જુનાગઢએક કલાક પહેલા
ભજનનું ઊંડું જ્ઞાન ધરાવનાર અને સંતોમાં શ્રેષ્ઠ એવા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુની પુણ્યતિથિની ભારતીય આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સાધુ સંતો અને સેવક ગણની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન અને ભજન ભાવથી ભારતીય આશ્રમ ખાતે બ્રહ્માલીન વિશ્વંભર ભારતી બાપુની આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
બ્રહ્માલીન થયા તેને આજે બે વર્ષ વીતી ગયા આજે તેમની બીજી પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ ખાતે તેમની પૂજનવિધિ તથા શાસ્ત્રોક્તવિધિથી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. ભવનાથ ભારતી આશ્રમ ખાતે ગાદીપતિ મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુએ પૂજા અર્ચના કરી બ્રહ્માલીન વિશ્વંભર ભારતી બાપુની સમાધિનું પૂજન શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિનું પૂજન કરી બ્રહ્માલીન વિશ્વંભર ભારતી બાપુની ચરણ પાદુકાને જલાભિષેક કરી પૂજન કરાયું હતું. આશ્રમ ખાતે1500 થી 2000 જેટલા સાધુ સંતોની ઉપથીતિમાં ભંડારો રાખવામાં આવ્યો હતો અને સાધુ સંતોને ભોજન,પ્રસાદી ,ભેટ પૂજા આપવામાં આવી હતી..
ભારતીબાપુનો જન્મ 1930માં થયો હતો. માત્ર 27 વર્ષની વયે 1957માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની રક્ષા, અયોધ્યા રામમંદિર સહિતના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન હતું. તેમના નિધનથી સાધુ સમાજે ભિષ્મ પિતામહ ગૂમાવ્યા છે. ભવનાથના સંતોનો વડલો હતા. હવે વડલો જતા રહેતા સાધુ સમાજે વડિલ માર્ગદર્શકની છત્રછાયા ગૂમાવી છે.26 વર્ષ પહેલાં ભવનાથમાં આશ્રમની સ્થાપના કરી હતી. ભારતી બાપુને ગિરનારનું આકર્ષણ હતું અને તેમની ઇચ્છા પણ હતી કે તેમની સમાધિ અહીં લાગે. ગિરનાર ક્ષેત્રને બાપુએ કર્મભૂમિ બનાવી હતી.
બ્રહ્માલીન થયા તેને આજે બે વર્ષ વીતી ગયા પરંતુ અહીં આવતા દરેક ભાવિક ભક્તોને ભજન અને ભોજન અવિરત પણે કરાવવું તે એક મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુનો મંત્ર હતો અને આ જ મંત્રને હાલમાં અહીંના ગાદીપતિ મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુ એ યથાવત રાખ્યો છે અહીં આવતું કોઈ પણ ભાવિક ભક્ત ભૂખ્યું પરત ન જાય તેનું પોતે ધ્યાન રાખી રહ્યા છે અને અવિરત પણે અહીં સદાવ્રત શરૂ રાખવામાં આવ્યું છે.