર્યો હતો અને ફરિયાદી રમેશ ડાકીનો સોનાનો ચેઇન, રોકડા રુપીયા 25 હજાર મારામારી દરમિયાન જુટવી લીધાની દિવાસા ગામના જ હરદાસ રામભાઈ ચુડાસમા, પિયુષ હરદાસ ચુડાસમા ,સંજય હરદાસ ચુડાસમા, વેજીબેન હરદાસ ચુડાસમા, જાજી બેન માલદેભાઈ ચુડાસમા, અશ્વિન માલદે ચુડાસમા ,ધાર્મિક દિવસીભાઈ ચુડાસમા, દિલીપ અરજણભાઈ ચુડાસમા, રાજુ માલદેભાઈ ચુડાસમા અને અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ એડવોકેટ રમેશ ડાકી દ્વારા શીલ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. આ હુમલામાં એડવોકેટ રમેશ ડાકીને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યાં બે દિવસ સારવાર આપ્યા બાદ ફરિયાદી એડવોકેટ રમેશ ડાકીને માથાના ભાગે ગંભીર ઇજા હોવાના કારણે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે એડવોકેટ પર થયેલા હુમલાની વધુ તપાસ હાથ ધરી હતી.
