પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
- કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો…
તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના વિંઝોલ ખાતે આવેલા મધ્ય ગુજરાતની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ‘સંસ્કૃતિ સાહિત્ય અને કલામીમાંસા’ વિષય ઉપર સેમિનાર સંપન્ન થયો થયો હતો.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. યુનિવર્સિટીના પીએચડી વિભાગની શોધાર્થી બહેનો દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. આ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મુખ્ય વક્તા ડો. સુમન શાહ, ડો. બાબુ સુથાર, ડો. કરુણા જોશી, ડો. અંબાદાન રોહડીયાએ અલગ અલગ વિષયો પર વ્યાખ્યાનો આપ્યા હતા.
આ સેમિનારમાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ તેમજ કુલસચિવ ડૉ. અનિલ સોલંકીએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા હતા. સંયોજક તરીકે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. કુમાર જેમિનિ શાસ્ત્રીએ કામગીરી કરી હતી. આ કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ દ્વારા પ્રકાશિત ગોવિંદ ગુરુના જીવન પર આધારિત શોધપત્રોના પુસ્તકનું વિમોચન પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિવિધ કોલેજોના આચાર્યો, મોટી સંખ્યામાં અધ્યાપકો, પીએચડીના શોધાર્થીઓ, સર્જકો, શિક્ષકો અને સાહિત્યજગતના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રોતાઓએ પોતાના શોધ પેપર પણ રજૂ કર્યાં હતાં. કાર્યક્રમનું રાષ્ટ્રગીતના ગાન સાથે સમાપન કરાયું હતું.
બહેનોનો ભરતી મેળો યોજાયો…
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેર અને એમ.જી મોટરના સંયુક્ત ઉપક્રમે બહેનોનો ભરતી મેળો યોજાયો હતો. જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે બહેનોનો ભરતી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 150 બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ભરતી મેળામાં 45 જેટલી બહેનોની પસંદગી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.
આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહ્યું છે. પ્રવર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહિલાઓ પુરૂષની સાથે જ આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે.
આજના આ શુભ દિવસે કુલપતિએ યુનિવર્સિટી પરિવારની તમામ બહેનોને તેમજ યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ કોલેજોની બહેનોને ખાસ ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે તમામ કર્મચારીઓ, ઈ.સી અને એ.સી મેમ્બર્સ, આચાર્ય મિત્રો, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ તમામને શુભકામનાઓ પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો.