ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરના રાંધેજા ગામમાં વહેલી પરોઢિયે 19 વર્ષીય યુવતીને દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં પરિવારજનો દીકરીની અર્થી કાઢીને સ્મશાને અંતિમ સંસ્કાર માટે પણ પહોંચ્યા હતા. આ બાબતની જાણ થતાં જ પેથાપુર પોલીસ પણ સ્મશાને પહોંચી ગઈ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશનું સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી ફરી લાશને પરિવારને સોંપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ગાંધીનગરના રાંધેજા ગામમાં યુવતીએ પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કર્યાની ઘટના ઘટી હતી. બાદમાં પરિવારજનો હિન્દુ વિધિ મુજબ દીકરીની અર્થી લઈને અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી પણ પહોંચી ગયા હતા. જ્યાં અગાઉથી ઉભેલી પોલીસે અંતિમ સંસ્કાર અટકાવી દઈ કાનૂની રાહે તજવીજ હાથ ધરીને યુવતીની લાશને પરત પરિવારને સોંપી હોવાનો કિસ્સો પેથાપુર પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરના રાંધેજા ગામમાં પાંચેક મહિનાથી ભાડાનાં મકાનમાં રહેતાં સંજયભાઈ દરજીનાં પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ છે.મૂળ ઉનાવા ગામના વતની સંજયભાઈ પહેલા વાવોલ ખાતે રહેતા હતા.બાદમાં ઉક્ત ગામે ભાડાના મકાનમાં રહી દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જેમની ત્રણ દીકરીઓ પૈકી સૌથી મોટી દીકરી રિયા (ઉં. 19) અગાઉ ધોરણ – 10 માં ત્રણ વખત નાપાસ થઈ હતી. અને ચોથા પ્રયાસ પછી ધોરણ – 10 ની પરીક્ષામાં પાસ થઈ હતી.જે ધોરણ – 11 ની એકસ્ટર્નલ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. પરંતુ અગાઉ ત્રણ વખત નપાસ થવાના કારણે રિયા ખૂબ ટેન્શનમાં રહેતી હતી. આગામી દિવસોમાં ફાઇનલ પરીક્ષા હોવાથી રિયા વહેલી સવારે ઊઠીને ઘરના છેલ્લા રૂમમાં વાંચન કરતી રહેતી હતી.ત્યારે નિત્યક્રમ મુજબ આજે વહેલી પરોઢિયે રિયા વાંચવા માટે ઉઠી હતી. અને ધોરણ – 11ની પરીક્ષામાં પણ નાપાસ થવાના ડરમાં રિયાએ રૂમમાં મોભે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં તેની નાની બહેન રૂમમાં રિયાને જગાડવા માટે ગઈ હતી. અને અંદરનું દ્રશ્ય જોઈ ચીસ પાડી હતી.
જેની ચીસ સાંભળીને સંજયભાઈ અને તેમના પિતા સહિતના અન્ય લોકો પણ રૂમમાં દોડી ગયા હતા.જ્યાં રિયાને ગળાફાંસો ખાધેલ હાલતમાં લટકતી જોઈ ચોંકી ઉઠયા હતા.બીજી તરફ ગામમાં પીએચસી સેન્ટર નહીં હોવાથી પરિવારે દીકરીની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને હિન્દુ વિધિ મુજબ રિયાની અર્થી પણ કાઢવામાં આવી હતી.
આ દરમ્યાન સમાજના પ્રબુદ્ધ નાગરિકની સલાહથી પરિવારે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરીને બનાવની જાણ કરી આગળ શું કાર્યવાહી કરાય એની સલાહ માંગવામાં આવી હતી. એટલે અભયમની ટીમે પેથાપુર પોલીસ મથકમાં જાણ કરી હતી. જેનાં પગલે એ.એસ.આઈ બાબુભાઈ ચૌધરી સ્ટાફના માણસો સાથે સ્મશાન પહોંચી ગયા હતા. જ્યાં પરિવાર રિયાની અર્થી લઈને આવી પહોંચ્યો હતો. બાદમાં રિયાની લાશને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઈ આવવામાં આવી હતી.
જ્યાં અર્થીની સાથે ડાઘુઓ પણ સિવિલ આવી પહોંચ્યા હતા. બાદમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશનું પોસ્ટમોર્ટમ કરાવી રિયાની લાશને પાછી પરિવારને સોંપી હતી. જે પછી ડાઘુઓ સહિતના રિયાની લાશને અંતિમ વિધિ માટે સ્મશાને લઈ ગયા હતા.